રાજ કુશાવાહએ ફિલ્મોમાં કામ કરવા જેવું છેઃ હત્યારો હોવાની ભનક પણ ન પડવા દીધી | મુંબઈ સમાચાર

રાજ કુશાવાહએ ફિલ્મોમાં કામ કરવા જેવું છેઃ હત્યારો હોવાની ભનક પણ ન પડવા દીધી

ઈન્દોરઃ સોનમ રઘુવંશીના કેસમાં સોનમ જેટલો જ ગુનેગાર પ્રેમી રાજ કુશવાહા પ્રેમિકા સાથે તેનાં હનીમૂન પર ગયો, પ્રેમિકાના પતિની નિર્મમ હત્યા કરી અને ફરી આવી ગયો. તેના ચહેરા કે હાવભાવમાં કોઈ ફરક કોઈને ન દેખાયો. તે રાજા રઘુવંશીની અંતિમ ક્રિયાઓમાં હાજર રહ્યો, સોનમના પિતાને સાંત્વના આપતો રહ્યો અને એટલું જ નહીં રાજા માટે કફનની વ્યવસ્થા પણ તેણે કરી હતી. આ એ સમય હતો જ્યારે સોનમ લાપત્તા હતી.

તમે રાજ કુશવાહાનો ચહેરો તો ટીવી અને તસવીરોમાં જોયો જ હશે. સાવ જ દુબળુ શરીર અને ચહેરા પર કોઈ જાતનું તેજ ન દેખાય તેવો રાજ એક્ટિંગમાં માહેર નીકળ્યો છે. સોનમની સાથે ગયેલો રાજ પરત ફર્યો. તેણે રાજાને અંતિમ શ્વાસ લેતા જોયો. આવું ભયંકર કૃત્ય કર્યા બાદ તે રાજાની અંતિમ વિધિમાં પણ સામેલ થયો અને ઘરના એક સભ્ય તરીકે જવાબદારીઓ નિભાવી. આ બધા વચ્ચે તે સતત ફોન પણ એટેન્ડ કરતો હતો અને મળતી માહિતી સુધી તે સોનમને એક એક પળની અપડેટ્સ આપતો હતો.

સોનમના પિતાની ફેક્ટરીમાં તે કામ કરતો હોવાથી તે મોટેભાગે તેનાં પિતા સાથે જોવા મળતો અને પિતાને સાંત્વના આપવામાં, હાથ પકડીને લઈ જવામાં તે તેની સાથે હતો. રાજાનો મૃતદેહ જોઈ, લોકોની રોકક્ડ જોઈ તેને જરાપણ અસર ન થઈ કે તેના ચહેરા પરથી કોઈને પણ શક ન ગયો કે આ કંઈક જાણે છે.

બીજી બાજુ મીડિયા સાથે વાત કરતા રાજ કુશવાહાની માએ કહ્યું હતું કે તે આટલો પાષાણ હૃદયનો હોઈ ન શકે. તે બીજાનું દુઃખ જોઈને દુઃખી થનારો અને હંમેશાં મદદ માટે દોડી જનારો છે. મા દીકરાને ઓળખી ન શકી, પરંતુ સોનમ જેટલો રાજ પણ જવાબદાર છે. પ્રેમિકાના પતિને મારવાના આખા ષડયંત્રનો માસ્ટરમાઈન્ડ તે હોવાનું બહાર આવ્યું છે. જો આ પ્લાન રાજનો ન હોય અને તેણે સોનમના કહેવાથી કર્યું હોય તો પણ પ્રેમમાં આટલું આંધળુ થવાની જરૂર ન હતી. તે કાં તો પ્રેમિકાને સમજાવી શક્યો હોત, તેનાં માતા-પિતાને સમજાવી શક્યો હોત અથવા સોનમ સાથે લગ્ન કરી શક્યો હોત. ઘણા પરિવારો આંતરજ્ઞાતિય લગ્નો માટે પહેલા રાજી થતા નથી, પરંતુ પછીથી સંતાનોનું સુખ જોઈ સહમત થઈ જતા હોય છે.

આ પણ વાંચો…રાજા રઘુવંશી હત્યાકાંડ: કેમ સોનમે રાજાની હત્યા પિસ્તોલથી ન કરી?

Pooja Shah

જેમણે મહારાષ્ટ્ર અને ગુજરાતના રાજકીય અને વહીવટી તંત્ર સહિત ઘણા વિષયોનું રિપોર્ટિંગ કર્યું છે, ફિલ્મજગત, સાહિત્યજગત અને રાજકારણીઓના ઈન્ટરવ્યુ કર્યા છે. વિવિધ વિષયો પર લેખ લખ્યા છે. એક દાયકા કરતા વધારે સમયનો પત્રકારત્વનો અનુભવ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button