રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા ગુજરાતમાં પ્રવેશી છે, આ ન્યાય યાત્રાને આદિવાસી સમુદાય દ્વારા જબરદસ્ત પ્રતિસાદ મળ્યો છે. લોકસભાની ચૂંટણી પહેલા યોજાયેલી રાહુલની ન્યાય યાત્રા પર તમામ પક્ષોની નજર છે. રાજ્યમાં કોંગ્રેસ ઉપરાંત આપના નેતાઓ પણ યાત્રામાં જોડાયા હતા. ભારત જોડો ન્યાયયાત્રાને લઈ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીમાં જબરદસ્ત ઉત્સાહ જોવા મળી રહ્યો છે. પ્રદેશ કોંગ્રેસના નેતાઓએ ઝાલોદ ખાતે રાહુલ ગાંધીનું સ્વાગત કર્યું હતું. આ ઉપરાંત કોંગ્રેસે આમ આદમી પાર્ટીને પણ આમંત્રણ આપ્યું હતું. જેથી આમ આદમી પાર્ટી તરફથી ઈશુદાન ગઢવી અને ગોપાલ ઈટાલીયા હાજર રહ્યા હતા. ગુજરાતમાં ભારત જોડો ન્યાય યાત્રા દ્વારા રાહુલ ગાંધીની નજર આદિવાસી વોટબેંક પર છે. આ ન્યાય યાત્રાથી લોકસભાની 14 ટ્રાઈબલ સીટ કોંગ્રેસ જીતી શકશે તે અંગે રાજકીય વર્તુળોમાં ચર્ચા થઈ રહી છે.
રાહુલ ગાંધીની યાત્રા 4 દિવસમાં 7 જિલ્લામાં ફરશે
રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા 4 દિવસમાં ગુજરાતના 7 જિલ્લાઓમાંથી તેઓ 400 કિલોમીટરથી વધુ પ્રવાસ કરશે. રાહુલ ગાંધી કંબોઈ ધામ,પાવાગઢ તળેટી મંદિરમાં રાહુલ દર્શન કરશે. આ ઉપરાંત હરસિદ્ધિ માતાજી અને રાજપીપળાના ગણેશ મંદિરમાં દર્શન કરશે. રાહુલ ગાંધી ગુજરાતમાં 6 પબ્લીક મિટીંગ, 27 કોર્નર મિટીંગ કરશે. 70થી વધુ સ્થળો પર રાહુલ ગાંધીનું સ્વાગત કરાશે.
આદિવાસી વોટબેંક પર નજર
રાહુલ ગાંધીની ન્યાય યાત્રા મુખ્યત્વે આદિવાસી પટ્ટામાંથી પસાર થશે. આદિવાસીઓ પહેલાથી જ કોંગ્રેસની વફાદાર મતદારો રહ્યા છે. ન્યાય યાત્રા દ્વારા કોંગ્રેસ પાર્ટીનો હેતુ આદિવાસી મતબેંક ટકાવી રાખવાનો છે. આદિવાસી કોંગ્રેસની પરંપરાગત વોટબેંક છે, ત્યારે આ વોટબેંક જાળવવા માટે આદિવાસી પ્રભુત્વ ધરાવતા ભાગોને કેન્દ્રમાં રાખવામાં આવ્યા છે. રાહુલ ગાંધીની આ યાત્રા 4 દિવસમાં દાહોદ, પંચમહાલ, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત અને તાપી સહિત આદિવાસી બહુમતીવાળા વિસ્તારોમાંથી પસાર થશે. ગુજરાતની 26માંથી 14 બેઠકને કવર કરશે. ન્યાયયાત્રા દરમિયાન રાહુલ ગાંધી આદિવાસી પરિવારો અને શ્રમિકો સાથે સંવાદ કરશે.
ભરુચના નેત્રંગમાં ચૈતર વસાવા યાત્રામાં જોડાશે
રાહુલ ગાંધીની ન્યાયયાત્રા ત્રીજા દિવસે એટલે કે 9મી માર્ચે ભરુચના નેત્રંગમાં પહોંચશે અહીં રાહુલ ગાંધી અનેક લોકો સાથે સીધો સંવાદ કરશે આ સાથે ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવાર અંગે પણ તેઓ પ્રચાર કરશે, ત્યારે આ ન્યાયયાત્રામાં ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ચૈતર વસાવા પણ જોડાશે તવું જાણવા મળી રહ્યું છે. ભરુચમાં આદિવાસી નેતા ચૈતર વસાવાની લોકપ્રિયતા હોવાથી આ યાત્રામા ચૈતર વસાવાનો સાથ રાહુલ ગાંધીને ફળી શકે છે.