ફેરિયાઓ પાસેથી મહિને ૩૨ લાખ કમાવવાની રેલવેની યોજના, કઈ રીતે થશે અમલ?
મુંબઈઃ મધ્ય રેલવેએ લાંબા અંતરની ટ્રેનોના એસી અને નોન-એસી કોચમાં ફેરીયાઓને નોન-કેટરિંગ આઇટમ્સ અને માલસામાન વેચવાની મંજૂરી આપવાનો નિર્ણય લીધો છે, જેને કારણે તેને દર મહિને ₹ ૩૨ લાખની આવક થવાની સંભાવના છે.
અધિકારીએ જણાવ્યું હતું કે રેલ્વેએ એક કોન્ટ્રાક્ટરની નિમણૂક કરી છે જે ૧૫૦થી વધુ ટ્રેનોમાં ૩૦૦ ફેરીયાઓને નોકરી આપશે. દરેક હોકર દરરોજ ₹ ૫૦૦- ₹ ૭૦૦ વચ્ચે કમાણી કરી શકે છે. મોનિટરિંગ હેતુઓ માટે ફેરિયાઓને નિયમિત કરવામાં આવશે અને ક્યુઆર-કોડેડ ગણવેશ પ્રદાન કરવામાં આવશે, જે તેમના નામ, આધાર અને ફોટોગ્રાફ વગેરે માટે સ્કેન કરી શકાશે. જો કે સેન્ટ્રલ અને હાર્બર લાઇન પર દોડતી ૧,૮૧૦ લોકલ ટ્રેનમાં ૧,૫૦૦ ફેરિયા નીમવાની દરખાસ્ત માટે કોઈ બિડર્સ મળ્યા નથી.
અધિકારીઓએ જણાવ્યું હતું કે કોન્ટ્રેક્ટ આશરે ₹ ૩.૮૦ કરોડનો છે, જે અમને વાર્ષિક પ્રાપ્ત થશે. સલામતીના હેતુઓ માટે, ખાનગી બિડર વિક્રેતાઓના નામ, તેમની આધાર વિગતો, પોલીસનું ચારિત્ર્ય પ્રમાણપત્ર અને માન્યતા પ્રાપ્ત હોસ્પિટલનું તબીબી પ્રમાણપત્ર સબમિટ કરશે.
સામાન્ય રીતે ફેરિયાઓ મોટા ભાગે પ્લેટફોર્મ પરથી ચાલતી ટ્રેનમાં ચઢે છે અને ઉત્પાદનો વેચે છે. એક વાર આ પ્રક્રિયા પૂર્ણ થઈ જાય પછી ફેરિયા ડેટાબેંકનો ભાગ બની જશે અને તેનું મોનિટરિંગ થઈ શકશે, અન્ય અધિકારીએ જણાવ્યું હતું.