રાહુલ ગાંધીનું નિવેદન હિન્દુઓનું અપમાન : અમિત શાહ

નવી દિલ્હી: લોકસભામાં વિપક્ષ નેતા રાહુલ ગાંધીના નિવેદનને લઈને ભારે હોબાળો મચ્યો છે. તેમણે તેમના આજના ભાષણમાં ભાજપ પર હિંસા ફેલાવવાનો આરોપ લગાવ્યો હતો. આ નિવેદન પર સત્તા પક્ષે વીરોધ વ્યક્ત કર્યો હતો. તેમના નિવેદન પર અમિત શાહે કહ્યું હતું કે રાહુલ ગાંધીએ તેમના નિવેદન પર માફી માંગવી જોઈએ કારણ કે તેમણે હિન્દુઓનું અપમાન કર્યું છે. આ દરમિયાન માઇક બંધ કરી દેવાનો પણ મુદ્દો ઉઠ્યો છે.
મોદી સરકારના ત્રીજા કાર્યકાળના પ્રથમ સંસદ સત્રનો આજે છઠ્ઠો દિવસ છે. સંસદમાં વિપક્ષ ફરી એકવાર હોબાળો મચાવ્યો હતો. વિપક્ષ નેતા રાહુલ ગાંધી એ લોકસભામાં ભાજપ પર વાકબાણ ચલાવ્યા હતા. તેમણે કહ્યું હતું કે જે લોકો પોતાને હિન્દુ કહે છે તેઓ માત્ર હિંસા, નફરત અને અસત્યની વાતો કરે છે. રાહુલ ગાંધીના આ નિવેદન બાદ સતા પક્ષે ભારે વીરોધ કર્યો હતો.
આ પણ વાંચો : રાહુલના નિવેદન પર સ્પીકરે કહ્યું “અગ્નિવીરને મળે છે એક કરોડનું વળતર, સંસદને ભ્રમિત ન કરો’
રાહુલ ગાંધીએ સંસદમાં કહ્યું કે, અમારા તમામ મહાપુરુષોએ અહિંસા અને ભય ખતમ કરવાની વાત કરી છે. પરંતુ, જેઓ પોતાને હિંદુ કહે છે તે હિંસા, દ્વેષ, અસત્યની જ વાત કરે છે, તમે હિંદુ નથી.
રાહુલ ગાંધીએ કર્યું હિન્દુઓનું અપમાન : અમિત શાહ
આ દરમિયાન જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાહુલ ગાંધીના ભાષણને અધવચ્ચે જ રોકીને કહ્યું હતું કે આખા હિન્દુ સમુદાયને હિંસક કહેવો ખૂબ જ ગંભીર બાબત છે. જેને લઈને વિપક્ષ અને NDA સાંસદો વચ્ચે થયેલા શાબ્દિક યુધ્ધ બાદ કેન્દ્રીય મંત્રી અમિત શાહે રાહુલ ગાંધી પાસે માફી માંગવાની માંગ કરી હતી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે રાહુલ ગાંધીએ હિન્દુઓનું અપમાન કર્યું છે.