રાહુલ ગાંધી ફરી આવશે ગુજરાતની મુલાકાતે, જાણો શું છે કોંગ્રેસનો પ્લાન | મુંબઈ સમાચાર
નેશનલ

રાહુલ ગાંધી ફરી આવશે ગુજરાતની મુલાકાતે, જાણો શું છે કોંગ્રેસનો પ્લાન

સુરતઃ ગુજરાતમાં ફરી એક વખત રાજકીય સળવળાટ શરૂ થયો છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી બે ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. આ દરમિયાન તેઓ અમદાવાદના નિકોલમાં જાહેર સભાને સંબોધશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી પણ ગુજરાત આવશે. 40 દિવસમાં રાહુલ ગાંધી બીજી વખત ગુજરાત આવશે. 25 ઓગસ્ટથી 10 સપ્ટેમ્બર વચ્ચે સુરતમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખોની શિબિરમાં રાહુલ ગાંધી હાજરી આપશે. તેઓ પાર્ટીના કાર્યકર્તાઓને માર્ગદર્શન આપશે.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે, આમ આદમી પાર્ટીના ઘણા નેતાઓ અને કાર્યકરો કોંગ્રેસના સંપર્કમાં છે અને ટૂંક સમયમાં જ તેઓ ઝાડું છોડીને પંજો પકડી લેશે. કોંગ્રેસે આ નેતાઓનું સ્વાગત કરવા અને ચૂંટણીમાં તેમને ટિકિટ આપવાની તૈયારી પણ બતાવી છે. સૂત્રોના કહેવું છે કે આપના નેતાઓને હવે સમજાઈ ગયું છે કે આ પાર્ટીમાં તેમનું કોઈ ભવિષ્ય નથી. જો તેમને રાજકારણમાં ટકી રહેવું હોય તો કોંગ્રેસ સિવાય તેમની પાસે બીજો કોઈ રસ્તો નથી. તાજેતરમાં જ કચ્છ, ગાંધીનગર અને અમદાવાદના આપના કેટલાક નેતાઓ અને કાર્યકર્તાઓ કોંગ્રેસમાં જોડાયા હતા.

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની આ મુલાકાતનો મુખ્ય હેતુ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અને ગુજરાત વિધાનસભાની 2027માં યોજાનારી ચૂંટણી માટે પાર્ટીને મજબૂત બનાવવાનો છે. આ માટે રાહુલ ગાંધી સુરતમાં યોજાનારા કાર્યક્રમમાં એક દિવસ માટે હાજર રહેશે. સ્થાનિક સ્તરે પાર્ટીને વધુ મજબૂત કરી શકાય તે માટે કોંગ્રેસ પહેલીવાર તાલુકા અને નગરપાલિકાના પ્રમુખોની નિમણૂક એકસાથે કરશે. કોંગ્રેસ દ્વારા આ બધી તૈયારીઓ આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખીને કરવામાં આવી રહી છે.

ઉલ્લેખનીય છે કે ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ રાહુલ ગાંધી ગુજરાતની મુલાકાતે આવ્યા હતા. 26 જુલાઈના રોજ રાહુલ ગાંધી આણંદ જિલ્લાની મુલાકાતે આવ્યા હતા. આ દરમિયાન રાહુલ ગાંધીએ ત્રણ દિવસીય પ્રશિક્ષણ શિબિરનું ઉદ્ઘાટન કર્યું હતું. આ ઉપરાંત તેઓ આણંદમાં ગંભીરાબ્રિજ દુર્ઘટનામાં મોતને ભેટેલા લોકોનાં પરિવારજનો સાથે મુલાકાત કરી હતી અને સાંત્વના પાઠવી હતી.

આપણ વાંચો:  વિપક્ષના ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર બી સુદર્શન રેડ્ડીએ ક્યાં વિવાદાસ્પદ ચૂકાદા આપ્યા હતા?

Mayur Kumar

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button