કૉંગ્રેસ અધ્યક્ષે ફરી ભૂલ કરી નાખી, રાહુલ ગાંધીના શરીરના ટૂકડા કરી નાખ્યા
નવી દિલ્હીઃ ભાષણ દેતા સમયે રાજનેતાઓ ક્યારેક વિવેકભાન ભૂલી જાય છે તો ક્યારેક ઈતિહાસ ફેરવી નાખે તો અમુક સમયે બોલવામાં થયેલી એક નાનકડી ભૂલ અર્થનો અર્થન કરી નાખે. આવું જ કંઈક ગઈકાલે ઈન્ડિયા બ્લોકની મહારેલીમાં થયું, જેમાં કૉંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખરગેએ ભૂતપૂર્વ વડા પ્રધાન સ્વ. રાજીવ ગાંધીની જગ્યાએ રાહુલ ગાંધીનું નામ લઈ લીધું. ભાજપના આઈટી સેલેએ આ પકડી પાડ્યું અને તેનો વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે.
રેલીમાં મલ્લિકાર્જૂન ખરગેએ કહ્યું હતું કે દેશને આઝાદ કરવા અને અખંડ રાખવા માટે વડાં પ્રધાન ઈન્દિરા ગાંધીએ શરીર પર 32 ગોળી ખાધી અને રાહુલ ગાંધીએ જીવ ગુમાવ્યો, તેમના ટૂકડે ટૂકડા થઈ ગયા. અહીં મલ્લિકાર્જૂન ખરગેથી થયેલી એક નાનકડી ભૂલે ભાજપને મોકો આપી દીધો અને ભાજપના અમિત માલવિયાએ ટ્વીટ કરી લખ્યું છે કે જ્યાં સુધી ખરગેજી રાહુલનો હિસાબ નહીં કરી નાખે ત્યાં સુધી ચેનથી બેસી શકશે નહીં. તેમણે એમ પણ લખ્યું છે કે રેલીમાં 5000 લોકો પણ ન હતા.
આ પહેલીવાર નથી કે ખરગેએ આવી ભૂલ કરી હોય. અગાઉ વિધાનસભાની ચૂંટણીના પ્રચાર સમયે પણ રાહુલ જેવા નેતાઓએ દેશ માટે જીવ આપી દીધો, તેવું નિવેદન કર્યું હતું, પરંતુ ભૂલ સમજાતા સુધારી લીધી હતી.
જોકે ભાજપને હાલમાં ખરગેના ભાષણમાં થયેલી ભૂલ કરતા ગુજરાતમાં રાજકોટની બેઠકના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાએ ભાષણમાં કરેલી ભૂલોની વધારે ચિંતા થતી હશે. પહેલા ક્ષત્રિય સમાજ અને પછી વાલ્મિકી સમાજને નારાજ કરી રૂપાલાએ ભાજપ માટે કપરી સ્થિતિ ઊભી કરી છે.