સેનેટરી પેડ્સ પર રાહુલ ગાંધીના ફોટાનો વીડિયો ફેકઃ કૉંગ્રેસે કરી ટકોર | મુંબઈ સમાચાર

સેનેટરી પેડ્સ પર રાહુલ ગાંધીના ફોટાનો વીડિયો ફેકઃ કૉંગ્રેસે કરી ટકોર

પટનાઃ બિહારની ચૂંટણીનો માહોલ જામતો જાય છે, તેમ તેમ વિવાદો પણ બહાર આવતા જાય છે. તાજેતરમાં કૉંગ્રેસે રાજ્યની પાંચ લાખ મહિલાઓને સેનેટરી પેડ્સ આપવાની જાહેરાત કરી છે. આ પેડ્સનો એક વીડિયો વાયરલ થયો હતો જેમાં પેડના પિંક પેકેટ પર અને અંદરની લેયરમાં પણ રાહુલ ગાંધીનો ફોટો હોવાનું દેખાયું હતું. આ વીડિયો વાયરલ થતાં રાહુલ ગાંધી ઘણા ટ્રોલ થયા હતા, પરંતુ કૉંગ્રેસે આ વીડિયોને ફેક કહ્યો છે અને તેને સરક્યુલેટર કરવા બદલ પાર્ટી કાનૂની કાર્યવાહી કરશે, તેવી ચેતવણી પણ આપી છે.

કૉંગ્રેસના પ્રવક્તા સુપ્રિયા શ્રીનેતે ભાજપ અને તેના સમર્થકોને આ પ્રકારના ફેબ્રિકેટેડ વીડિયો વાયરલ કરવા માટે જવાબદાર ઠેરવ્યા છે. તેમણે કહ્યું કે માસિક ધર્મ જેવી આરોગ્યલક્ષી બાબત પર ભાજપ અને તેમના સમર્થકો આટલી હદે હલકી કક્ષાનું વર્તન કરે, તે ખૂબ જ અકળાવનારી વાત છે. સેનેટરી પેડ્સ મહિલાના માસિક ધર્મ સમયે કામમાં આવતી ઘણી મહત્વની પ્રોડક્ટ છે.

શ્રીનેતે કહ્યું કે આજે પણ દેશમાં દર ચારમાંથી એક મહિના પાસે માસિક ધર્મ સમયે સ્વચ્છતા રાખી શકાય તેવી પ્રોડક્ટ્સ ઉપલબ્ધ નથી. જેથી ઘણી બીમારીઓનો ભોગ મહિલાઓ બની રહી છે. શ્રીનેતે એમ પણ જણાવ્યું હતું કે અગાઉ ભાજપે સેનેટરી પેડ્સનું વિતરણ કર્યું હતું ત્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો ફોટો પેકેટ પર હતો. એક તો આ વીડિયો ખોટો છે, પણ જો સાચો પણ હોય તો મોદીના ફોટોથી વાંધો ન હોય તો રાહુલના ફોટોથી કેમ છે તેવો સવાલ પણ તેમણે કર્યો છે. તેમણે આક્ષેપ કર્યો હતો કે અંધ થઈને નફરત ફેલાવવાના આ કારસામાં તેમણે માત્ર રાજકીય નેતાને જે નિશાન નથી બનાવ્યા, પરંતુ કરોડો મહિલાઓને લાગુ પડતા અતિ સંવેદનશીલ મુદ્દાને પણ અપમાનજનક રીતે રજૂ કર્યો છે.

મળતી માહિતી અનુસાર શ્રીનેતના આ વીડિયો બાદ ઘણા એકાઉન્ટ્સમાંથી રાહુલ ગાંધીનો વીડિયો ડિલિટ કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો…ટ્રમ્પની ટેરિફની ડેડલાઇન પર રાહુલ ગાંધીનો કટાક્ષ, કહ્યું પીએમ મોદી ઝૂકી જશે

Pooja Shah

જેમણે મહારાષ્ટ્ર અને ગુજરાતના રાજકીય અને વહીવટી તંત્ર સહિત ઘણા વિષયોનું રિપોર્ટિંગ કર્યું છે, ફિલ્મજગત, સાહિત્યજગત અને રાજકારણીઓના ઈન્ટરવ્યુ કર્યા છે. વિવિધ વિષયો પર લેખ લખ્યા છે. એક દાયકા કરતા વધારે સમયનો પત્રકારત્વનો અનુભવ ધરાવે છે.
Back to top button