રાહુલ, હેમા, ‘રામ’, શશી સહિત દિગ્ગજોની આજે કસોટી
મહારાષ્ટ્ર સહિત ૧૩ રાજ્યમાંની લોકસભાની ૮૮ બેઠક પર મતદાન
નવી દિલ્હી: લોકસભાની ચૂંટણીના બીજા તબક્કામાં ૧૩ રાજ્યની ૮૮ બેઠક પર શુક્રવાર, ૨૬ એપ્રિલે મતદાન યોજાવાનું છે અને તેમાં કૉંગ્રેસના નેતાઓ – રાહુલ ગાંધી, શશી થરૂર, ફિલ્મ ક્ષેત્રમાંથી આવેલા ભાજપના નેતાઓ હેમા માલિની અને રામાનંદ સાગરની ટીવી સિરિયલ ‘રામાયણ’ના ‘રામ’ (અરુણ ગોવિલ), કેન્દ્રના પ્રધાન રાજીવ ચંદ્રશેખર, ઓમ બિડલાનું રાજકીય ભાવિ નક્કી થશે. આ ૮૮ બેઠક પરથી કુલ ૧,૨૦૨ નેતા ચૂંટણી લડી રહ્યા છે.
૧૩ રાજ્યમાંની આ બેઠકો પર બુધવારે સાંજે પ્રચારના પડઘમ શમી ગયા હતા. પ્રારંભમાં ૮૯ બેઠક પરથી ચૂંટણી યોજાવાની હતી, પરંતુ મધ્ય પ્રદેશની બેતુલ બેઠક પરના બહુજન સમાજ પક્ષ (બસપ)ના ઉમેદવારનું નિધન થતાં ત્યાં ચૂંટણી મુલતવી રખાઇ હતી.
સાત તબક્કામાં યોજાનારી લોકસભાની ચૂંટણીના પ્રથમ તબક્કામાં શુક્રવારે ૨૧ રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશની ૧૦૨ બેઠક પર
સરેરાશ અંદાજે ૬૫.૫ ટકા જેટલું મતદાન નોંધાયું હતું.
૨૬ એપ્રિલે યોજાનારી બીજા તબક્કાની ચૂંટણીમાં કેરળ (૨૦), કર્ણાટકની ૨૮માંથી ૧૪, રાજસ્થાનની ૧૩, મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશ પ્રત્યેકની આઠ, મધ્ય પ્રદેશની સાત, આસામ અને બિહાર પ્રત્યેકની પાંચ, છત્તીસગઢ અને પ. બંગાળ પ્રત્યેકની ત્રણ તેમ જ મણિપુર, ત્રિપુરા અને જમ્મુ-કાશ્મીર પ્રત્યેકની એક બેઠક પર મતદાન થશે.
મુખ્ય ઉમેદવારોમાં કેન્દ્રીય પ્રધાન રાજીવ ચંદ્રશેખર (તિરુવનંતપુરમ), ભાજપના તેજસ્વી સૂર્યા (કર્ણાટક), હેમા માલિની અને અરુણ ગોવિલ (ઉત્તર પ્રદેશ), કૉંગ્રેસના નેતા રાહુલ ગાંધી (વાયનાડ) અને શશી થરૂર (તિરુવનંતપુરમ), કર્ણાટકના નાયબ મુખ્ય પ્રધાન ડી. કે. શિવકુમારના ભાઈ ડી. કે. સુરેશ (કૉંગ્રેસ), કર્ણાટકના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન એચ. ડી. કુમારસ્વામી (જેડીએસ)નો સમાવેશ થાય છે.
કેરળના વાયનાડની બેઠક પર રાહુલ ગાંધીની સામે ભાજપના કે. સુરેન્દ્રન અને સામ્યવાદી પક્ષના એની રાજા ચૂંટણીમાં ઊભા છે. કેન્દ્રના પ્રધાન રાજીવ ચંદ્રશેખરનો તિરુવનંતપુરમ બેઠક પર મુકાબલો કૉંગ્રેસના શશી થરૂરની સાથે થશે.
જમ્મુની લોકસભાની બેઠક પર ભાજપના જુગલ કિશોર અને કૉંગ્રેસના રમણ ભલ્લા ચૂંટણી લડી રહ્યા છે. કોટામાંથી બે વખત સાંસદ બનેલા ઓમ બિડલાની સામે કૉંગ્રેસના પ્રહ્લાદ ગુંજલ ઊભા છે. જોધપુરમાં કેન્દ્રના પ્રધાન શેખાવતથી ચૂંટણી લડી રહ્યા છે.
લોકસભાની ચૂંટણી માટે મુંબઈની છ બેઠકો દક્ષિણ મુંબઈ, દક્ષિણ-મધ્ય મુંબઈ, ઉત્તર-મધ્ય મુંબઈ, ઉત્તર-પૂર્વ મુંબઈ, ઉત્તર-પશ્ર્ચિમ મુંબઈ અને ઉત્તર મુંબઈ ઉપરાંત થાણે, કલ્યાણ, ભીવંડી, પાલઘર, નાશિક, દિંડોરી, ધુળે મતદારસંઘનું જાહેરનામું શુક્રવારે (૨૬મી એપ્રિલે) બહાર પાડવામાં આવશે અને તેની સાથે ચૂંટણી પ્રક્રિયા શરૂ થવાની છે. શુક્રવારે પાંચમા તબક્કા માટે ઉમેદવારીપત્રકો ભરવાનું શુક્રવારથી ચાલુ થશે. પાંચમા તબક્કામાં મુંબઈ અને આસપાસની ૧૩ બેઠક પર મતદાન થવાનું છે.
ઉમેદવારીપત્રકો ભરવાનું ચાલુ થતાં જ મુંબઈ શહેર અને આસપાસના વિસ્તારોમાં પ્રચાર કાર્યમાં ગતિ આવશે અને ચૂંટણીનો રંગ જોવા મળશે. ત્રીજી મેના રોજ ઉમેદવારીપત્રકો ભરવાનો છેલ્લો દિવસ છે.
ચોથી મેના રોજ ઉમેદવારી પત્રકોની ચકાસણી કરવામાં આવશે અને ઉમેદવારી પાછી ખેંચવા માટે છઠ્ઠી મે સુધીનો સમય આપવામાં આવ્યો છે. ૨૦ મેના રોજ આ ૧૩ બેઠકો પર મતદાન થવાનું છે.
મહારાષ્ટ્રમાં મુખ્ય પ્રધાન એકનાથ શિંદે, ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે, નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ, એનસીપી વડા શરદ પવારની અનેક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. દેશની આર્થિક રાજધાનીમાં કેન્દ્રના અનેક નેતા અને વિપક્ષના નેતાઓ પણ ચૂંટણી પ્રચારમાં સક્રિયા ભાગ લેવાના છે.
ચોથા તબક્કાનું મતદાન ૧૩ મેના રોજ રાજ્યના ૧૧ મતદારસંઘમાં થવાની છે, જેમાં પુણે-બીડ સહિતની મહત્ત્વની બેઠકોનો સમાવેશ થાય છે. આ બેઠકો માટે ઉમેદવારી પત્રકો ભરવાનું ૧૮ તારીખથી શરૂ થઈ ગયું છે અને ગુરુવાર ઉમેદવારી નોંધાવવાનો છેલ્લો દિવસ છે. ગુરુવારે આ બેઠકોનાં ઉમેદવારીપત્રકોની ચકાસણી થશે અને ૨૯ તારીખ સુધીમાં ઉમેદવારી પાછી ખેંચી શકાશે. ૧૩ મેના રોજ મતદાન થશે. ૧૩ તારીખે જ્યાં મતદાન છે તે મતદારસંઘોમાં પુણે, માવળ, શિરુર, અહમદનગર, શિરડી, બીડ, ઔરંગાબાદ, જાલના, રાવેર, જળગાંવ અને નંદુરબારનો સમાવેશ થાય છે.
દેશમાં બીજા તબક્કામાં કુલ ૧૩ રાજ્યોની ૮૯ લોકસભા બેઠકો પર ૨૬ એપ્રિલે મતદાન થવાનું છે. આ બેઠકો પરના પ્રચારના પડઘમ શાંત થઈ ગયા છે.
રાજસ્થાનના બાંસવાડામાં પ્રચાર દરમિયાન એક ચૂંટણીસભાને સંબોધન કરતા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે વિવાદ ઊભો કર્યો હતો.
કૉંગ્રેસના ચૂંટણીઢંઢેરા પર શાબ્દિક પ્રહાર કરતા મોદીએ આક્ષેપ કર્યો હતો કે વિપક્ષ લોકોએ સખત પરિશ્રમથી એકઠાં કરેલા રૂપિયા અને સંપત્તિ ઘૂસણખોરો અને વધુ બાળકો ધરાવતા લોકોને આપી દેવાની યોજના બનાવી રહ્યો છે. વર્ષ ૨૦૦૬માં તત્કાલિન વડા પ્રધાન મનમોહનસિંહે એક ભાષણ દરમિયાન કરેલા એ નિવેદનનો ઉલ્લેખ મોદીએ કર્યો હતો જેમાં મનમોહનસિંહે જણાવ્યું હતું કે દેશના સંસાધનો પર મુસ્લિમોનો પ્રથમ અધિકાર છે.
આ અંગે પ્રતિક્રિયા આપતા કૉંગ્રેસે કહ્યું હતું કે લોકસભાની પ્રથમ તબક્કાની ચૂંટણીમાં નિરાશ થયેલા વડા પ્રધાન વાસ્તવિક મુદ્દાઓ પરથી લોકોનું ધ્યાન અન્યત્ર વાળવા ધિક્કાર ભાષણ મારફતે જુઠ્ઠાણું ફેલાવી રહ્યા છે.
ચોક્કસ ધાર્મિક સમુદાયને નિશાન બનાવી કરેલા ભાગલાવાદી નિવેદનને મામલે મોદી વિરુદ્ધ કાર્યવાહી કરવાની કૉંગ્રેસે ચૂંટણી પંચને વિનંતી કરી હતી.
સત્તા પર આવશે તો કૉંગ્રેસ મિલકતનું નવેસરથી વિતરણ કરશે એવો આક્ષેપ મોદીએ બીજે દિવસે કર્યો હતો. જોકે મોદીએ એમ કહેવાનું ટાળ્યું હતું કે કૉંગ્રેસ આ મિલકતોનું મુસ્લિમોમાં વિતરણ કરશે.
મુુસ્લિમોની વધુ વસતિ ધરાવતા ઉત્તર પ્રદેશના અલીગઢ મતદાર ક્ષેત્રમાં એક રેલીને સંબોધન કરતા મોદીએ કહ્યું હતું કે હું જનતાને કૉંગ્રેસ અને વિપક્ષ ઈન્ડિયા બ્લૉકના ઈરાદાઓ અંગે માહિતગાર કરવા માગું છું. (એજન્સી)