સુપ્રીમ કોર્ટમાં રાહુલ, સોનિયા, પ્રિયંકા ગાંધી અને AAPની અરજીઓ પર કોર્ટે સુનવણી ટાળી…

નવી દિલ્હી : સુપ્રીમ કોર્ટમાં, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી, સોનિયા ગાંધી, પ્રિયંકા ગાંધી વાડ્રા અને આમ આદમી પાર્ટી (AAP) સહિત ઘણા ટ્રસ્ટોની અરજીઓ પર સુનાવણી ટાળતા કહ્યું હતું કે આ મામલો ટ્રાન્સફર ઈન્કમ ટેક્સ વિભાગના અધિકારક્ષેત્રમાં આવે છે. અમે ફક્ત કાયદાકીય જોગવાઈઓ જોઈશું. અમારે રાજનીતિ સાથે કોઈ સંબંધ નથી. જો ક્રોસ ટ્રાન્ઝેક્શન થયું હોય તો સેન્ટ્રલ સર્કલ વેરિફિકેશનની જરૂર પડી શકે છે. હવે આ કેસની આગામી સુનાવણી 9 ઓક્ટોબરે સુપ્રીમ કોર્ટમાં થશે.
સુપ્રીમ કોર્ટે સોનિયા ગાંધી, પ્રિયંકા, રાહુલ ગાંધી, આદમી પાર્ટી અને પાંચ ટ્રસ્ટ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીઓ પર સુનાવણી કરવાની હતી. દિલ્હી હાઈકોર્ટના નિર્ણયને બધાએ સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો અને હાઈકોર્ટના નિર્ણય પર સ્ટે આપવાની માંગણી કરી હતી. હાઈ કોર્ટે ટેક્સ એસેસમેન્ટને સેન્ટ્રલ સર્કલમાં ટ્રાન્સફર કરવાના ઈન્કમ ટેક્સના નિર્ણયને યથાવત રાખ્યો હતો.
26 મેના રોજ રાહુલ ગાંધી, સોનિયા ગાંધી, પ્રિયંકા ગાંધી વાડ્રા અને આમ આદમી પાર્ટીને હાઇ કોર્ટમાંથી રાહત મળી નહોતી. જો કે દિલ્હી હાઈ કોર્ટે આવકવેરા વિભાગના એસેસમેન્ટને કેન્દ્રીય વર્તુળમાં ટ્રાન્સફર કરવાના નિર્ણયને માન્ય રાખ્યો હતો. ફેસલેસ એસેસમેન્ટમાંથી સેન્ટ્રલ સર્કલને કેસ ટ્રાન્સફર કરવાના નિર્ણયને પડકારતી અરજીઓ ફગાવી દેવામાં આવી હતી.
હાકોર્ટે ખાસ કહ્યું હતું કે ફેસલેસ એસેસમેન્ટ દ્વારા આકારણી કરવાનો કોઈ મૂળભૂત અથવા અંતર્ગત કાનૂની અધિકાર નથી. કાયદા મુજબ અને વધુ સારા સંકલન માટે આકારણી ટ્રાન્સફર કરવામાં આવી છે.
નોંધનીય છે કે આવકવેરા વિભાગે પાંચ બિન-લાભકારી સંસ્થાઓ – સંજય ગાંધી મેમોરિયલ ટ્રસ્ટ, રાજીવ ગાંધી ફાઉન્ડેશન, રાજીવ ગાંધી ચેરિટેબલ ટ્રસ્ટ, યંગ ઈન્ડિયન અને જવાહર ભવન ટ્રસ્ટનું આઈટી મૂલ્યાંકન ટ્રાન્સફર કર્યું હતું. જેને દિલ્હી હાઈ કોર્ટમાં પડકારવામાં આવી હતી. પડકાર ફેંકનારાઓમાં રાહુલ ગાંધી, સોનિયા ગાંધી, પ્રિયંકા ગાંધી વાડ્રા, આમ આદમી પાર્ટી અને ચેરિટેબલ ટ્રસ્ટનો સમાવેશ થાય છે. જો કે કોર્ટે ખાસ ટકોર કરી હતી કે અરજદારે પાંચ મહિનાના વિલંબ સાથે રિટ કેમ દાખલ કરી?