ભારત જોડો ન્યાયયાત્રા: રાહુલ ગાંધીની નેત્રંગમાં જનસભા, કહ્યું “વિકાસ માત્ર અદાણી-અંબાણીનો થયો”
રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાયયાત્રા ગુજરાતમાં પ્રવેશી ચૂકી છે અને આજે એનો ત્રીજો દિવસ છે. આજે 9 માર્ચના રોજ યાત્રાનો પ્રારંભ છોટા ઉદેપુરના બોડેલીથી થયો હતો. રાહુલ ગાંધીએ સવારે ગુજરાતના ધારાસભ્યો સાથે મિટિંગ કરી હતી, ત્યાર બાદ બોડેલીથી ન્યાયયાત્રા નીકળી નસવાડી પહોંચી હતી. જ્યાં આદિવાસી મહિલાઓ પરંપરાગત નૃત્ય કરી રાહુલ ગાંધીનું સ્વાગત કર્યું હતું. જે બાદ ન્યાયયાત્રા રાજપીપળાના ગરૂડેશ્વર પહોંચી હતી. રાજપીપળાના માર્ગો પર ન્યાયયાત્રા ફર્યા બાદ ભરૂચ જિલ્લાના નેત્રંગમાં રાહુલ ગાંધીએ જનસભા સંબોધી હતી.
નેત્રંગમાં મોદી સરકાર પર આકરા પ્રહાર
રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાયયાત્રા નેત્રંગમાં પહોંચી હતી અને તે દરમિયાન તેમણે લોકોને સંબોધ્યા હતા, રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે, ભાજપવાળા તમને કહેશે સારો વિકાસ થઇ રહ્યો છે, પણ વિકાસ અદાણી-અંબાણીનો થઇ રહ્યો છે, તમારો નહીં. આદિવાસીઓ હિન્દુસ્તાનની જમીનના પહેલા માલિક છે. ભાજપ તમને આદિવાસી નથી કહેતા તે તમને વનવાસી કહે છે કારણ કે તે તમને તમારા અધિકાર આપવા માંગતા નથી. અદાણીના દેવા માફ થઇ જાય છે પણ તમને તમારો હક નથી મળતો, ભાજપ ખેડૂતોના અને આદિવાસીઓના દેવા માફ કરતી નથી. કોંગ્રેસ તમને તમારા જળ-જમીનના તમામ હક્ક આપશે. રાહુલ ગાંધીએ વધુમાં જણાવ્યું કે, ભાજપ તમારા જ ખીસ્સામાંથી ચોરી કરી રહી છે અને અમુક લોકો એને વિકાસ કહે છે. આઝાદીના 70 વર્ષમાં ભાજપે આદિવાસીઓનો વિકાસ નથી કર્યો, આદિવાસી અને દલિતોને ભાજપ અંધારામાં રાખે છે.
રાહુલે હરસિધ્ધિ માતાના કર્યા દર્શન
રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા રાજપીપળા ખાતેથી વાડિયા પેલેસ, કાળીયાભૂત, ગાંધી ચોક, સંતોષ ચોકડી, સફેદ ટાવર, આંબેડકર પ્રતિમા, કાલાઘોડા તરફના મુખ્ય માર્ગો ઉપરથી પસાર થઈ હતી. રાહુલ ગાંધીએ રાજપીપળાના પ્રસિદ્ધ હરસિધ્ધિ માતાના મંદિરમાં જઇ દર્શન કર્યા હતા. 423 વર્ષ જુના પૌરાણિક હરસિધ્ધિ માતાના મંદિરમાં રાહુલ ગાંધીએ ખાસ પૂજા અર્ચના કરીને આશીર્વાદ મેળવ્યા હતા. રાજપીપળામાં રાહુલ ગાંધીએ ગાંધીચોકથી આંબેડકરચોક સુધી 2 કિમી ચાલીને પદયાત્રા કરી હતી. રાહુલ ગાંધીને નિહાળવા અને રાહુલ ગાંધીને સ્વાગત કરવા હજારોની સંખ્યામાં જનમેદની ઉમટી પડી હતી.