Rahul Gandhi એ અલગ જ અંદાજમાં ભાજપ પર કર્યો પ્રહાર, જાણો શું કહ્યું
પ્રયાગરાજ : કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ(Rahul Gandhi)પ્રયાગરાજના સંવિધાન સન્માન સંમેલનમાં અલગ જ અંદાજમાં ભાજપ પર પ્રહાર કર્યો હતો. તેમણે ભાજપને ગુરુ માનતા હોવાનું નિવેદન આપ્યું હતું. જેના પગલે લોકો આશ્ચર્યમાં મુકાયા હતા. તેમણે વધુમાં જણાવ્યું કે હું વર્ષ 2004 થી રાજકારણમાં છું અને ભાજપના લોકોને મારા ગુરુ માનું છું. તેમણે ઘણું બધુ શીખવ્યું છે. તેમના વિના હું શું કરવું અને શું ના કરવું તે શીખી ના શક્યો હોત. તેમણે સંવિધાન સન્માન સંમેલનમાં જાતિ આધારિત વસ્તી ગણતરી પર પણ ભાર મૂક્યો હતો.
જાતિ આધારિત સંસ્થાકીય વસ્તી ગણતરીની માંગ
રાહુલ ગાંધીએ જાતિ ગણતરીની માંગ કરતાં દાવો કર્યો કે ભારતની 90 ટકા વસ્તી વ્યવસ્થાનો ભાગ નથી.
નેવું ટકા લોકો વ્યવસ્થાની બહાર બેઠા છે. તેમની પાસે કૌશલ્ય અને જ્ઞાન છે પરંતુ તેમની પાસે ઉપર સુધી કોઇ પહોંચ નથી. જેના લીધે જ અમે જાતિ આધારિત સંસ્થાકીય વસ્તી ગણતરીની માંગ ઉઠાવી છે.
અમારે વિવિધ જાતિની યાદી જોઈએ છે
તેમણે ભાજપ પર આક્ષેપ કરતાં જણાવ્યું કે ” “ભાજપના નેતાઓ કહી રહ્યા છે કે જ્ઞાતિની વસ્તી ગણતરી પછી એક ઓબીસી વિભાગ આપવામાં આવશે. પરંતુ અમારે વિવિધ જાતિની યાદી જોઈએ છે. અમારા માટે જાતિની વસ્તી ગણતરી માત્ર વસ્તી ગણતરી નથી તે નીતિ ઘડતરનો પાયો છે. “
90 ટકા લોકો પાસે ભાગીદારી નથી
કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ કહ્યું કે 90 ટકા લોકોની ભાગીદારી વિના દેશ ચાલી શકે નહીં.અમે હવે જોઈએ છીએ કે સંસ્થાઓ, કોર્પોરેટ, બોલિવૂડ, મિસ ઈન્ડિયામાં 90 ટકામાંથી કેટલા છે. હું માત્ર એટલું જ કહું છું કે 90 ટકા લોકો પાસે ભાગીદારી નથી અને આની તપાસ થવી જોઇએ.
ઉલ્લેખનીય છે કે, ડિસેમ્બર 2022 માં પણ કોંગ્રેસના નેતાએ આવી જ ટિપ્પણી કરી હતી. તેમણે કહ્યું હતું કે તેવો ભાજપને ગુરુ માને છે. કારણ કે ભાજપ તેમને રોડમેપ બતાવે છે અને શું ક્યારેય ન કરવું જોઈએ તે શીખવે છે.