‘મારી ધરપકડમાં રાજભવન પણ સામેલ’: Hemant Sorenએ વિધાનસભામાં રાજ્યપાલ સામે કર્યા આક્ષેપો
Jharkhand Floor Test: ‘ગત 31 જાન્યુઆરીના રોજ, દેશના ઇતિહાસમાં સૌપ્રથમ વખત કોઇ રાજ્યના મુખ્યપ્રધાનની ધરપકડ થઇ…અને મારું માનવું છે કે આ ઘટના બનવા પાછળ રાજભવનની પણ ભૂમિકા હતી.’ આ નિવેદન આપ્યું છે ઝારખંડના પૂર્વ મુખ્યપ્રધાન હેમંત સોરેને, અને તેમણે પોતાની ધરપકડ પાછળ રાજ્યપાલ સી.પી. રાધાક્રિષ્નનને જવાબદાર ઠેરવ્યા છે.
નાણાકીય હેરફેર મામલે પ્રવર્તમાન નિદેશાલય-EDએ હેમંત સોરેનની ધરપકડ કરી હતી. એ પહેલા તેમણે ઝારખંડના મુખ્યપ્રધાન પદેથી રાજીનામું આપી દીધું હતું. તેમની સરકારમાં પ્રધાન રહેલા ચંપઇ સોરેનને આગામી મુખ્યપ્રધાન તરીકે ચૂંટવામાં આવ્યા હતા, અને તેમણે શુક્રવારે મુખ્યપ્રધાન પદના શપથ લીધા હતા.
હેમંત સોરેને દાવો કર્યો છે કે જો EDએ તેમના પર મુકેલા તમામ આરોપો કોર્ટમાં સાચા સાબિત થાય તો તેઓ રાજકારણ છોડી દેશે. હેમંત સોરેને જણાવ્યું હતું કે, “31 જાન્યુઆરીની કાળી રાત દેશના લોકતંત્ર માટે એક કાળો અધ્યાય છે. પહેલી જ વાર કોઇ મુખ્યપ્રધાનની ધરપકડ કરવામાં આવી છે. તેની પાછળ રાજભવન પણ જવાબદાર છે. પણ અમે માથું ઝુકાવીને ચાલતા શીખ્યા નથી. તેમણે મને 8.5 એકરના જમીન કૌભાંડમાં ધરપકડ કરી છે પરંતુ જો તેમનામાં હિંમત હોય તો જમીનના કાગળિયા બતાવે, જો સાબિત થઇ જાય તો હું રાજકારણ તો શું, ઝારખંડ પણ છોડી દઇશ.” તેવું હેમંત સોરેને જણાવ્યું હતું.
હેમંત સોરેને પોતાની ધરપકડને દલિતો અને આદિવાસીઓ પર અત્યાચારનો આરોપ ગણાવ્યો છે. તેમણે કહ્યુ હતું કે બાબાસાહેબ ભીમરાવ આંબેડકરે પણ પોતાનો ધર્મ બદલવો પડ્યો હતો. “આજે ક્યાંક એવું લાગે છે કે બાબાસાહેબ ભીમરાવ આંબેડકરનું જે સપનું હતું કે તમામ જાતિ અને ધર્મના લોકોમાં સમાનતા હોવી જોઇએ, પરંતુ તેમને તેમનો સમાજ છોડીને બૌદ્ધ ધર્મ અપનાવવો પડ્યો હતો, એવું જ દલિતો, આદિવાસીઓ, પછાત સમુદાયો સાથે થઇ રહ્યું છે.”
હેમંત સોરેન વતી ધરપકડ અને રિમાન્ડને પડકારતી અરજી હાઇકોર્ટમાં કરવામાં આવી છે. આ કેસમાં ED તરફથી 9 ફેબ્રુઆરીએ હાઇકોર્ટમાં જવાબ રજૂ કરવામાં આવશે. કેસની સુનાવણી 12 ફેબ્રુઆરીના રોજ રાખવામાં આવી છે.