સાવધાનઃ રેલવે ટ્રેક પર ઊભા રહીને 24 વર્ષના યુવકને સેલ્ફી લેવાનું મોંઘું પડ્યું…
મુંબઈઃ મધ્ય રેલવેમાં તાજેતરમાં ચોંકાવનારો બનાવ બન્યો હતો. વધતા સોશિયલ મીડિયાના ક્રેઝ વચ્ચે 24 વર્ષના યુવકે જીવ ગુમાવવાની નોબત આવી હતી. રેલવે ટ્રેક પર ઊભા રહીને સેલ્ફી પાડવાના ચક્કરમાં યુવકે જીવ ગુમાવ્યો હતો, જ્યારે રેલવે પોલીસે અકસ્માતનો કેસ નોંધીને તપાસ હાથ ધરી હતી.
આ બનાવ અંગે રેલવે પોલીસે કહ્યું હતું કે મધ્ય રેલવેમાં બદલાપુર અને અંબરનાથ વચ્ચે આ અકસ્માત થયો હતો. બદલાપુર અને અંબરનાથ વચ્ચેના એક ફ્લાયઓવરની નીચે બનાવ બન્યો હતો. અકસ્માતનો કેસ નોંધીને રેલવે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
થાણેના અંબરનાથ તાલુકામાં પોતાના સંબંધીને મળવા આવેલ 24 વર્ષનો યુવક આ અકસ્માતનો ભોગ બન્યો હતો. મૃતકનું નામ સાહિર અલી (24 વર્ષ મૂળ રહેવાસી પશ્ચિમ બંગાળ) તરીકે કરવામાં આવી હતી. રેલવે ટ્રેક પર ગ્રુપ ફોટો લીધા પછી સેલ્ફી લેતી વખતે પોતાના પર વધુ ધ્યાન આપતા જીવલેણ અકસ્માતનો ભોગ બન્યો હતો. જોકે, પૂરપાટ ઝડપે આવતી કોયના એક્સપ્રેસે તેને ટક્કર મારી હતી, જ્યાં તેનું ઘટનાસ્થળે મોત થયું હોવાનું પોલીસે જણાવ્યું હતું.
Also read: જળગાંવમાં રેલવે ટ્રેક પરથી ત્રણ રાઈફલ મળતા રેલવે પ્રશાસનની ઊંઘ હરામ
ઘટનાસ્થળના સાક્ષીઓએ કહ્યું હતું કે સાહિર અલી જ્યારે સેલ્ફી લઈ રહ્યો હતો ત્યારે પૂરપાટ ઝડપે આવતી ટ્રેને ટક્કર મારી હતી. ટ્રેનના ડ્રાઈવરે હોર્ન પણ માર્યો હતો, પરંતુ તેનું ધ્યાન ત્યાં નહીં જતા ટ્રેનની જોરદાર ટક્કર વાગી હતી. ઘટનાસ્થળે જ તેનું મોત થયું હતું. આ અકસ્માત અંગે કલ્યાણ જીઆરપીએ ઘટનાસ્થળે પહોંચીને મૃતદેહને કબજામાં લઈને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. અકસ્માતનો કેસ નોંધીને પોલીસે તપાસ હાથ ધરી હતી. અહીં એ જણાવવાનું કે રેલવે સ્ટેશનના પરિસરમાં ખાસ કરીને રેલવે ટ્રેકની આસપાસ સેલ્ફી લેવા કે રીલ બનાવવાનું ટાળવું જોઈએ, જે પ્રવાસી માટે જોખમી બની શકે છે. આ મુદ્દે વારંવાર પ્રવાસીઓને અપીલ કરવામાં આવ્યા છતાં આંખ આડા કાન કરવામાં આવે છે, જેથી મુશ્કેલીમાં મૂકાય છે, એમ મધ્ય રેલવેના અધિકારીએ જણાવ્યું હતું.