રાજસ્થાનના રાજકારણમાં વસુંધરાનો દબદબો કેટલો? શું પીએમ મોદી અને વસુંધરાની કેમેસ્ટ્રી ખોલશે સત્તાના દ્વાર?
રાજસ્થાનમાં ચૂંટણીને આડે હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે. રાજકીય પક્ષો ચૂંટણી જીતવા પોતાની પૂરેપૂરી તાકાત લગાવી રહ્યા છે. આ બધા વચ્ચે હાલ સૌથી વધુ ચર્ચા પીએમ મોદી અને 2 વાર રાજસ્થાન પર શાસન કરી ચુકેલા વસુંધરા રાજે વચ્ચેની કેમેસ્ટ્રીને લઇને થઇ રહી છે.
વર્ષ 2003 બાદ આ પહેલી ચૂંટણી છે જેમાં ભાજપ મુખ્યપ્રધાન પદનો ચહેરો જાહેર નથી કરી રહી. સૌને એમ લાગતું હતું કે કદાચ વસુંધરા જ એ ચહેરો હશે પરંતુ તેમણે પોતે સીએમ પદથી અળગા રહેવાનું પસંદ કરતા હવે ભાજપ કોને મુખ્યપ્રધાન બનાવશે તે અંગેની ચર્ચાએ જોર પકડ્યું છે. રાજસ્થાનના રાજકારણમાં કદાચ હવે ભાજપ વસુંધરાના વિકલ્પો શોધી રહી છે. વસુંધરા પોતે પણ ભાજપના દિગ્ગજોની અમુક રેલીઓથી દૂર રહ્યા હતા.
હવે ચૂંટણી પ્રચારના પડઘમ શાંત થાય એ પહેલા પીએમ મોદી અને વસુંધરા રાજે સિંધિયા જાહેરમાં એક મંચ પર દેખાયા છે. બારાં જિલ્લાના અંતા ગામમાં યોજાયેલી રેલીમાં તેઓ બંને એકસાથે જોવા મળ્યા હતા. વસુંધરા રાજે સિંધિયાએ જાહેર મંચ પરથી પીએમ મોદીના ભારે વખાણ કર્યા. તેમની સાથે તેમનો પુત્ર દુષ્યંત ચૌટાલા પણ હતા. દુષ્યંતે પીએમ મોદીને પાઘડી પહેરાવી તેમનજ શ્રીનાથજીની તસ્વીર ભેટમાં આપીને સ્વાગત કર્યું હતું.
બંને ધુરંધરોની મંચ પરની જુગલબંધી બાદ હવે ચર્ચા થઇ રહી છે કે શું વસુંધરા સીએમ પદની રેસમાં પરત ફર્યા છે? ભાજપ તરફથી સીએમ પદની રેસમાં કોણ છે એ તો અલગ વિષય છે પરંતુ શું વસુંધરા સીએમ પદ માટે યોગ્ય છે તેવું ભાજપ માને છે? આ સવાલોના જવાબ હવે મેળવવાના રહ્યા.
રાજસ્થાનના રાજકારણમાં વસુંધરાના પ્રભાવની વાત કરીએ તો, જાટ, રાજપૂત અને ગુર્જરના જટિલ જાતીય સમીકરણોમાં વસુંધરાનું ઘણા વર્ષોથી પ્રભુત્વ છે. ઘણાખરા જિલ્લાઓમાં વસુંધરા ભાજપ તરફથી સૌથી લોકપ્રિય ચહેરો માનવામાં આવે છે, એવું કહી શકાય કે રાજસ્થાન વિધાનસભાની 200 બેઠકોમાંથી 60 બેઠકો વસુંધરા ભાજપને જીતાડી શકે છે. રાજકીય વિશ્લેષકો પણ જણાવી રહ્યા છે કે વસુંધરાની ઉપેક્ષાથી ભાજપને મોટું નુકસાન થઇ શકે છે.
પીએમ મોદીની રેલી પહેલા કોંગ્રેસે પોતાનો મેનીફેસ્ટો જાહેર કર્યો હતો જેમાં મહિલાઓ માટે રાજસ્થાન સશસ્ત્ર દળમાં 3 બટાલિયન બનાવવી, ગૃહલક્ષ્મી યોજના હેઠળ મહિલાઓને વાર્ષિક 10 હજાર રૂપિયાનું ભથ્થું, સરકારી વીમાયોજનાની રકમ 50 લાખ સુધી કરી દેવાની ગેરંટી આપી હતી. કોંગ્રેસના ઘોષણાપત્ર બાદ ભાજપ માટે જરૂરી હતું કે તે કોઇ મજબૂત ચહેરાને મેદાનમાં લાવે.
રાજસ્થાનની ચૂંટણીની બાજીમાં વસુંધરા એ જાણે ભાજપનો હુકમનો એક્કો છે. અલગ અલગ રાજ્યોમાં મહિલાઓ ભાજપ માટે સાયલન્ટ વોટર હોવાનું માનવામાં આવે છે, અને રાજસ્થાનની મહિલાઓ પહેલેથી જ વસુંધરાને વરેલી છે. વર્ષ 2018માં યોજાયેલી રાજસ્થાનની ચૂંટણીમાં પણ કોંગ્રેસને ભાજપ પછાડી રહ્યું હતું. તેમ છતાં 75 બેઠકોની નજીક પહોંચવામાં ભાજપને સફળતા મળી હતી. તે ફક્ત અને ફક્ત વસુંધરાને કારણે.
ગહેલોત સરકારની ચિરંજીવી યોજનાને કોંગ્રેસ નેતાઓ ગેમ ચેન્જર માની રહ્યા છે. આ યોજના સામે જવાબ આપવા માટે ભાજપ વસુંધરા જ્યારે મુખ્યપ્રધાન હતા ત્યારે જે ભામાશાહ યોજના લાવ્યા હતા તેનો પ્રચારમાં ઉપયોગ કરી રહ્યું છે. ભાજપના કાર્યકર્તાઓ હાલમાં રાજસ્થાનમાં જ્યાં પણ જાય ત્યાં ભામાશાહ યોજના લોકોને યાદ કરાવી રહ્યા છે. ભામાશાહ યોજના વસુંધરા સરકારની સૌથી લોકપ્રિય યોજના હતી. આ યોજના હેઠળ મહિલાઓને 30 હજાર રૂપિયા સુધી મેડિકલ વીમો, ગંભીર બિમારીઓ હોય તો 3 લાખ રૂપિયા સુધીની સહાય, વિદ્યાર્થીનીઓ તથા દિવ્યાંગો માટે પણ આર્થિક સહાયની જોગવાઇ હતી.
આગામી 25 નવેમ્બરે રાજસ્થાનમાં મતદાન થશે. રાજસ્થાનની જનતા 5 વર્ષ માટે સરકાર ચૂંટશે. પરિણામો 3 ડિસેમ્બરે આવશે. ત્યારે રાજસ્થાનમાં પીએમ મોદી અને વસુંધરાની જોડી મતદારો પર શું અસર કરે છે તે જોવું રહ્યું.