નેશનલ

રાજસ્થાનના સવાઇ માનસિંહ સ્ટેડિયમને બોમ્બથી ઉડાવવાની ધમકી, પોલીસે તપાસ શરૂ કરી

જયપુર: ભારત પાકિસ્તાન તણાવ વચ્ચે રાજસ્થાનના જયપુરમાં આવેલા સવાઈ માનસિંહ સ્ટેડિયમને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. આ મામલે રાજસ્થાન સ્પોર્ટ્સ કાઉન્સિલના પ્રમુખ નીરજ કે. પવને કહ્યું હતું કે તેમણે ઇમેઇલ દ્વારા ધમકી આપવામાં આવી છે. તેમણે કહ્યું કે અમને નથી લાગતું આ ગંભીર હશે. આ અગાઉ પણ બે વખત ધમકી આપવામાં આવી હતી. આ વખતે ઈમેલમાં મોબાઈલ નંબર પણ આપવામાં આવ્યા છે જેની પોલીસ તપાસ કરી રહી છે.

ઓપરેશન સિંદૂરનો બદલો લેવાની ધમકી

ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાક દિવસોમાં સવાઈ માનસિંહ સ્ટેડિયમને ઘણી વખત બોમ્બથી ઉડાવી દેવાની ધમકીઓ મળી છે. જે બાદ તપાસ પણ કરવામાં આવી હતી પરંતુ કંઈ શંકાસ્પદ મળ્યું ન હતું. આખા સ્ટેડિયમની સંપૂર્ણ તપાસ કરવામાં આવી રહી છે અને સુરક્ષા અધિકારીઓ સતર્ક છે. આ અગાઉ 8 મેના રોજ પણ ઈમેલ દ્વારા ધમકીઓ આપવામાં આવી હતી. તેની બાદ આ બીજી ધમકી છે જેમાં કહેવામાં આવ્યું છે કે ઓપરેશન સિંદૂરનો બદલો લેવા માટે સ્ટેડિયમ પર બોમ્બમારો કરવામાં આવશે.

ભારત પાકિસ્તાન વચ્ચે હાલ તણાવનો માહોલ

જમ્મુ કાશ્મીરના પહલગામમાં 22 એપ્રિલના રોજ આતંકવાદી હુમલો થયો હતો. જેમાં 26 લોકો માર્યા ગયા હતા. આ આતંકવાદી હુમલા પછી ભારતે આતંકવાદ સામે કડક વલણ અપનાવ્યું અને પાકિસ્તાન સામે અનેક પ્રતિબંધો લગાવ્યા છે. ભારતે ઓપરેશન સિંદૂર હેઠળ પાકિસ્તાનમાં આતંકવાદી કેમ્પોનો નાશ કર્યો હતો. ભારતની આ કાર્યવાહીથી પાકિસ્તાને ભારતના અનેક શહેરો પર ડ્રોન અને મિસાઈલ હુમલાઓ કર્યા હતા ભારતીય સેનાએ તેનો વળતો જવાબ આપ્યો. તેની બાદ પાકિસ્તાનની વિનંતી પર બે દેશો વચ્ચે યુદ્ધ વિરામ છે. હાલ ભારત-પાકિસ્તાન તણાવ ચરમસીમાએ પહોંચી ગયો હતો.

ઓપરેશન સિંદૂર આતંકવાદ વિરુદ્ધ અમારી નીતિ : પીએમ મોદી

જોકે, બાદમાં બંને દેશોની સંમતિથી યુદ્ધવિરામની જાહેરાત કરવામાં આવી હતી. તેમજ હાલમાં સરહદ પર શાંતિ છે.
તેની બાદ પીએમ મોદીએ રાષ્ટ્રને સંબોધનમાં સ્પષ્ટ કર્યું હતું કે આતંકવાદ સામેની લડાઈ ચાલુ રહેશે અને તેને યોગ્ય જવાબ આપવામાં આવશે. ઓપરેશન સિંદૂર આતંકવાદ વિરુદ્ધ અમારી નીતિ છે. તેને સ્થગિત કરવામાં આવ્યું છે બંધ કરવામાં આવ્યું નથી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button