
અમદાવાદ/નવી દિલ્હીઃ ઠંડીના મોજા વચ્ચે દેશના કેટલાક રાજ્યોમાં હવામાન વિભાગે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે. રાજ્યમાં ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણના દિવસે ઠંડીનો ચમકારો જોવા મળ્યો હતો. હવામાન વિભાગની આગાહી મુજબ, આજે અને આવતીકાલે લઘુત્તમ તાપમાનમાં આંશિક વધારો થશે. જેના પગલે હાલ પડી રહેતા હાડ થીજવતી ઠંડીમાંથી થોડી રાહત મળશે. 6 ડિગ્રી સેલ્સિયસ તાપમાન સાથે અમેરલી રાજ્યનું સૌથી ઠંડું શહેર રહ્યું હતું. આ ઉપરાંત અમદાવાદમાં પણ લઘુત્તમ તાપમાન 11.5 ડિગ્રી સેલ્સિયસ નોંધાતા શહેરીજનોએ ઠંડીનો અનુભવ કર્યો હતો.
કેશોદમાં 7.4 ડિગ્રી, મહુવામાં 9.5 ડિગ્રી, નલિયામાં 9.6 ડિગ્રી, પોરબંદરમાં 8.9 ડિગ્રી, ડીસામાં 9.3 ડિગ્રી, ગાંધીનગરમાં 10.5 ડિગ્રી, ભાવનગરમાં 10.6 ડિગ્રી, સુરેન્દ્રનગરમાં 11 ડિગ્રી, સુરતમાં 13.2 ડિગ્રી, ભુજમાં 12.5 ડિગ્રી, વેરાવળમાં 14.2 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું.
મહારાષ્ટ્રમાં કેવું રહેશે હવામાન
મહારાષ્ટ્રમાં છેલ્લા કેટલાક દિવસોથી તાપમાનમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે. મોટાભાગના વિસ્તારોમાં ઠંડી વધી ગઈ છે અને લોકો પોતાની જાતને ગરમ રાખવા માટે તાપણું કરતા જોવા મળી રહ્યા છે. મરાઠવાડા અને વિદર્ભના જિલ્લાઓમાં તાપમાન 10 ડિગ્રી સેલ્સિયસથી નીચે જવાથી લોકો ઠંડીથી પરેશાન છે. મધ્ય મહારાષ્ટ્રમાં પણ ઠંડીનું મોજું ફરી વળ્યું છે. છેલ્લા ચાર દિવસથી રાજ્યમાં શીતલહેર ચાલી રહી હતી. આ શીતલહેરમાં થોડો ઘટાડો થયો છે, પરંતુ ઠંડી હજુ પણ યથાવત છે.
આ રાજ્યોમાં વરસાદની શક્યતા
હવામાન વિભાગે આજથી કેટલાક રાજ્યોમાં વરસાદની ચેતવણી જારી કરી છે. 16થી 20 જાન્યુઆરી જમ્મુ-કાશ્મીર અને હિમાચલ પ્રદેશમાં મધ્યમથી ભારે વરસાદ અને હિમવર્ષાની શક્યતા છે. ઉત્તરાખંડમાં પણ વરસાદ અને હિમવર્ષા થઈ શકે છે. 18 થી 20 જાન્યુઆરી દરમિયાન પંજાબ, હરિયાણા અને ચંદીગઢમાં છૂટાછવાયા વરસાદની સંભાવના છે, અને 19 અને 20 જાન્યુઆરીએ પશ્ચિમ ઉત્તર પ્રદેશ અને પૂર્વ રાજસ્થાનમાં છૂટાછવાયા વરસાદની સંભાવના છે.
આ પણ વાંચો…ગુજરાતમાં હવામાનનો મિજાજ બદલાશે: હવામાને કરી ઠંડી અને વાદળછાયા વાતાવરણની આગાહી…



