ભાજપ નફરત ફેલાવે છે તેને હરિયાણાથી હટાવી દો: રાહુલ ગાંધી
નૂહ: કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ ગુરુવારે એવું નિવેદન કર્યું હતું કે ભાજપ દ્વારા ધર્મ, ભાષા અને જાતિના આધારે ફેલાવવામાં આવતી ‘દ્વેષ’ને તેમની પાર્ટી જીતવા દેશે નહીં. તેમણે હરિયાણાના લોકોને વિધાનસભાની ચૂંટણીમાં સત્તાધારી પક્ષને હાંકી કાઢવા અપીલ કરી હતી.
રાહુલ ગાંધી નુહમાં એક જાહેર સભાને સંબોધિત કરી રહ્યા હતા, જેમાં ગયા વર્ષે વિશ્ર્વ હિન્દુ પરિષદના સરઘસ પર ટોળા દ્વારા હુમલો કરવામાં આવ્યા બાદ હિંસાની ઘટનાઓ જોવા મળી હતી, જેમાં બે હોમગાર્ડ અને એક મૌલવી સહિત છ લોકોનાં મોત થયા હતા.
લડાઈ ‘મોહબ્બત’ (પ્રેમ) અને ‘નફરત’ (દ્વેષ) વચ્ચે છે. કોંગ્રેસ પ્રેમ ફેલાવે છે જ્યારે ભાજપ ‘દ્વેષ’ ફેલાવે છે, ગાંધીએ પાંચમી ઓક્ટોબરની વિધાનસભા ચૂંટણીના પ્રચારના છેલ્લા દિવસે જણાવ્યું હતું.
આ પણ વાંચો : વીર સાવરકર માનહાનિ કેસમાં રાહુલ ગાંધીને સમન્સ…
સૌથી મહત્વની બાબત છે ભાઈચારો. ભાજપ અને આરએસએસના લોકો જ્યાં પણ જાય છે, ત્યાં તેઓ નફરત ફેલાવે છે. તેઓ ગમે તે રાજ્યમાં જાય છે, ક્યાંક તેઓ ભાષાની વાત કરે છે, ક્યાંક તેઓ ધર્મની વાત કરે છે અને ક્યાંક તેઓ જાતિની વાત કરે છે, એમ તેમણે કહ્યું હતું.
તેમણે એમ પણ કહ્યું હતું કે, નફરતનો અંત લાવવો પડશે. ભારત નફરતનો દેશ નથી, તે ‘મોહબ્બત’નો દેશ છે અને તમે આખા દેશને બતાવ્યું છે, એમ તેમણે કહ્યું હતું.
તેમણે કહ્યું કે ભારત ‘મોહબ્બત કી દુકાન’નો દેશ છે, ‘નફરત કા બાઝાર’નો નહીં.
લોકસભામાં વિપક્ષના નેતાએ એમ પણ કહ્યું હતું કે, અમે દેશમાં આ નફરતને જીતવા નહીં દઈએ. દેશમાં પ્રેમ, ભાઈચારો અને એકતાની જીત થશે.
નફરતથી દેશ નબળો પડે છે. નફરત દુ:ખ અને ભય ફેલાવે છે. પ્રેમ જ નફરતનું મારણ છે. પ્રેમ ભાઈચારો ફેલાવે છે અને પ્રેમથી દેશ આગળ વધે છે. આપણે પ્રેમની વાત કરીએ છીએ પણ તેઓ (ભાજપ) નફરત ફેલાવે છે અને દેશને તોડવા માટેના પ્રયાસ કરે છે, એમ તેમણે ઉમેર્યું હતું.
બંધારણની એક નકલ સાથે ગાંધીએ કહ્યું કે તેમણે ગરીબો, ખેડૂતો અને મજૂરોના અધિકારોનું રક્ષણ કર્યું છે, પરંતુ ભાજપ અને આરએસએસ બંધારણ પર હુમલો કરવા માટે તત્પર છે. લડાઈ આને લઈને છે. જો બંધારણ નહીં રહે, તો તમારી પાસે, ગરીબો પાસે કંઈ જ નહીં રહે. તમારી જમીન, પૈસા અને પાણી ગાયબ થઈ જશે. આ પસંદગીના 20-25 લોકોના હાથમાં જશે. એમ તેમણે જણાવ્યું હતું.
વિધાનસભાની ચૂંટણીની મતગણતરી આઠમી ઓક્ટોબરે થશે.