‘રાજભવન પાર્ટી ઓફિસની જેમ કામ કરી રહ્યા છે…’, કોંગ્રેસનાં નેતા માર્ગારેટ આલ્વાના ગંભીર આક્ષેપો
જયપુર: છેલ્લા કેટલાક વર્ષોથી કેટલાક રાજ્યોની સરકાર અને રાજ્યપાલ વચ્ચે વિવાદ જોવા મળી રહ્યા છે. એવામાં કોંગ્રેસનાં નેતા અને પૂર્વ કેન્દ્રીય પ્રધાન માર્ગારેટ આલ્વાએ રાજ્યપાલો અને રાજભવનો પર આરોપ લગાવ્યા છે કે ઘણા રાજ્યોમાં રાજભવન પાર્ટી કાર્યાલયોની જેમ કામ કરી રહ્યા છે અને રાજ્યપાલો સરકારો બનાવવા અને તેને તોડી પાડવામાં રાજકીય ભૂમિકા ભજવી રહ્યા છે.
ચાર રાજ્યોના ગવર્નર રહી ચૂકેલા માર્ગારેટ આલ્વાએ શનિવારે 17મા જયપુર લિટરરી ફેસ્ટિવલ (JLF)માં એક સત્રને સંબોધતા કહ્યું કે રાજ્યપાલો રાજકીય પક્ષોના એજન્ટ નથી. તેમની પાસેથી રાજભવનમાં બંધારણની જરૂરિયાતો અનુસાર વર્તવાની અપેક્ષા રાખવામાં આવે છે.
તેમણે ‘વી ધ પીપલઃ ધ સેન્ટર એન્ડ સ્ટેટ્સ’ સત્ર દરમિયાન કહ્યું હતું કે ગવર્નરની ભૂમિકાનો સંપૂર્ણ ખ્યાલ સંઘીય પ્રણાલીને જાળવી રાખવા રાખવાનો છે. આજે ઘણા પડકારો છે, રાજ્યપાલોનું વર્તન સામાન્યથી અલગ થઈ રહ્યું છે અને આપણે ઘણા રાજ્યોમાં આ જોઈ રહ્યા છીએ. ઘણા સંજોગોમાં, રાજભવન પાર્ટી ઓફિસની જેમ કામ કરે છે.
ઉત્તરાખંડ, ગોવા, ગુજરાત અને રાજસ્થાનના રાજ્યપાલ રહી ચૂકેલા અલ્વાએ કહ્યું, “રાજ્યપાલો રાજ્ય મંત્રીમંડળની સલાહને અવગણીને સરકારો બનાવવા અને તોડી પાડવામાં રાજકીય ભૂમિકા ભભજવી રહ્યા છે. વાસ્તવિકતા એ છે કે આપણે ઘણા રાજ્યોમાં રાજભવન અને સરકારો વચ્ચે રોજેરોજ સંઘર્ષો જોઈ રહ્યા છીએ. હું માનું છું કે આ યોગ્ય બાબત નથી.”
કેરળ, પુડુચેરી અને દિલ્હીનું ઉદાહરણ આપતા તેમણે સમજાવ્યું કે કેવી રીતે રાજ્યપાલ કથિત રીતે કેન્દ્ર સરકારના પ્રતિનિધિ તરીકે કામ કરી રહ્યા છે અને રાજ્યની નીતિઓને વારંવાર અવરોધી રહ્યા છે.
આલ્વાએ કહ્યું હતું કે તમે જોઈ શકો છો કે કેરળના રાજ્યપાલ રસ્તા પર બેસીને સરકારનો વિરોધ કરી રહ્યા છે. જે પદની ગરિમાને નષ્ટ કરે છે. તમે પશ્ચિમ બંગાળ અથવા પુડુચેરીની ખરાબ હાલત જોઈ જ હશે, જ્યાં રાજ્યપાલે હાઈકોર્ટના આદેશોનું પાલન કરવાનો ઈન્કાર કર્યો અને પ્રશાસનને આદેશો આપવાનું ચાલુ રાખ્યું. દિલ્હીમાં શું થઈ રહ્યું છે? કહેવાનો મતલબ એ છે કે જો રાજ્યપાલ બંધારણીય પ્રણાલીની અવગણના કરે છે, તો આ એ લોકો છે જે કેન્દ્ર અને રાજ્યો વચ્ચે વિવાદ ઉભો કરે છે.’