નેશનલ

રાહુલ નવીન EDના કાર્યવાહક નિર્દેશક બન્યા, સંજય કુમાર મિશ્રાનો કાર્યકાળ સમાપ્ત

નવી દિલ્હીઃ ભારતીય મહેસૂલ સેવા (IRS) અધિકારી રાહુલ નવીનને શુક્રવારે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ના ડિરેક્ટર-ઇન-ચાર્જ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. તેમની નિમણૂક આઉટગોઇંગ ડિરેક્ટર સંજય કુમાર મિશ્રાનો કાર્યકાળ પૂર્ણ થયા બાદ કરવામાં આવી છે. અધિકારીઓએ આ માહિતી આપી હતી. સરકારી આદેશ અનુસાર, 1993 બેચના IRS અધિકારી નિયમિત ડિરેક્ટરની નિમણૂક ન થાય ત્યાં સુધી અથવા આગળના આદેશો જારી ન થાય ત્યાં સુધી આ જવાબદારી નિભાવશે. નવીન હાલમાં EDના સ્પેશિયલ ડિરેક્ટર છે.

આ વર્ષે 27 જુલાઈના રોજ, સુપ્રીમ કોર્ટે મિશ્રાને 15 સપ્ટેમ્બર સુધી EDના ડિરેક્ટર તરીકે ચાલુ રાખવાની મંજૂરી આપી હતી. મિશ્રાના કાર્યકાળને 15 સપ્ટેમ્બર સુધી લંબાવવાની સાથે સુપ્રીમ કોર્ટે જુલાઈમાં એમ પણ કહ્યું હતું કે તેમનો કાર્યકાળ વધુ લંબાવવામાં આવશે નહીં. સર્વોચ્ચ અદાલતે મિશ્રાના કાર્યકાળને લંબાવતા કહ્યું હતું કે કેન્દ્રની અરજીને માત્ર એટલા માટે ધ્યાનમાં લેવામાં આવી હતી કારણ કે તે “રાષ્ટ્રીય હિત”માં હતી.


સર્વોચ્ચ અદાલતે કેન્દ્ર સરકાર દ્વારા મિશ્રાના કાર્યકાળને સતત એક-એક વર્ષ માટે લંબાવવાની બે સૂચનાઓને ગેરકાયદેસર ગણાવી હતી અને કહ્યું હતું કે આ 2021ના આદેશનું ‘ઉલ્લંઘન’ છે, જે મુજબ IRS અધિકારીને વધારાનો કાર્યકાળ ન આપવો જોઈએ.

મિશ્રાના કાર્યકાળને લંબાવવાના કેન્દ્ર સરકારના નિર્ણયને પડકારતી કોંગ્રેસ નેતાઓ રણદીપ સિંહ સુરજેવાલા અને જયા ઠાકુર, તૃણમૂલ કોંગ્રેસના નેતાઓ મહુઆ મોઇત્રા અને સાકેત ગોખલે સહિતની અરજીઓનો નિકાલ કરતી વખતે સુપ્રીમ કોર્ટે આ નિર્ણય આપ્યો હતો. મિશ્રાની પ્રથમવાર 19 નવેમ્બર 2018ના રોજ બે વર્ષ માટે ED ડાયરેક્ટરના પદ પર નિમણૂક કરવામાં આવી હતી. પાછળથી, 13 નવેમ્બર, 2020 ના રોજ એક આદેશ જારી કરીને, કેન્દ્ર સરકારે પૂર્વદર્શી અસરથી નિમણૂક પત્રમાં સુધારો કર્યો અને તેમનો બે વર્ષનો કાર્યકાળ વધારીને ત્રણ વર્ષ કર્યો હતો.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button