નવી દિલ્હીઃ ગયા વર્ષે ઓડિશાના બાલાસોરમાં થયેલી ટ્રેન દુર્ઘટના મામલે સુપ્રીમ કોર્ટે મોટું પગલું ભર્યું છે. હવે કોર્ટ રેલવેમાં સુરક્ષા વ્યવસ્થા સહિત સુરક્ષાના તમામ પગલાંની ચકાસણી કરવાનું નક્કી કર્યું છે. કોર્ટે રેલવેને સવાલ કર્યો છે કે મુસાફરોની સુરક્ષા માટે રેલવેએ શું પગલા લીધા છે અને ભવિષ્યમાં કયા પગલા પ્રસ્તાવિત છે. સુપ્રીમ કોર્ટે અરજદારને અરજીની નકલ બે દિવસમાં એડ્વોકેટ જનરલ (એજી)ને સોંપવા કહ્યું છે અને ઉમેર્યું છે કે સુનાવણીની આગામી તારીખે એજીએ સુપ્રીમ કોર્ટને વર્તમાન સુરક્ષા પગલાં અને રેલવેમાં સુરક્ષા વ્યવસ્થા સહિત પ્રસ્તાવિત પગલાં વિશે માહિતી આપવી જોઈએ.
દરેક પગલાનો સંબંધ નાણા સાથે પણ હોય છે, કારણ કે નાણાકીય બોજ આખરે મુસાફરોને માથે જ પડતો હોય છે, એમ જણાવતા કોર્ટે રેલવેમાં સુરક્ષા પ્રણાલી લાગુ કરવાના નિર્ણયની નાણાકીય અસરો અંગે કોઈ અભ્યાસ કરવામાં આવ્યો છે કે નહીં એવો સવાલ પણ કર્યો હતો.
ભારતીય રેલ્વેમાં લોકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે તાત્કાલિક અસરથી ઓટોમેટિક ટ્રેન પ્રોટેક્શન (ATP) સિસ્ટમ લાગુ કરવા માટે માર્ગદર્શિકા જારી કરવાની માંગ વિશાલ તિવારી નામના વકીલે કરી છે. તેમણે બાલાસોર ટ્રેન દુર્ઘટનાની તપાસ માટે સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશની અધ્યક્ષતામાં નિષ્ણાત પેનલની રચના કરવાની પણ માગ કરી છે. અરજીમાં કહેવામાં આવ્યું છે કે છેલ્લા કેટલાક દાયકાઓથી, ભારતમાં ટ્રેન અથડામણો અને ટ્રેનો પાટા પરથી ખડી પડવાની અનેક ઘટનાઓ જોવા મળી રહી છે, જેના કારણે આપણા દેશના લોકોને મૃત્યુના સ્વરૂપમાં ગંભીર વેદનાનો સામનો કરવો પડી રહ્યો છે.
ગયા વર્ષે જૂનમાં ઓડિશાના બાલાસોરમાં ટ્રેન અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં લગભગ 300 લોકોના મોત થયા હતા જ્યારે 1200 લોકો ઘાયલ થયા હતા, ત્યાર બાદ રેલવેમાં સુરક્ષા વ્યવસ્થાની માગણીએ જોર પકડ્યું છે.
Taboola Feed