મણિપુર અંગે પ્રેસ કોન્ફરન્સમાંથી રાહુલ ગાંધીનો વૉકઆઉટ
ઇમ્ફાલઃ મણિપુરમાં ચાલી રહેલી હિંસા અંગેની પ્રેસ કોન્ફરન્સ દરમિયાન લોકસભામાં વિપક્ષના નેતા તથા કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી પત્રકારોના પ્રશ્નોની ઝડીઓ સામે અકળાઈને અચાનક ચાલ્યા ગયા હતા. રાહુલ ગાંધીએ મણીપુરની પરિસ્થિતિને સંબોધવા માટે કોન્ફરન્સ બોલાવી હતી પરંતુ જ્યારે તેમને વિચલિત કરતા પ્રશ્નોનો સામનો કરવો પડ્યો ત્યારે તેઓ દેખીતી રીતે જ ઉશ્કેરાઈ ગયા હતા.
રાહુલ ગાંધીએ મણિપુર રાજ્યની પરિસ્થિતિ અંગે ચર્ચા કરવા પ્રેસ કોન્ફરન્સ બોલાવી હતી. તેમને પત્રકારોના વેધક સવાલોના જવાબ આપવામાં લગીરે રસ નહોતો. તેમને તેમના મનની વાત પત્રકારો સમક્ષ રજૂ કરવી હતી, પણ જ્યારે પત્રકારોએ તેને સવાલ પૂછવાના શરૂ કર્યા ત્યારે રાહુલ ગાંધી અકળાઇ ગયા હતા.’ મહેરબાની કરીને હું જે કહું છું તેનો આદર કરો. હું એક સ્પષ્ટ સંદેશ આપવા આવ્યો છું. મને એવા સવાલનો જવાબ આપવામાં રસ નથી કે જ્યાં મુદ્દાને બીજી દિશામાં વાળવા માટે પૂછવામાં આવી રહ્યા છે. મેં મારું નિવેદન આપી દીધું છે એમ તેમણે પ્રેસ કોન્ફરન્સ છોડીને બહાર નીકળતા પહેલા જણાવ્યું હતું.
પ્રેસ કોન્ફરન્સ દરમિયાન રાહુલ ગાંધીએ 2023 થી સતત રમખાણોથી પીડિત મણિપુરના કુદરતી સૌંદર્ય પર પ્રકાશ ફેક્યો હતો. તેમણે વડાપ્રધાન મોદીને રાજ્યના રમખાણથી પ્રભાવિત લોકોને સાંત્વના આપવા માટે મણિપુરની મુલાકાત લેવા વિનંતી કરી હતી. તેમણે એમ પણ જણાવ્યું હતું કે કોંગ્રેસ મણિપુરમાં શાંતિ લાવવા માટે શક્ય તેટલું બધું જ કરી છૂટશે.
મણીપુર એ ભારતીય સંઘનું સૌથી સુંદર રાજ્યમાંનુ એક છે, એમ રાહુલ ગાંધીએ જણાવ્યું હતું. વડાપ્રધાને મણિપુરની મુલાકાત લેવી જોઈએ અને તેના લોકોની તકલીફો સાંભળવી જોઈએ તેનાથી લોકોને દિલાસો મળશે એમ રાહુલ જણાવ્યું હતું તેમણે એમ પણ કહ્યું હતું કે તેઓ હિંસાથી પીડિત લોકોની તકલીફો સાંભળવા માટે અને તેમનામાં વિશ્વાસ વધારવા માટે રાજ્યમાં આવ્યા હતા.