રાજા રઘુવંશી હત્યા કેસમાં નવો વિડીયો પ્રકાશમાં આવ્યો, હત્યાના ભેદને ઉકેલવામાં મળશે મદદ

શિલોંગ : મેઘાલયમાં ઈંદોરના યુવક રાજા રધુંવશીની પત્ની દ્વારા હત્યા કેસમાં નવા ખુલાસા પ્રકાશમાં આવી રહ્યા છે. જેમાં ઇન્દોરના નવપરિણીત યુગલ રાજા અને સોનમ રઘુવંશીના સીસીટીવી ફૂટેજ બાદ વધુ એક વીડિયો પ્રકાશમાં આવ્યો છે. જેમાં મેઘાલયના નોંગરિયાટ ગામમાં રાત વિતાવ્યા બાદ ડબલ ડેકર રૂટ બ્રિજ પરથી પરત ફરતી વખતે આ કપલ એક યુટ્યુબરના કેમેરામાં કેદ થયું હતું. આ વીડિયો મેઘાલય પોલીસ માટે એક મહત્વપૂર્ણ સંકેત માનવામાં આવી રહ્યો છે. જે હત્યાના રહસ્યને ઉકેલવામાં મદદ કરી શકે છે.
આ તેનું છેલ્લું રેકોર્ડિંગ હોઈ શકે છે
યુટ્યુબર દેવેન્દ્ર સિંહે જણાવ્યું હતું કે 23 મેના રોજ, તે મેઘાલયના ડબલ ડેકર રૂટ બ્રિજની સફર પર હતો અને વીડિયો રેકોર્ડ કરી રહ્યો હતો. આ વીડિયો જોતી વખતે તેણે સવારે 9:45 વાગ્યે રેકોર્ડિંગમાં રાજા અને સોનમને જોયા. આ કપલ નોંગરિયાટ ગામમાં શિપ્રા હોમસ્ટેથી ચેક આઉટ કર્યા પછી માવલાખિયાટ ગામ તરફ 3000 સીડીઓ ચઢી રહ્યું હતું. દેવેન્દ્રએ લખ્યું, સોનમે એ જ સફેદ શર્ટ પહેર્યો હતો. જે પાછળથી રાજાના મૃતદેહ પાસે મળી આવ્યો હતો. મને લાગે છે કે આ તેનું છેલ્લું રેકોર્ડિંગ હોઈ શકે છે.
મારો વીડિયો પોલીસને કેસ ઉકેલવામાં મદદ કરશે
તેણે એ પણ ખુલાસો કર્યો કે તેની પાસે બીજો એક વીડિયો છે. જેમાં ત્રણ અન્ય લોકો દેખાય છે જેમણે દંપતીના 20 મિનિટ પહેલા ટ્રેક શરૂ કર્યો હતો. મેઘાલય પોલીસે આ ત્રણ આકાશ રાજપૂત, વિશાલ સિંહ ચૌહાણ અને આનંદ સિંહ કુર્મીની ધરપકડ કરી છે. દેવેન્દ્રએ કહ્યું, મને આશા છે કે મારો વીડિયો પોલીસને કેસ ઉકેલવામાં મદદ કરશે.
વીડિયોમાં રાજાને જોઈને ભાવુક થઈ ગયેલા દેવેન્દ્રએ કહ્યું, રાજા સામાન્ય દેખાતો હતો, પરંતુ તેને ખબર નહોતી કે તેની સાથે શું થવાનું છે. તેનું રેકોર્ડિંગ જોઈને મને ખૂબ ખરાબ લાગી રહ્યું છે.
સોનમ રઘુવંશી આ કેસમાં મુખ્ય આરોપી
ઉલ્લેખનીય છે કે, 23 મેના રોજ વેઈસાડોંગ ધોધ નજીક 29 વર્ષીય રાજા રઘુવંશીની હત્યા કરવામાં આવી હતી અને 2 જૂનના રોજ તેનો મૃતદેહ ખાડામાંથી મળી આવ્યો હતો. પોલીસે પુષ્ટિ કરી છે કે રાજાની હત્યા તીક્ષ્ણ હથિયાર વડે કરવામાં આવી હતી. પત્ની સોનમ રઘુવંશી આ કેસમાં મુખ્ય આરોપી છે.
આપણ વાંચો: એર ઇન્ડિયાએ ચિંતા વધારી! વધુ એક ડ્રીમલાઇનર વિમાનમાં ખામી સર્જાઈ, હોંગકોંગથી દિલ્હી આવતી હતી ફ્લાઇટ
ટૂંક સમયમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવશે
આ અગાઉ, મેઘાલય પોલીસને ટૂરિસ્ટ ગાઇડ પાસેથી માહિતી મળી હતી. આલ્બર્ટ પીડીએ જણાવ્યું હતું કે રાજા અને સોનમ 23 મેના રોજ સવારે 10 વાગ્યે ત્રણ માણસો સાથે સીડીઓ ચઢી રહ્યા હતા. આ વીડિયો તે નિવેદનની પુષ્ટિ કરે છે. પોલીસે આ કેસને ‘ઓપરેશન હનીમૂન’ નામ આપ્યું છે અને દાવો કર્યો છે કે તેમની પાસે મજબૂત પુરાવા છે. આ પાંચેય આરોપીઓ સોનમ, રાજ કુશવાહા, આકાશ, વિશાલ અને આનંદ કસ્ટડીમાં છે અને ટૂંક સમયમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવશે.