તમે મોઢામાંથી લાલ પિચકારી છોડવાનું બંધ કરો તો દર વર્ષે એક નવી વંદેભારત ટ્રેન મળે

નવી દિલ્હીઃ મોદી સરકારે શું કર્યું, મનમોહન સરકારે શું ન કર્યું આવી જો કોઈ ચર્ચા ચાલે તો કૂદી પડવાવાળાઓની મોટી લાઈન છે, પણ ક્યારેય આપણે એક નાગરિક તરીકે કેવા છીએ, તે વિશે વિચારવાની તસ્દી લીધી છે. દેશને સાફ, સ્વસ્થ અને સુરક્ષિત રાખવાની જવાબદારી રાજા-રજવાડાઓના સમયે પણ સહિયારી હતી, તો આ તો લોકશાહી છે. અહીં જનતા પણ દેશની હાલત માટે એટલી જ જવાબદાર છે.
આટલી બધી હૈયાવરાળ કાઢવાનું કારણ છે એક આંકડો. આ આંકડો નાનોસૂનો નથી પણ છે રૂ. 1200 કરોડ. આ 1,200 કરોડ ભારતીય રેલવે દર વર્ષે ખર્ચે છે, તમારી સુવિધાઓ માટે નહીં, પરંતુ તમે જે પાન-માસલા-ગુટખા ખાઈને પિચકારીઓ છોડો છો તેને સાફ કરવા.
આ પણ વાંચો : 1 ઓક્ટોબરથી રેલવેનો નવો નિયમ: કન્ફર્મ ટિકિટ માટે આધાર લિંક કરાવવું બન્યું ફરજિયાત
માત્ર પૈસા નહીં, પણ આ નુકસાન પણ છે
દર વર્ષે રેલવે હજારો ફેરી દેશના ખૂણે ખૂણે દોડાવી તમને તમારા ડેસ્ટિનેશન પર પહોંચાડે છે. ઘણા કિફાયતી દામમાં રેલવે જાહેર પરિવહનનું શ્રેષ્ઠ અને સૌથી લોકપ્રિય સાધન પૂરું પાડે છે, પરંતુ બદલામા આપણે આપીએ છીએ ગંદકી અને ડાઘ. એક માહિતી પ્રમાણે રેલના ડબ્બા પર, વૉશરૂમમાં પડતા ડાઘને સાફ કરવા માટે રેલવેએ 1,200 કરોડ રૂપિયા તો ખર્ચવા પડે છે, પરંતુ સાથે હજારો લીટર પાણી વેડફાય છે. આ સાથે સફાઈ કામદારો આવા ડાઘ સાફ કરી પોતાના આરોગ્યને જોખમમાં મૂકે છે.
આ પણ વાંચો : દિવાળીએ ટ્રેનમાં ફટાકડા લઈ જવાની ભૂલ ન કરતા નહીં તો સજા ભોગવવા તૈયાર રહેજો, જાણો રેલવેનો નિયમ…
આટલા પૈસામાં એક વંદેભારત બની જાય
એક વંદેભારત ટ્રેનના દસ ડબ્બા તૈયાર કરવા માટે રેલવેએ 1200 કરોડ રૂપિયા જેટલો ખર્ચ કરવો પડે છે. જો નાગરિકો આ રીતે પાનની પિચકારીઓના ડાઘ રેલવેના ડબ્બા પર ન છોડે તો દર વર્ષે એક નવી ટ્રેન મળી જાય તેમ છે. આ રીતે પાનની પિચકારી છોડતા લોકો માટે રેલવેએ રૂ. 500નો દંડ પણ રાખ્યો છે, પરંતુ રેલવેની જગ્યા એટલી મોટી હોય છે કે દરેક માણસ પર નજર રાખવી અઘરી છે.
આ પણ વાંચો : રેલવેના ટિકિટ ચેકરે વૃદ્ધ મહિલા સાથે જે વર્તન કર્યું તે જોઈ તમને શું લાગે છે…
એક તો પાન-મસાલા ખાઈ લોકો પોતાના સ્વાસ્થ્ય સાથે ચેડા કરે છે. આવા લોકો પરિવાર અને આસપાસના લોકોને પણ બીમારીને હવાલે કરે છે. આ સાથે પૈસાનો ખોટો બગાડ થાય છે અને સમગ્ર દેશની સ્વચ્છતા અને સુંદરતાને હાનિ પહોંચાડે છે. હવેથી સરકારને દોષ આપ્યા પહેલા પોતાની જાતને પણ નાગરિક તરીકે મૂલવવાની દરકાર કરજો.