INDIA Alliance: મહારાષ્ટ્રમાં બેઠકોની વહેંચણીને અંગે મડાગાંઠ, રાહુલ ગાંધીએ ઉદ્ધવ ઠાકરેને ફોન કર્યો
મુંબઈ: લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસ INDIA ગઠબંધન હેઠળ જેતે રાજ્યમાં સાથી પક્ષો સાથે સીટ વહેંચણી અંગે સતત નિર્ણયો લઈ રહી છે. દરમિયાન, મહારાષ્ટ્રની 48 લોકસભા બેઠકોમાંથી આઠ પર ચાલી રહેલી મડાગાંઠ અંગે ચર્ચા કરવા માટે ઉદ્ધવ ઠાકરેને ફોન કરવામાં આવ્યો હતો. સુત્રોના જણાવ્યા મુજબ ભારત જોડો ન્યાય યાત્રા વચ્ચે સમય કાઢીને રાહુલ ગાંધીએ શિવસેના (UBT) નેતા ઉદ્ધવ ઠાકરે સાથે 1 કલાક સુધી વાત કરી હતી.
સુત્રોના જણાવ્યા મુજબ કોંગ્રેસ મુંબઈની છ લોકસભા બેઠકોમાંથી ત્રણ – મુંબઈ દક્ષિણ મધ્ય, મુંબઈ ઉત્તર મધ્ય અને મુંબઈ ઉત્તર પશ્ચિમ પર ચૂંટણી લડવા ઈચ્છે છે. ઉદ્ધવ ઠાકરે રાજ્યની 18 લોકસભા બેઠકો પર ચૂંટણી લડવા માંગે છે, જેમાં મુંબઈની ચાર બેઠકોનો સમાવેશ થાય છે – મુંબઈ દક્ષિણ, મુંબઈ ઉત્તર પશ્ચિમ, મુંબઈ ઉત્તર પૂર્વ અને મુંબઈ દક્ષિણ મધ્ય.
મહાવિકાસ આઘાડી હેઠળ, ત્રણે પક્ષો સમજૂતી હેઠળ 40 બેઠકો પર સંમત થયા જોવાનું સુત્રોએ જણાવ્યું હતું, પરંતુ 8 બેઠકો પર વાતચીત અટકી છે.
ચૂંટણી માટે બેઠકો વહેંચણીની ફોર્મ્યુલા પર ચર્ચા કરવા શરદ પવાર અને રાહુલ ગાંધીએ ગઈ કાલે બેઠક કરી હતી. કોંગ્રેસના મહારાષ્ટ્ર પ્રભારી રમેશ ચેન્નીથલાએ કહ્યું હતું કે મહા વિકાસ અઘાડી (MVA) ના ઘટકો વચ્ચે બેઠક વહેંચણીની વાટાઘાટો છેલ્લા તબક્કામાં છે, અને અંતિમ નિર્ણય 27 અને 28 ફેબ્રુઆરીએ ગઠબંધનની બેઠક પછી જાહેર કરવામાં આવશે.
2019ની લોકસભા ચૂંટણીમાં અવિભાજિત શિવસેનાએ 48માંથી 22 સીટો પર ચૂંટણી લડી હતી અને 18 પર જીત મેળવી હતી, જેમાં મુંબઈની ત્રણ સીટોનો સમાવેશ થાય છે. જોકે શિવસેનાના વિભાજન બાદ મહાવિકાસ આઘાડીની સરકાર પડી ગઈ અને એકનાથ શિંદેના જૂથે ભાજપ સાથે મળીને નવી સરકાર બનાવી હતી.
આ વર્ષની શરૂઆતમાં શરદ પવારની NCPમાં પણ આવું જ ભંગાણ પડ્યું હતું, શરદ પવારના ભત્રીજા અજિત પવાર એકનાથ શિંદે-ભાજપ ગઠબંધન સરકારમાં સામેલ થયા હતા. બીજી તરફ કોંગ્રેસના બે અગ્રણી નેતાઓ ભૂતપૂર્વ સીએમ અશોક ચવ્હાણ અને મિલિંદ દેવરા ભાજપમાં જોડાયા હતા. કોંગ્રેસને હજુ પણ ભંગાણનો ડર છે. આ પક્ષપલટાના રાજકારણે મહારાષ્ટ્રમાં વિપક્ષી પક્ષો વચ્ચે બેઠકોની વહેંચણીને વધુ જટિલ બનાવી છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર કોંગ્રેસમાં પક્ષપલટાની ઘટનાઓ બાદ ઉદ્ધવ ઠાકરેની પાર્ટી મુંબઈની સીટો પર મોટો હિસ્સો ઈચ્છે છે. જો કે, ઉદ્ધવ ઠાકરે, શરદ પવાર, રાહુલ ગાંધી અને મલ્લિકાર્જુન ખડગે ગઠબંધનને સફળ બનાવવા ઈચ્છે છે, કેમ કે હાલ ત્રણેય પક્ષ રાજ્યમાં અસ્તિત્વની લડાઈ લડી રહ્યા છે.