ટોપ ન્યૂઝનેશનલ

યાત્રીગણ કૃપયા ધ્યાન દેઃ ટ્રેનના ભાડાંમાં થશે વધારો, ક્યારથી જાણો?

મુંબઈ સહિત અન્ય સબર્બનના પ્રવાસીઓ માટે મોટો સમાચાર

નવી દિલ્હીઃ આગામી મહિનાથી ટ્રેનમાં પ્રવાસ કરનારા પ્રવાસીઓના ખિસ્સા પર ભારણ વધી શકે છે. માન્યામાં આવે એવી વાત નથી, પરંતુ રેલવે બોર્ડે આગામી જુલાઈ મહિનાથી ટ્રેનના ભાડાંમાં સામાન્ય વધારો કરવાનો નિર્ણય લીધો છે. અગાઉ રેલવે બોર્ડે તત્કાલ ટિકિટના બુકિંગના નિયમોમાં પણ ફેરફાર કર્યો હતો.

નોન-એસીમાં એક પૈસા અને એસી ક્લાસમાં બે પૈસાનો વધારો

ભારતીય રેલવેએ પહેલી જુલાઈથી નવું ભાડું વસૂલવાનો નિર્ણય લીધો છે, જેનાથી લાંબા અંતરની મુસાફરી કરનારા પ્રવાસીઓના ખિસ્સા પર ભારમણ વધશે, પરંતુ અમુક કેટેગરીમાં કોઈ વધારો થશે નહીં. રેલવેના નવા ટેરિફ અનુસાર જનરલ મેલ/એક્સપ્રેસ ટ્રેન (નોન એસી)ના ભાડાંમાં પ્રતિકિલોમીટર એક પૈસાનો વધારો કર્યો છે, જ્યારે એસી ક્લાસની ટ્રેનમાં પ્રતિ કિલોમીટર બે પૈસાનો વધારો કર્યો છે, જેનાથી સામાન્ય વધારો થશે, એમ અધિકારીએ દાવો કર્યો હતો.

એસી ક્લાસની ટિકિટના ભાડાંમાં મોટો ફેરફાર

એના સિવાય મેલ/એક્સપ્રેસ ટ્રેન (નોન એસી)માં મુસાફરી કરનારા પ્રવાસીઓને હવે કિલોમીટરદીઠ એક પૈસા વધારે ચૂકવવાના થશે. એ જ રીતે એસી ક્લાસની ટિકિટમાં સૌથી વધુ ફેરફાર કરવામાં આવ્યો છે, જેમાં કિલોમીટરદીઠ બે પૈસાનો વધારો કર્યો છે. મુંબઈ સહિત દેશના અન્ય સબર્બનમાં દોડાવાતી લોકલ ટ્રેનના ભાડાંમાં કોઈ વધારો કર્યો નથી, જેનાથી રોજ મુસાફરી કરનારા કરોડો પ્રવાસીઓ માટે રાહતના સમાચાર મળ્યા છે.

માસિક સિઝનની ટિકિટના ભાડાંમાં કોઈ વધારો નહીં

માસિક સિઝનની ટિકિટના ભાડામાં પણ કોઈ વધારો કરવામાં આવ્યો નથી. મળતા રિપોર્ટ અનુસાર પહેલા રેલવે ટિકિટ બુકિંગના નિયમોમાં ફેરફાર કરવાનો નિર્ણય લીધો હતો. અત્યાર સુધીમાં ટ્રેનની ટિકિટ બુક કરતા હોય તો તમારી મુસાફરીના ચાર કલાક પહેલા જાણ થતી હતી કે ટિકિટ કન્ફર્મ થઈ કે નહીં, પરંતુ હવે રેલવે આ સિસ્ટમ પર પણ કામ કરી રહી છે. રેલવેનું કહેવું છે કે કન્ફર્મ સીટવાળા પ્રવાસીઓનો ચાર્ટ 24 કલાક પહેલા જારી કરવામાં આવશે.

500 કિલોમીટરથી વધુ મુસાફરી પર વસૂલાશે વધુ ભાડું

જનરલ સેકન્ડ ક્લાસમાં 500 કિલોમીટરના મુસાફરીના ભાડાંમાં કોઈ વધારો થશે નહીં, પરંતુ જો તમારી મુસાફરી 500 કિલોમીટરથી વધુની હશે તો કિલોમીટરદીઠ ભાડાંમાં વધારો થશે. પહેલી જુલાઈથી ભાડામાં વધારો થશે. રેલવે અધિકારીએ કહ્યું હતું કે પ્રાથમિક માહિતી અનુસાર મુંબઈથી દિલ્હીનું એસી ક્લાસનું ભાડું 28 રુપિયા, જ્યારે નોન એસીનું 14 રુપિયા ભાડું વધશે. એ જ રીતે દિલ્હીથી પટનાનું એસી ક્લાસનું ભાડું લગભગ 20 રુપિયા જ્યારે નોન એસી ક્લાસમાં દસ રુપિયાનો વધારો થઈ શકે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Kshitij Nayak

વરિષ્ઠ પત્રકાર બિઝનેસ, રાજકીય, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, વિવિધ પૂર્તિ તેમ જ સિટી ડેસ્કના ઈન્ચાર્જ સહિતની જવાબદારીઓ બજાવી ચૂક્યા છે. પત્રકારત્વ ક્ષેત્રે 20 વર્ષનો અનુભવ ધરાવે છે. દરેક વિષયો પર સારી એવી પકડ ધરાવે છે. More »
Back to top button