નેશનલ

રાહુલની ગાંધીગીરીઃ જે નેતાએ વારંવાર ટીકાસ્ત્રો છોડ્યા તેમના જ બચાવમાં કહ્યું આમ

નવી દિલ્હી: લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી (Rahul Gandhi) અને પૂર્વ કેન્દ્રિય પ્રધાન સ્મૃતિ ઈરાની (Smriti Irani) ભૂતકાળમાં ઘણી વખત એક બીજા વિરુદ્ધ આક્ષેપો-પ્રતિઆક્ષેપો કરી ચુક્યા છે. ગત લોકસભા ચૂંટણીમાં ઉત્તર પ્રદેશની અમેઠી બેઠક પર સ્મૃતિ ઈરાની કોંગ્રેસના કિશોરી લાલ શર્મા સામે હારી ગયા, ત્યાર બાદથી સ્મૃતિ ઈરાની ટ્રોલ્સના નિશાના પર છે. એવામાં તેમના કટ્ટર હરીફ ગણાતા રાહુલે ‘ગાંધીગીરી’ દાખવતા સ્મૃતિ ઈરાની નો બચાવ કર્યો છે. તેમના આ પગલાની ચારે તરફ પ્રસંશા કરવામાં આવી રહી છે.

રાહુલ ગાંધીએ સ્મૃતિ ઈરાનીનો બચાવ કરતા x પોસ્ટમાં લખ્યું કે, ‘જીવનમાં જીત અને હાર થતી રહેતી હોય છે. હું દરેકને અપીલ કરું છું કે અપમાનજનક ભાષાનો ઉપયોગ ન કરો, અને સ્મૃતિ ઈરાની કે અન્ય કોઈ નેતા પ્રત્યે ખરાબ વર્તન ન કરો. લોકોને નીચા પાડવા અને અપમાનિત કરવા એ શક્તિની નહીં પણ નબળાઈની નિશાની છે.’


સ્મૃતિ ઈરાનીને સરકારી બંગલો ખાલી કરવો પડ્યો:

ગત લોકસભાની ચૂંટણીમાં ઉત્તર પ્રદેશની અમેઠી બેઠક પર કોંગ્રેસના કિશોરી લાલ શર્મા સામે હાર્યા બાદ સ્મૃતિ ઈરાનીને દિલ્હીમાં સરકારી બંગલો ખાલી કરવાની ફરજ પડી હતી, ત્યાર બાદ કેટલાક લોકો તેમને ટ્રોલ કરવા લાગ્યા. અમેઠી સંસદીય બેઠક શર્મા ઈરાનીની 1.6 લાખથી વધુ મતોના માર્જિનથી હાર થઇ હતી.]અગાઉ સ્મૃતિએ રાહુલ પર આકરા પ્રહારો કર્યા હતા:

જ્યારે અમેઠી પર કિશોરી લાલ શર્માની ઉમેદવારીની જાહેરાત કરવામાં આવી ત્યારે, સ્મૃતિ ઈરાનીએ રાહુલની હાંસી ઉડાવી હતી, તેમણે કહ્યું હતું કે “મને લાગે છે કે સમગ્ર ગાંધી પરિવાર અમેઠીની લડાઈમાંથી ભાગી રહ્યું, આ અમેઠીથી કોંગ્રેસ પાર્ટીની હારની ઘોષણા છે. અગાઉ પણ 2019માં રાહુલ ગાંધી અમેઠીથી ભાગી ગયા હતા. “

રાહુલનું સાંસદ પર રદ થતા સ્મૃતિએ કટાક્ષ કર્યો હતો:
ગયા વર્ષે 23 માર્ચે સુરતની કોર્ટે રાહુલ ગાંધીને મોદીની અટક માનહાનિના કેસમાં બે વર્ષની જેલની સજા ફટકારી હતી. દોષિત ઠેરવ્યાના એક દિવસ પછી 24 માર્ચે રાહુલનું લોકસભા સાંસદ પદ રદ કરવામાં આવ્યું હતું. 27 માર્ચે તેમને બંગલો ખાલી કરવાની નોટિસ આપવામાં આવી હતી. 19 વર્ષ સુધી રાહુલ જે ઘરમાં રહેતા હતા એ તેમણે ખાલી કરવું પડ્યું. 4 એપ્રિલની સવારે રાહુલે બંગલો ખાલી કર્યો અને માતા સોનિયા ગાંધીના નિવાસ સ્થાને રહેવા જતા રહ્યા.

27 માર્ચ, 2023ના રોજ સ્મૃતિ ઈરાનીએ રાહુલ ગાંધીની લોકસભાનું સાંસદ પદ રદ કરવા પર ટિપ્પણી કરી હતી. બેંગલુરુમાં યુવા સંવાદ કાર્યક્રમ દરમિયાન કાયદાના એક વિદ્યાર્થીએ સ્મૃતિ ઈરાનીને પૂછ્યું હતું કે– રાહુલની સાંસદ પદ રદ થવાની 2024ની ચૂંટણી પર શું અસર પડશે?

જેના પર સ્મૃતિએ જવાબ આપ્યો, ‘જે સંસદમાં હંમેશા ગેરહાજર રહે છે તે શું ફેરફાર કરી શકે છે? રાહુલ હંમેશા કન્ફયુઝ રહે છે. શું આવી વ્યક્તિ 2024માં વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે પડકાર બની શકે? સ્મૃતિએ કહ્યું, ‘રાહુલ પોતાને કાયદાથી ઉપર માને છે. તેણે એવું વર્તન કર્યું કે જાણે કેન્દ્ર સરકારને કારણે તેણે પોતાનો સાંસદનો દરજ્જો ગુમાવ્યો હોય. જોકે, એવું નથી. આ કોર્ટનો નિર્દેશ છે. લોકસભા સ્પીકરે માત્ર કોર્ટના આદેશનું પાલન કર્યું છે.

હવે જયારે સ્મૃતિ ઈરાનીને ટ્રોલ કરવામાં આવી રહ્યા છે ત્યારે રાહુલ ગાંધી તેમના બચાવમાં આવ્યા છે. સ્મૃતિને હરાવનાર અમેઠીથી કોંગ્રેસના સાંસદ કિશોરી લાલ શર્માએ કહ્યું કે “રાહુલ ગાંધીએ સાચું જ કહ્યું છે. તેઓ પોતાની મર્યાદામાં રહે છે. હું તેમના નિવેદન સાથે સહમત છું. જીત અને હાર જીવનનો એક ભાગ છે. આપણે કોઈની સામે આવી ભાષાનો ઉપયોગ ન કરવો જોઈએ.”

રાહુલ ગાંધીની આ પોસ્ટ ટ્વીટનો જવાબ આપતા ભાજપના આઈટી સેલના વડા અમિત માલવિયાએ લખ્યું, ‘આ અત્યાર સુધીનો સૌથી કપત્પૂર્ણ મેસેજ છે. અમેઠીમાં તેમને હરાવીને તેમના અહંકારને ચકનાચૂર કરી નાખનાર મહિલા પાછળ કોંગ્રેસના નેતાઓને વરુના ટોળાની જેમ છોડી દીધા.’

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button