રાહુલ ગાંધીનો ‘મેક ઇન ઇન્ડિયા’ પર પ્રહાર: “નામ બદલીને ‘એસેમ્બલ ઇન્ડિયા’ કરો, કારણ કે 80% પાર્ટ્સ…..

નવી દિલ્હી: લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર થોડા થોડા સમય પર કોઈને કોઈ વિડિયો પોસ્ટ કરતા રહે છે. જેમાં તેઓ જુદા જુદા બીઝનેસ યુનિટની મુલાકાત કરતા હોય છે અને ત્યાં કરેલી વાતચીતને પોસ્ટ કરતા હોય છે. આજે રાહુલ ગાંધીએ એક વિડિયો પોસ્ટ કર્યો છે અને જેમાં તેમણે મેક ઇન ઇન્ડિયા યોજનાને નિશાન બનાવી હતી. તેમણે કહ્યું કે આ યોજનાનું નામ બદલીને અસેમ્બ્લ ઇન્ડિયા કરી દેવું જોઈએ.
મેક ઇન ઇન્ડિયા પર સવાલો ઉઠાવ્યા
કોંગ્રેસ નેતા અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ ‘મેક ઇન ઇન્ડિયા’ યોજના પર સવાલો ઉઠાવ્યા છે. તેમણે એક વિડિયો પોસ્ટ કરીને દાવો કર્યો હતો કે દેશમાં ‘મેક ઇન ઇન્ડિયા’ના નામે માત્ર એસેમ્બલિંગ જ થઈ રહ્યું છે અને તેથી તેનું નામ બદલી નાખવું જોઈએ. રાહુલ ગાંધીએ કહ્યું કે રોજગાર, વિકાસ અને ‘મેક ઇન ઇન્ડિયા’ જેવી વાતો ફક્ત ભાષણો પૂરતી જ મર્યાદિત છે.
આપણ વાંચો: ‘મારા જીજાજીને હેરાન કરવામાં આવી રહ્યા છે’ EDની કર્યવાહી સામે રાહુલ ગાંધીએ વાડ્રાનું સમર્થન કર્યું
રાહુલ ગાંધીએ ટેલિવિઝન નિર્માણ ફેક્ટરીની મુલાકાત લીધી
ગયા અઠવાડિયે, રાહુલ ગાંધીએ ગ્રેટર નોઇડામાં એક ટેલિવિઝન મેન્યુફેક્ચર કરતી ફેક્ટરીની મુલાકાત લીધી હતી, જ્યાં લગભગ દરરોજ 20,000 થી વધુ ટીવી બનાવવામાં આવે છે.
તેમણે આ મુલાકાતનો એક વિડિયો પણ શેર કર્યો છે, જેના દ્વારા તેમણે પોતાના દાવાઓને સમર્થન આપવાનો પ્રયાસ કર્યો છે. તેમનો આરોપ છે કે સરકારના મોટા મોટા વાયદાઓ જમીની હકીકતથી ઘણા દૂર છે અને દેશમાં વાસ્તવિક ઉત્પાદન (મેન્યુફેક્ચરિંગ) ને બદલે ફક્ત ઉત્પાદનોને જોડવામાં આવી રહ્યા છે.
આપણ વાંચો: આસામના મુખ્ય પ્રધાનને જેલમાં મોકલવાની રાહુલ ગાંધીએ કરી વાત, હિમંત બિસ્વા સરમાએ આપ્યો વળતો જવાબ
80 ટકા જેટલા પાર્ટ ચીનથી આવી રહ્યા છે
રાહુલ ગાંધીએ વિડિયો પોસ્ટ કરીને કહ્યું કે શું તમે જાણો છો કે ભારતમાં બની રહેલા મોટાભાગના TVના 80 ટકા જેટલા પાર્ટ ચીનથી આવી રહ્યા છે? મેક ઇન ઇન્ડિયાના નામ પર માત્ર અસેમ્બ્લી જ થઇ રહી છે. સાચું મેન્યુફેક્ચરીંગ નહી. આઇફોનથી લઈને ટીવી સુધીના પાર્ટ વિદેશથી આવે છે, આપણે ફક્ત તેમને એસેમ્બલ કરીએ છીએ.
તેમણે એમ પણ કહ્યું કે ઉદ્યોગસાહસિકો રોકાણ અને નિર્માણ કરવા માંગે છે પરંતુ નથી કોઈ નીતિ, નથી કોઈ ટેકો ઉલટાનું ભારે ટેક્સ અને અમુક ઉદ્યોગપતિઓનો ઈજારો. જેણે દેશના ઉદ્યોગને ઝકડી રાખ્યો છે, જ્યાં સુધી ભારતમાં ઉત્પાદનમાં આત્મનિર્ભરતા નહી આવે ત્યાં સુધી રોજગાર, વિકાસ અને મેક ઇન ઇન્ડિયાની વાતો માત્ર ભાષણમાં રહેશે.
રાહુલ ગાંધીએ કહ્યું કે આ માટે મોટો ફેરફાર જોઈએ કે જેથી કરીને ભારત અસેમ્બ્લી લાઈનથી નીકળીને સાચું મેન્યુફેક્ચરીંગ પાવર બને અને ચીનને એક ખરી ટક્કર આપે. આ પહેલા પણ રાહુલ ગાંધી જુદા જુદા બીઝનેસ યુનિટની મુલાકાત કરી ચુક્યા છે. આ દરમિયાન તેમણે કરેલી વાતચીત પણ શેર કરી હતી.