રાયપુરમાં એક બાળકને સંભાળવા જતા પિતાના હાથમાંથી બીજું બાળક છટકી ગયું અને…

રાયપુરઃ છત્તીસગઢની રાજધાનીમાં એક હૃદયદ્રાવક અકસ્માત નોંધાયો છે, જેની જાણ થયા પછી પોલીસ પ્રશાસનની પગ નીચેથી જમીન ખસી ગઈ હતી. અહીંના એક મોલમાં એસ્કેલેટર પર ચઢતી વખતે પિતાના હાથમાંથી તેનું બાળક પડી ગયા પછી તેનું મોત થયું હતું. આ ઘટનાનું સીસીટીવી ફૂટેજ જોયા પછી સંપૂર્ણ મોલમાં સોંપો પડી ગયો હતો. પિતાના હાથમાં છટકી ગયેલું બાળક ત્રીજા માળેથી નીચે પટકાયું હતું અને પડતાની સાથે જ બાળકનું કરપીણ મૃત્યુ નીપજ્યું હતું. આ સૂચનાની જાણ થયા પછી પોલીસે ઘટનાસ્થળે પહોંચીને તપાસ હાથ ધરી હતી.
આ ઘટના રાયપુરના એક મોલની છે, જ્યાં પરિવાર શોપિંગ કરવા માટે ગયો હતો. પિતા પોતાના બાળકને હાથમાં ઉચકીને મોલના ત્રીજા માળે પહોંચ્યો હતો. લોકો એસ્કેલેટર પર ચઢી રહ્યા હતા, ત્યારે પિતાના હાથમાંથી બાળક છટકી ગયું હતું અને મોલના ત્રીજા માળેથી લગભગ 40 ફૂટની નીચે પટકાયું હતું. બાળકના પિતા બીજા બાળકનો હાથ પકડીને તેને સંભાળી રહ્યા હતા ત્યારે જ તેના હાથમાંથી બીજું બાળક સરકી ગયું હતું. આ બનાવ પછી પરિવાર તાત્કાલિક બાળકને હોસ્પિટલમાં લઈ ગયા હતા, જ્યાં ડોક્ટરોએ તપાસ કર્યા બાદ બાળકને મૃત જાહેર કર્યું હતું.
ઘટના બાદ પીડિત પરિવારમાં શોકની લાગણી છવાઈ ગઈ હતી. ઘટનાની જાણ થતા જ પોલીસે મોલમાં પહોચી તપાસ હાથ ધરી હતી. પોલીસ તપાસમાં બાળકના નીચે પડવાની સમગ્ર ઘટના મોલમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ જવા પામી હતી. મોલમાં હાજર લોકોએ આ દ્રશ્ય જોયું પગ નીચેથી જમીન ખસી ગઈ હતી. આ બનાવમાં પોલીસે અકસ્માતનો કેસ નોંધીને તપાસ હાથ ધરી હતી, એમ પોલીસે જણાવ્યું હતું.