દિલ્હી-NCR માં ધૂળની ડમરીઓ સાથે હળવા ઝાપટાં, વિમાન સેવા પ્રભાવિત | મુંબઈ સમાચાર
નેશનલ

દિલ્હી-NCR માં ધૂળની ડમરીઓ સાથે હળવા ઝાપટાં, વિમાન સેવા પ્રભાવિત

નવી દિલ્હી: દિલ્હી અને NCR માં રવિવારે બપોર બાદ તેજ ધૂળની આંધીએ જનજીવનને ભારે પ્રભાવિત કર્યું હતું. જેના કારણે કેટલાક વિસ્તારોમાં વીજળી ગુલ થઈ ગઈ હતી અને ધૂળના કારણે વિઝિબીલિટીમાં ઘટાડો થયો હતો. જોકે, બાદમાં હળવા ઝાપટાં પડવાથી લોકોને ગરમીથી ઘણી રાહત મળી હતી. તેજ પવનો અને ધૂળની આંધીને કારણે વાહનવ્યવહાર પણ પ્રભાવિત થયો હતો.

શનિવારે સાંજથી જ દિલ્હી-NCR માં હવામાનમાં પલટો જોવા મળ્યો હતો, જેના કારણે કાળઝાળ ગરમીથી લોકોને રાહત મળી હતી. સમગ્ર વિસ્તારમાં કાળા વાદળો છવાઈ ગયા હતા, તેજ પવનો ફૂંકાયા હતા અને ધૂળભરી આંધી આવી હતી, જેનાથી વાતાવરણ ઠંડુ અને ખુશનુમા બન્યું હતું. દિલ્હી-NCR ના વિવિધ વિસ્તારોમાંથી અચાનક બદલાયેલા હવામાનના ઘણા વીડિયો સામે આવ્યા છે, જેમાં તેજ પવન સાથે ધૂળનું ગાઢ તોફાન જોવા મળી રહ્યું છે.

વરસાદના કારણે ફ્લાઇટ્સ પ્રભાવિત

આ પ્રતિકૂળ હવામાનને કારણે ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ (IGI) એરપોર્ટ પર ફ્લાઇટ્સ પણ પ્રભાવિત થઈ હતી. દિલ્હી, નોઇડા, ગુરુગ્રામ અને ફરીદાબાદમાં ધૂળની આંધીના વીડિયો શેર કર્યા હતા. રવિવારે સાંજે 4:45 વાગ્યે પ્રગતિ મેદાનમાં પવનની ગતિ 76 કિલોમીટર પ્રતિ કલાક નોંધાઈ હતી. ભારતીય હવામાન વિભાગ (IMD) એ સાંજે લગભગ 5:30 વાગ્યે જણાવ્યું હતું કે આગામી એક કલાક દરમિયાન દિલ્હીના મોટાભાગના વિસ્તારોમાં મધ્યમ વરસાદ થઈ શકે છે.

દિલ્હીમાં ‘યલો એલર્ટ’

હવામાન વિભાગ દ્વારા આ પ્રકારના હવામાનને લઈને પહેલેથી જ ‘યલો એલર્ટ’ જાહેર કરવામાં આવ્યું હતું. હવામાન વિભાગે દિલ્હી-NCR ના મોટાભાગના વિસ્તારોમાં 50 થી 80 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તેજ પવનો સાથે વરસાદની ચેતવણી આપી હતી. હવામાન વિભાગે 2 અને 3 જૂનના રોજ પણ તેજ આંધી સાથે વરસાદનું ‘યલો એલર્ટ’ જાહેર કર્યું છે.

Back to top button