ટ્રેન ટિકિટ ન મળી હોય તો ફટાફટ બુકિંગ કરાવો: રાજકોટ અને વલસાડથી ઉપડતી સ્પેશિયલ ટ્રેનોના ફેરામાં વધારો

રાજકોટ/વલસાડ: પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની સુવિધા અને મુસાફરીની સતત વધતી માંગને ધ્યાનમાં રાખીને બે મહત્વની સ્પેશિયલ ટ્રેનોના ફેરા લંબાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજકોટ અને મહેબૂબનગર વચ્ચે દોડતી સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેનના (Rajkot-Mehboobnagar Special Train) ફેરામાં વધારો કરવામાં આવ્યો છે. ટ્રેન નંબર 09575 (રાજકોટ-મહેબૂબનગર) હવે દર સોમવારે 5 જાન્યુઆરીથી 23 ફેબ્રુઆરી 2026 સુધી દોડશે, જ્યારે ટ્રેન નંબર 09576 (મહેબૂબનગર-રાજકોટ) દર મંગળવારે 6 જાન્યુઆરીથી 24 ફેબ્રુઆરી 2026 સુધી કાર્યરત રહેશે.
પશ્ચિમ રેલવે દ્વારા જારી કરવામાં આવેલી યાદી મુજબ, વલસાડ-હિસાર સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેનના (Valsad-Hisar Special) ફેરા પણ લંબાવવામાં આવ્યા છે. ટ્રેન નંબર 04728 વલસાડ-હિસાર સ્પેશિયલને 29 જાન્યુઆરી 2026 સુધી અને ટ્રેન નંબર 04727 હિસાર-વલસાડ સ્પેશિયલને 28 જાન્યુઆરી 2026 સુધી લંબાવવામાં આવી છે. આ ટ્રેનો સ્પેશિયલ ભાડા સાથે દોડશે, જેનાથી ઉત્તર ભારત અને તેલંગાણા તરફ જનારા મુસાફરોને મોટી રાહત મળશે.
રાજકોટથી જતી અનેક ટ્રેનોના સમય બદલાયા
તે સીવાય રાજકોટથી રેલ્વેની મુસાફરી કરનારા મુસાફરો એ ખાસ નોંધવું રહ્યું કે 1 જાન્યુઆરી, 2026 થી રાજકોટ ડિવિઝન પરથી પસાર થતી અનેક ટ્રેનોના નવા ટાઈમ ટેબલનો અમલ કરી દેવામાં આવ્યો છે. આ ફેરફાર હેઠળ ઓખા, હાપા અને રાજકોટ આવતી-જતી 100 થી વધુ ટ્રેનોના આગમન અને પ્રસ્થાનના સમયમાં 1 મિનિટથી લઈને 27 મિનિટ સુધીનો ફેરફાર કરવામાં આવ્યો છે. ખાસ કરીને લાંબા અંતરની એક્સપ્રેસ ટ્રેનો હવે નિર્ધારિત સમય કરતાં વહેલી અથવા મોડી આવશે, જેથી મુસાફરોએ સ્ટેશને પહોંચતા પહેલા સમયની ચોકસાઈ કરી લેવી અનિવાર્ય છે.
તે સિવાય 16733 રામેશ્વરમ-ઓખા એક્સપ્રેસ 20 મિનિટ વહેલી આવશે, 20819 પૂરી-ઓખા એક્સપ્રેસ તેના જૂના સમયના સ્થાને 15 મિનિટ વહેલી આવશે, 19566 દેહરાદૂન-ઓખા ઉતરાંચલ એક્સપ્રેસ તેના જૂના નિર્ધારિત સમય કરતાં 12 મિનિટ વહેલી આવશે, 22907 મડગાવ-હાપા એક્સપ્રેસ 5 મિનિટ વહેલી આવશે, 20971 દિલ્હી સરાઈ રોહિલ્લા-રાજકોટ એક્સપ્રેસ 5 મિનિટ વહેલી આવશે, 12267 મુંબઈ સેન્ટ્રલ-હાપા દૂરન્તો 5 મિનિટ વહેલી આવશે, 16334 તિરુવનંતપુરમ-વેરાવળ એક્સપ્રેસ 7 મિનિટ વહેલી આવશે, 16338 એર્નાકુલમ-ઓખા એક્સપ્રેસ 7 મિનિટ વહેલી આવશે, 22923 બાંદ્રા ટર્મિનસ-જામનગર હમસફર 6 મિનિટ વહેલી આવશે, 22940 બિલાસપુર-ઓખા એક્સપ્રેસ 12 મિનિટ વહેલી આવશે.
આ પણ વાંચો…મધ્ય રેલવેમાં મોટો ફેરફાર: આજથી વંદે ભારત સહિત અનેક ટ્રેનોના સમય બદલાયા



