‘રાહુલ ગાંધીનું નિવેદન અયોગ્ય હતું’: દિલ્હી હાઇ કોર્ટે ચૂંટણી પંચને 8 અઠવાડિયાનો સમય આપ્યો
નવી દિલ્હી: દિલ્હી હાઈ કોર્ટે કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીના 22 નવેમ્બરના ભાષણ વિશે વાંધો વ્યક્ત કર્યો છે. રાહુલ ગાંધીએ પીએમ મોદી વિશે વાંધાજનક ટિપ્પણી કરી હતી. આ મામલે દિલ્હી હાઈ કોર્ટે ચૂંટણી પંચને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને મોકલેલી નોટિસ પર 8 અઠવાડિયામાં નિર્ણય લઇ લેવા કહ્યું છે.
રાહુલ ગાંધીએ આ વર્ષે નવેમ્બરમાં વિધાનસભા ચૂંટણી દરમિયાન એક રેલીમાં પીએમ નરેન્દ્ર મોદી અને ગૃહ પ્રધાન અમિત શાહ માટે ‘ખિસ્સાકાતરું’ શબ્દનો ઉપયોગ કર્યો હતો. હાઈ કોર્ટે કહ્યું હતું કે રાહુલ ગાંધીનું આ નિવેદન યોગ્ય નથી.
આ મામલે ચૂંટણી પંચે રાહુલ ગાંધીને કારણદર્શક નોટિસ પણ પાઠવી હતી. પંચે રાહુલને આ મામલે જવાબ આપવા કહ્યું હતું. ચૂંટણી પંચે પૂછ્યું હતું કે આદર્શ આચાર સંહિતાનું ઉલ્લંઘન કરવા બદલ તેમની સામે કાર્યવાહી કેમ ન કરવી જોઈએ, નોટિસ ફટકાર્યાના એક દિવસ પહેલા ભાજપે રાહુલ ગાંધી વિરુદ્ધ ચૂંટણી પંચમાં ફરિયાદ કરી હતી.
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ એક રેલીને સંબોધિત કરતા કહ્યું હતું કે, “ખિસ્સાકાતરુઓ એકલા નથી આવતા, તે ત્રણ લોકો સાથે આવે છે. એક સામેથી આવે છે, જે ધ્યાન હટાવે છે. બીજો પાછળથી આવે છે, તે કટ ઓફ કરે છે, ધ્યાન હટાવનાર નરેન્દ્ર મોદી છે, જે લાકડીઓ મારે છે તે અમિત શાહ છે.” તેવું રાહુલે કહ્યું હતું.