વોશિંગ્ટન : કોંગ્રેસ નેતા અને લોકસભામાં વિપક્ષના નેતા અને રાહુલ ગાંધી(Rahul Gandhi)ત્રણ દિવસની અમેરિકાની મુલાકાતે છે. તેમની મુલાકાત દરમિયાન રાહુલ ગાંધી મંગળવારે વોશિંગ્ટન ડીસી સ્થિત જ્યોર્જટાઉન યુનિવર્સિટી પહોંચ્યા હતા. તેમણે વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરી હતી. રાહુલે ભારતીય જનતા પાર્ટી અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પર પણ નિશાન સાધ્યું હતું.
અમે બંધારણને આગળ રાખવાનું શરૂ કર્યું
રાહુલ ગાંધીએ કહ્યું, ‘ચૂંટણી પહેલા અમે એ વિચાર પર ભાર મૂકતા રહ્યા કે સંસ્થાઓ કબજે કરવામાં આવી છે. આરએસએસે શિક્ષણ વ્યવસ્થા પર કબજો જમાવ્યો છે. મીડિયા અને તપાસ એજન્સીઓ નિયંત્રણમાં છે. અમે આ વાત કહેતા હતા તો લોકો સમજતા ન હતા. પછી અમે બંધારણને આગળ રાખવાનું શરૂ કર્યું અને પછી અમે જે પણ કહ્યું હતું તેનો અચાનક પ્રતિભાવ મળ્યો.
તેઓએ અમારા બેંક ખાતા બંધ કરી દીધા હતા
વિપક્ષના નેતાએ કહ્યું, ‘ગરીબ ભારત અને પીડિત ભારત સમજે છે કે જો બંધારણ સમાપ્ત થઈ જશે તો આખી રમત ખતમ થઈ જશે. ગરીબો ગંભીરતાથી સમજી ગયા કે આ બંધારણનું રક્ષણ કરનારા અને તેનો નાશ કરનારાઓ વચ્ચેની લડાઈ છે. જાતિ ગણતરીનો મુદ્દો પણ મોટો બન્યો. આ વસ્તુઓ અચાનક એક સાથે આવવા લાગી. મને નથી લાગતું કે નિષ્પક્ષ ચૂંટણી ભાજપને 246થી વધુ બેઠક મળત. તેઓએ અમારા બેંક ખાતા બંધ કરી દીધા હતા.
હું માનતો નથી કે તે નિષ્પક્ષ ચૂંટણી હતી
ચૂંટણી પંચ પર નિશાન સાધતા રાહુલે કહ્યું કે, ચૂંટણી પંચ ભાજપની ઈચ્છા મુજબ કામ કરી રહ્યું હતું. સમગ્ર ચૂંટણીનું આયોજન એવી રીતે તૈયાર કરવામાં આવ્યું હતું કે નરેન્દ્ર મોદી દેશભરમાં તેમનું કામ કરી શકે. જે રાજ્યોમાં ભાજપ નબળું હતું તે રાજ્યોને અલગ રીતે ડિઝાઇન કરવામાં આવ્યા હતા જ્યાં તેઓ મજબૂત હતા ત્યાં અલગ રીતે આયોજન કરાયું. હું આને નિષ્પક્ષ ચૂંટણી તરીકે જોતો નથી. હું તેને નિયંત્રિત ચૂંટણી તરીકે જોઉં છું.
ઓબીસી-દલિતો સાથે છેતરપિંડી થઈ રહી છે
રાહુલ ગાંધીએ કહ્યું કે, ‘પ્રચારના અડધા ભાગમાં મોદીને એવું ન લાગ્યું કે તેઓ 300-400 સીટોની નજીક છે. જ્યારે તેમણે કહ્યું કે હું ભગવાન સાથે સીધી વાત કરું છું, ત્યારે અમે જાણતા હતા કે અમે તેમને સંપૂર્ણપણે તોડી નાખ્યા છે. અમે તેમના નિવેદનને મનોવૈજ્ઞાનિક પતન તરીકે જોયું. નરેન્દ્ર મોદીને સત્તા પર લાવનાર ગઠબંધન તૂટી ગયું છે. સરકાર અને બે-ત્રણ મોટા ઉદ્યોગો વચ્ચે જોરદાર સાંઠગાંઠ છે. ઓબીસી અને દલિતો સાથે છેતરપિંડી થઈ રહી છે.