‘BJP-RSSના વિચારો મહિલા વિરોધી’, રાહુલ ગાંધીએ યુએસમાં વિદ્યાર્થીઓને કહ્યું
નવી દિલ્હી: લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી (Rahul Gandhi) હાલ યુનાઈટેસ સ્ટેટ્સ(USA)ની મુલાકતે છે. રાહુલ ગાંધીએ ડલ્લાસ(Dallas)માં આવેલી યુનિવર્સિટી ઓફ ટેક્સાસના વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરી હતી. આ દરમિયાન તેમણે ભારતીય જનતા પાર્ટી (BJP)અને રાષ્ટ્રીય સ્વયંમ સેવક સંઘ(RSS) પર ફરી પ્રહાર કર્યા હતા. આ દરમિયાન તેમણે ભાજપને મહિલા વિરોધી પાર્ટી ગણાવી હતી.
રાહુલ ગાંધીએ કહ્યું, RSS માને છે કે ભારત એક વિચાર છે અને અમે માનીએ છીએ કે ભારત વિચારોનો સમૂહ છે. અમે માનીએ છીએ કે દરેકને ભાગ લેવાની છૂટ હોવી જોઈએ, સપના જોવાની છૂટ હોવી જોઈએ. કોઈની જાતિ, ભાષા,ધર્મ, પરંપરા અથવા ઇતિહાસને ધ્યાનમાં લીધા વિના સૌને સ્થાન આપવું જોઈએ.
ગત લોકસભા ચૂંટણી અંગે વાત કરતા રાહુલ ગાંધીએ કહ્યું કે ચૂંટણીમાં આ લડાઈ વધુ સ્પષ્ટ થઈ ગઈ, ભારતના કરોડો લોકો સમજી ગયા કે ભારતના વડાપ્રધાન (નરેન્દ્ર મોદી) ભારતના બંધારણને નુકશાન પહોંચાડી રહ્યા છે.
ભારતમાં મહિલાઓની સ્થિતિ અંગે બોલતા રાહુલ ગાંધીએ કહ્યું કે, “હું મહિલા સશક્તિકરણમાં વિશ્વાસ કરું છું, મહિલાઓને વ્યવસાયમાં તકો મળે તે સુનિશ્ચિત કરવું. જો તેઓ પોતાનો વ્યવસાય શરૂ કરવા માંગતી હોય તો તેમને નાણાકીય સહાય પૂરી પાડવી અને મહિલાઓ માટે ભાગીદારી સરળ કરવી. પહેલું પગલું એ છે કે સ્ત્રીઓને પુરૂષોની સમકક્ષ તરીકે જોવાનું, તે સ્વીકારવું કે તેઓ બધું જ કરી શકે છે જે એક પુરુષ કરી શકે છે.”
રાહુલ ગાંધીએ વધુમાં કહ્યું કે આ ભાજપ અને અમારી વચ્ચેના વૈચારિક સંઘર્ષનો એક ભાગ છે. ભાજપ અને આરએસએસ માને છે કે મહિલાઓને પરંપરાગત ભૂમિકાઓ સુધી સીમિત રહેવું જોઈએ – ઘરમાં રહેવું, રસોઈ કરવી અને ઓછું બોલવું. અમારું માનવું છે કે સ્ત્રીઓને ગમે તે કરવાની સ્વતંત્રતા હોવી જોઈએ.
રાહુલ ગાંધીએ કહ્યું, “ગત ચૂંટણીમાં લોકો સ્પષ્ટ રીતે સમજી ગયા અને મેં જોયું કે જ્યારે મેં બંધારણનો મુદ્દો ઉઠાવ્યો ત્યારે લોકો સમજી ગયા કે હું શું કહી રહ્યો છું. લોકો કહેતા હતા કે ભાજપ અમારી પરંપરા પર હુમલો કરી રહી છે. અમારી ભાષા પર હુમલો કરી રહી છે, આપણા રાજ્યો પર હુમલો કરી રહી છે, આપણા ઇતિહાસ પર હુમલો કરી રહી છે.”
રાહુલ ગાંધીએ વધુમાં કહ્યું કે બીજી વાત એ થઈ કે ભાજપનો ડર ગાયબ થઈ ગયો. અમે જોયું કે ચૂંટણીના પરિણામો આવ્યા પછી તરત જ, થોડી જ મિનિટોમાં, ભારતમાં કોઈ ભાજપ કે ભારતના વડાપ્રધાનથી ડરતું નહોતું.
રાહુલ ગાંધીએ વધુમાં કહ્યું કે આથી આ મોટી સિદ્ધિઓ છે, રાહુલ ગાંધી કે કોંગ્રેસ પાર્ટીની નહીં. આ ભારતના લોકોની મોટી ઉપલબ્ધિઓ છે, જેમણે લોકશાહીને જીવંત રાખી, ભારતના લોકોએ સમજાવ્યું કે અમે અમારા બંધારણ પર હુમલો સાંખી નહીં લઈએ. અમે અમારા ધર્મ, અમારા રાજ્ય પર હુમલોએ સ્વીકારી નહીં લઈએ.