નેશનલ

UGCના નવા ડ્રાફ્ટને રાહુલ ગાંધીએ અનામત ખતમ કરવાનું ષડયંત્ર ગણાવ્યું, તો શિક્ષણ મંત્રીએ કરી સ્પષ્ટતા

નવી દિલ્હી: બિહારમાં રાજકીય ઉથલપાથલ બાદ રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા (Rahul Gandhi Bharat Jodo Nyay Yatra) બિહારમાં પ્રવેશી ચૂકી છે. ન્યાય યાત્રામાં રાહુલ ગાંધી પોતાના ભાષણોમાં ભાજપ પર પ્રહાર કરવાનો કોઈ પણ મોકો છોડતા નથી. પોતાની આ ન્યાય યાત્રામાં ભાજપને ઘણા મુદ્દાઓને લઈને ઘેરવાનો પ્રયાસ કર્યો છે. આ વખતે શિક્ષણ સંસ્થાઓમાં આરક્ષણના મુદ્દાને લઈને ભાજપ અને RSS પર આકરા પ્રહાર કર્યા છે.

ભાજપ પરના આરોપોમાં રાહુલે કહ્યું કે UGCની ડ્રાફ્ટ ગાઈડલાઇન ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓમાં અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને અન્ય પછાત વર્ગોને આપવામાં આવતી અનામતને ખતમ કરવાનું ષડયંત્ર છે. તમને જણાવી દઈએ કે, ગઈકાલે યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન એટલે કે UGC એ ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં SC, ST અને OBC ઉમેદવારો માટે ખાલી જગ્યાઓ રદ કરવાનું સૂચન આપ્યું હતું. જોકે, આ અંગે પાછળથી સ્પષ્ટતા આવી હતી.

રાહુલ ગાંધીએ UGCના મુદ્દે કેન્દ્ર સરકાર પર નિશાન સાધતા ટ્વીટ કર્યું હતું. તેમણે પોતાના ટ્વીટમાં કહ્યું કે UGCના નવા ડ્રાફ્ટમાં ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં SC, ST અને OBC કેટેગરીને આપવામાં આવતું રિઝર્વેશન ખતમ કરવાનું ષડયંત્ર છે. આજે, 45 કેન્દ્રીય યુનિવર્સિટીઓમાં આશરે 7,000 અનામત જગ્યાઓમાંથી, 3,000 ખાલી છે, અને તેમાંથી માત્ર 7.1 ટકા દલિત, 1.6 ટકા આદિવાસી અને 4.5 ટકા પછાત વર્ગના પ્રોફેસર છે.

આ સિવાય તેમણે દાવો કર્યો હતો કે અનામતની સમીક્ષાની વાત કરનાર ભાજપ-આરએસએસ હવે આવી ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાંથી સમાજના વંચિત વર્ગની નોકરીઓ છીનવી લેવા માંગે છે. આ સામાજિક ન્યાય માટે લડતા નાયકોના સપનાને મારી નાખવાનો અને વંચિત વર્ગોની ભાગીદારીને સમાપ્ત કરવાનો પ્રયાસ છે. રાહુલ ગાંધીએ કહ્યું કે ‘સાંકેતિક રાજકારણ’ અને ‘વાસ્તવિક ન્યાય’ વચ્ચે આ જ તફાવત છે અને આ જ BJPનું ચરિત્ર છે.

આ બાબતે કેન્દ્રિય સિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને સ્પષ્ટતા કરતાં કહ્યું કે એક પણ આરક્ષિત પદ અસુરક્ષિત રહેશે નહીં.અધિકારીઓએ કહ્યું કે આ માત્ર ‘ડ્રાફ્ટ માર્ગદર્શિકા’ છે. મળતી ફિડબેકને ધ્યાનમાં રાખીને તેના લેટેસ્ટ વર્ઝનમાં ઘણા ફેરફાર જોવા મળશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button