રાહુલની જીભ ફરી લસરી
જયપુર: વડા પ્રધાન મોદી ખરાબ નસીબ લાવે છે તેવો ઇશારો કરતા રાહુલ ગાંધીએ રાજસ્થાનની એક ચૂંટણી પ્રચાર રેલીમાં કહ્યું કે પીએમ એટલે પનોતી મોદી. રાહુલ ગાંધીએ મંગળવારે ઉદયપુરના વલ્લભનગરમાં અને બાલોતરાના બાયતૂમાં રેલીને સંબોધન કર્યું હતું. રાષ્ટ્રવ્યાપી જાતિ ગણતરી કરવાની માગ સહિત દેશ સામેના વિવિધ પ્રશ્ર્નો રાહુલ ગાંધીએ પોતાના ભાષણમાં ઊઠાવ્યા હતા.
ઑસ્ટ્રેલિયા સામે ભારત ક્રિકેટ વર્લ્ડ કપ ફાઈનલ હાર્યુ હતું તેનો ઉલ્લેખ કરતા રાહુલ ગાંધીએ કહ્યું કે કોઈક વાર મોદી ક્રિકેટ મેચ જોવા જતા હોય છે. તે મેચ ભારત હારી ગયું હતું તે જુદી વાત છે. પીએમ એટલે કે પનોતી મોદી.
ભારત મેચ હાર્યું હતું તે દિવસથી સોશિયલ મીડિયા પર ‘પનોતી’ શબ્દ ટ્રેન્ડ કરી રહ્યો છે. આ મેચમાં મોદીએ હાજરી આપી હતી. મોટા ઉદ્યોગપતિઓની લોન મોદીએ માફ કરી હતી અને તેમને ફાયદો કરાવી આપ્યો હતો તેવો આક્ષેપ રાહુલ ગાંધીએ કર્યો હતો.
વલ્લભનગરની ચૂંટણી રેલીમાં રાહુલ ગાંધીએ જાતિ
ગણતરીનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું કે રાજસ્થાનમાં સત્તા મળે તો કૉંગ્રેસ જાતિની ગણતરી કરાવશે. રાહુલે કહ્યું કે “કોની વસતી કેટલી છે તેની જાણ નહીં હોય તો તેમની ભાગીદારીની વાત કેવી રીતે કરાય? જાતિ ગણતરી દેશનો એક્સરે છે અને તે કરવું જરૂરી છે.
વડા પ્રધાન મોદી અગાઉ કહેતા હતા કે તેઓ ઓબીસીના છે. જે દિવસે મેં જાતિ ગણતરીની માગણી કરી તે દિવસથી દેશમાં એક જ જાતિ છે તે ગરીબીની છે તેવું મોદી કહે છે તેવું રાહુલ ગાંધીએ કહ્યું હતું.