![Rahul Gandhi arrived in Raebareli met the family of the deceased Dalit youth](/wp-content/uploads/2024/08/rahul-gandhi-5.webp)
નવી દિલ્હીઃ દિલ્હી વિધાનસભાના ગઈકાલે ચૂંટણી પરિણામો જાહેર થયા હતા. જેમાં આમ આદમી પાર્ટીની હાર થઈ હતી. ભાજપે 27 વર્ષ બાદ ફરી સત્તા મેળવી હતી. કૉંગ્રેસ ખાતું પણ ખોલી શકી નહોતી. દિલ્હીમાં હાર બાદ હવે કૉંગ્રેસની નજર પશ્ચિમ બંગાળ પર છે અને મમતા બેનર્જીના પક્ષ તૃણમુલ કૉંગ્રેસનો મુકાબલો કરવા તૈયાર છે. રાહુલ ગાંધીએ 2004માં સક્રિય રાજકારણમાં પ્રવેશ કર્યો હતો અને યુવા બાબતોના પ્રભારી તરીકે નિમણૂક કરવામાં આવી હતી. ત્યારે તેમણે એકલા ચાલો ને સિદ્ધાંત પર વિશ્વાસ મૂક્યો હતો એટલે કે પક્ષે એકલા જ ઊભા રહેવું જોઈએ. આ સિદ્ધાંત સોનિયા ગાંધીના નેતૃત્વમાં બનેલા સંયુક્ત પ્રગતિશીલ ગઠબંધન (UPA)થી એકદમ અલગ હતો. જોકે કૉંગ્રેસ માટે ગઠબંધન રાજનીતિનો એક પ્રયોગ હતો. રાહુલ ગાંધીનું હંમેશાથી માનવું છે કે, જ્યારે તેઓ એકલા જ ચૂંટણી લડી શકે ત્યારે જ પક્ષ આગળ વધે છે.
રાહુલ ગાંધીએ કેમ સ્વીકારી ગઠબંધન રાજનીતિ
રાહુલ ગાંધી વારંવાર પક્ષના નેતાઓને એવું કહેતા આવ્યા છે કે ચૂંટણીમાં ભલે હાર થાય પરંતુ એકલા ઉભા રહેવાથી લાંબા ગાળાએ ફાયદો થશે. અનેક ચૂંટણી નિષ્ફળતા અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીને હરાવવાની ઈચ્છાથી તેમણે ગઠબંધન રાજનીતિને સ્વીકારી હતી.
જોકે 2024 લોકસભા ચૂંટણી બાદ તેમને INDIA ગઠબંધનના અન્ય પક્ષો મજબૂત અને કૉંગ્રેસ નબળી પડી રહી હોવાનો અહેસાસ થયો હતો. ભાજપ સાથે કૉંગ્રેસનો સીધો મુકાબલો હવે શક્ય નથી લાગી રહ્યો. હરિયાણા અને મહારાષ્ટ્રમાં હાર બાદ રાહુલ ગાંધીએ ચૂંટણી મેદાનમાં એકલા જ ઉતરવાનો ફેંસલો કર્યો હતો અને અરવિંદ કેજરીવાલના નેતૃત્વવાળી આપને પડકારવાનો ઈરાદો બનાવ્યો હતો.
પશ્ચિમ બંગાળને લઈ રાહુલ ગાંધીની શું છે યોજના
દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં આપની હાર બાદ સમાજવાદી પાર્ટી તથા નેશનલ કોન્ફરન્સ દ્વારા કૉંગ્રેસ પર આરોપ લગાવવામાં આવ્યા બાદ કૉંગ્રેસે પણ તેની વ્યૂહરચનામાં બદલાવ કર્યો છે. પશ્ચિમ બંગાળામાં ટીએમસીને પડકારવાની યોજના બનાવી છે. સૂત્રો અનુસાર રાહુલ ગાંધી બંગાળમાં પક્ષના કાર્યકર્તાઓને મળીને તેમને મમતા બેનર્જી સામે લડાઈ ચાલુ રહેશે તેવો વિશ્વાસ અપાવવા માંગે છે.
કૉંગ્રેસે સ્પષ્ટ કર્યું છે કે તેમનો રાજ્ય સ્તર પર સહયોગીઓ સામે સંઘર્ષનો મતલબ રાષ્ટ્રીય સ્તર પર ગઠબંધન ખતમ કરવાનો નથી. પરંતુ માત્ર પક્ષની મહત્ત્વકાંક્ષાનો ભાગ છે. જેને અન્ય સાથી પક્ષો સરળતાથી ઓળખી શકતા નથી. રાહુલ ગાંધીએ સ્વીકાર્યું છે કે એક પછી એક રાજ્યમાં કૉંગ્રેસની હારથી રાષ્ટ્રીય સ્તર પર અસર પડશે અને તેઓ મજબૂત વિકલ્પ તરીકે નહીં ઉભરી શકે. હાલ રાહુલ ગાંધીનું માનવું છે કે કૉંગ્રેસ તમામ રાજ્ય એકમોને નવી દિશાની જરૂર છે અને આ તેમનો આગામી ઉદ્દેશ છે.
દિલ્હીમાં વોટ શેરની વાત કરીએ તો ભાજપને 45.56 ટકા, આમ આદમી પાર્ટીને 43.57 ટકા અને કૉંગ્રેસને 6.34 ટકા મળ્યા હતા. કૉંગ્રેસનો વોટ શેર 2 ટકા વધ્યો હતો. જેના કારણે આમ આદમી પાર્ટીનું ગણિત ખરાબ થયું હતું અને સત્તામાંથી બહાર ફેંકાયું હતું.આપ 14 બેઠકોથી બહુમતનો આંકડો પાર ન કરી શકી. એક રોચક આંકડો એ પણ છે કે, 70 વિધાનસભા બેઠકોમાં 13 એવી બેઠક હતી, જ્યાં કૉંગ્રેસના કારણે આપને હારનો સામનો કરવો પડ્યો હતો. હકીકતમાં, આ બેઠકો પર હારનું અંતર કૉંગ્રેસને મળેલાં મત કરતાં ઓછું રહ્યું હતું. એટલે કે, જો આપ અને કૉંગ્રેસ મળીને ચૂંટણી લડત તો આ 13 બેઠક ભાજપ હારી શકત.