I.N.D.I. ગઠબંધનના ફુલ ફોર્મનો જવાબ આપતો રાહુલ ગાંધીનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ, થોથવાઈ ગયા?

વોશિંગ્ટનઃ લોકસભામાં વિપક્ષના નેતા અને કૉંગ્રેસ સાંસદ ફરી એક વાર તેમના વિદેશ પ્રવાસ અને ત્યાં કરેલા છબરડાને કારણે ચર્ચામાં આવ્યા છે. તેમના અમેરિકાના પ્રવાસનો એક વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે, જેમાં એક પત્રકારે સવાલ-જવાબના સેશન દરમિયાન રાહુલ ગાંધીને પૂછ્યું હતું કે, શું તમે I.N.D.I. અલાયન્સને એનડીએના વિકલ્પ તરીકે જુઓ છો? આ સવાલના જવાબમાં રાહુલ ગાંધીએ તેમને જણાવ્યું હતું કે તમે અમને I.N.D.I. ગઠબંધન નહીં કહો. અમે I.N.D.I.A. અલાયન્સ છીએ. આ ભાજપવાળાઓનું કામ છે. અહીં તમને જણાવીએ કે I.N.D.I.A.નું ફૂલ ફોર્મ છે- Indian National Developmental Inclusive Alliance. 2024ની ચૂંટણીમાં ભાજપનો સામનો કરવા માટે કોંગ્રેસ અને અન્ય વિરોધ પક્ષો દ્વારા તેની રચના કરવામાં આવી હતી.
પત્રકારે રાહુલ ગાંધીને ફરી સવાલ કર્યો હતો કે I.N.D.I.A.માં ‘A’નો મતલબ શું છે. I.N.D.I.A.માં તો ડબલ A નથી. તો પછી I.N.D.I.A. અલાયન્સ કેવી રીતે કહેવાય. આ સવાલનો જવાબ આપતા રાહુલ જણાવે છે કે અહીં ‘A’નો મતલબ અલાયન્સ છે. રાહુલ ગાંધીનો જવાબ સાંભળીને પત્રકાર અને તેની બાજુમાં બેઠેલા અન્ય વ્યક્તિ પણ હસવા માંડે છે. રાહુલ ગાંધીનો આ વીડિયો સોશિયલ મીડિયા પર આગની જેમ વાયરલ થઇ રહ્યો છે અને લોકો એના પર મજેદાર પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. ઘણા નેટિઝન્સ રાહુલ ગાંધીની આ oops momentની મજાક ઉડાવી રહ્યા છે.
ભાજપના IT સેલના વડા અમિત માલવિયાએ તેમની સોશિયલ મીડિયા પોસ્ટમાં લખ્યું હતું કે, ત્રણ ત્રણ વાર નાપાસ થયેલા રાહુલ ગાંધીને વિદેશની ધરતી પર એક વિદ્યાર્થીએ શીખવ્યું છે કે આ I.N.D.I. ગઠબંધન છે, I.N.D.I.A ગઠબંધન નથી.
ભાજપના રાજ્યસભાના સાંસદ રાધા મોહન અગ્રવાલ દાસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આ વીડિયો શેર કર્યો છે. તેમણે લખ્યું છે કે રાહુલ ‘I.N.D.I. ગઠબંધન’ને ‘I.N.D.I.A. અલાયન્સ’ કહેતા ફરે છે. જ્યારે વિદેશી પત્રકારે તેમને ભૂલ સમજાવતા ટિપ્પણી કરી કે ના, તે ‘ઈન્ડિયા અલાયન્સ’ નહીં પણ ‘ઈન્ડી અલાયન્સ’ કહેવાય, ત્યારે , મુંઝવણમાં રાહુલ કોઈ જવાબ આપી શક્યા નહોતા. તમે પણ આ વીડિયો જુઓ
આ પણ વાંચો : રાહુલ ગાંધીએ કરી આરક્ષણ ખતમ કરવાની વાત તો ભડક્યા માયાવતી, કહ્યું કે…
એક યુઝરે કહ્યું હતું કે, “જો કોઈ પૂછે કે રાગાને પપ્પુ કેમ કહેવામાં આવે છે, તો આ તેનો નવો પુરાવો છે. આ તેના વાહિયાત વિચારો સાથે એકદમ સુસંગત છે.” એક યુઝરે જણાવ્યું હતું કે ‘સિલેબસની બહારનો સવાલ આવ્યો તો રાગા કેવા થોથવાઇ ગયા! ‘ અન્ય એક નેટિઝને જણાવ્યું હતું કે, ‘વિદેશની ધરતી પર રાગાના મગજની ફળદ્રુપતા ઉજાગર થઇ રહી છે.’
દરમિયાનમાં અમેરિકામાં એક કાર્યક્રમને સંબોધતા પીએમ મોદી પર નિશાન સાધ્યું હતું અને જણાવ્યું હતું કે દેશમાં થયેલી લોકસભાની ચૂંટણી મુક્ત ચૂંટણી નહોતી, પણ તે એક નિયત્રિંત ચૂંટણી હતી અને તેની ગોઠવણ એવી રીતે કરવામાં આવી હતી કે તેમા ભાજપને જ ફાયદો થાય. જો નિષ્પક્ષ રીતે ચૂંટણી કરાવવામાં આવી હોત તો ભાજપ 240 સીટ સુધી પણ નહીં પહોંચી શકી હોત.