માથા પર લાલ ગમછા સાથે દેશી અવતારમાં આવ્યા આ નેતા, ખેડૂતો સાથે કરી વાતચીત
પટનાઃ જેવો દેશ એવો વેશ. આજકાલ નેતાઓ પણ અલગ અલગ અંદાજમાં જનતા સમક્ષ જાય છે ત્યારે કૉંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ પણ બિહાર ખાતે ખેડૂતોને મળવા માટે દેશી લૂક પસંદ કર્યો હતો. કોંગ્રેસ નેતા અને સાંસદ રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા બિહારના સીમાંચલ પહોંચી ગઈ છે. સીમાંચલના પૂર્ણિયામાં રાહુલ ગાંધી ટિપિકલ દેશી સ્ટાઈલમાં જોવા મળ્યા હતા. રાહુલે માથા પર લાલ કલરને ચેક્સવાળો ગમછો બાંધીને ખાટલા પર બેસીને ખેડૂતો સાથે વાત કરી.
ખેડૂતો સાથે વાત કરતા રાહુલ ગાંધીએ કહ્યું, ખેડૂતોને ચારે બાજુથી ઘેરવામાં આવી રહ્યા છે. તમારી જમીન છીનવાઈ રહી છે. તમારી પાસેથી જમીન છીનવીને અદાણી જેવા મોટા ઉદ્યોગપતિઓને ભેટમાં આપવામાં આવી છે. તેમણે અગાઉ મોદી સરકારે પાસ કરેલા કૃષિ વિષયક કાયદાનો ઉલ્લેખ કરતા કહ્યું કે ત્રણ કાળા કાયદા લાવ્યા અને જે તમારું હતું તે છીનવી લેવાનો પ્રયાસ કર્યો. સારું થયું કે દેશના તમામ ખેડૂતો તેની સામે ઉભા થયા અને પીછેહઠ ન કરી, તમારું જીવન પાછું આવ્યું નહીંતર તમે બધા બરબાદ થઈ ગયા હોત.
રાહુલ ગાંધીએ કહ્યું, મને લાગે છે કે ખેડૂતો દેશની કરોડરજ્જુ છે પરંતુ અબજોપતિઓના 14 લાખ કરોડ રૂપિયા માફ કરવામાં આવ્યા છે, પરંતુ ખેડૂતોની લોન માફ કરવામાં આવી નથી. સીમાંચલમાં પોતાનો ગઢ મજબૂત કરવા માટે કોંગ્રેસ પણ આજે પૂર્ણિયાના રંગભૂમિ મેદાનમાં એક મોટી રેલી કરવા જઈ રહી છે. સીમાંચલ એ બિહારનો મુસ્લિમ પ્રભુત્વ ધરાવતો વિસ્તાર છે અને ચાર જિલ્લા પૂર્ણિયા, અરરિયા, કટિહાર, કિશનગંજ પૂર્ણિયા કમિશનરેટ હેઠળ છે.
રાહુલની રેલી અંગે કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અખિલેશ પ્રસાદ સિંહે કહ્યું કે, બિહારમાં મહાગઠબંધનના રાજકીય સાથી આરજેડી પ્રમુખ લાલુ પ્રસાદ અને સીપીઆઈ (એમએલ)-એલના મહાસચિવ દિપાંકર ભટ્ટાચાર્યને પૂર્ણિયામાં રેલીમાં આમંત્રણ આપવામાં આવ્યું છે.
કોંગ્રેસ નેતાના કહેવા પ્રમાણે, પૂર્ણિયા રેલીમાં JDU પ્રમુખ નીતીશ કુમારને પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું, પરંતુ હવે તેઓ મહાગઠબંધન સાથેના સંબંધો તોડીને NDAમાં સામેલ થઈ ગયા છે. ઉલ્લેખનીય છે કે રાહુલ ગાંધી 2020 વિધાનસભા ચૂંટણી પ્રચાર પછી પ્રથમ વખત બિહારની મુલાકાતે છે.