કેરળ પહોંચ્યા રાહુલ ગાંધીઃ અસરગ્રસ્તોને કહ્યું, પિતાને ગુમાવવાનું…
વાયનાડમાં સર્ચ ઓપરેશન ચાલું, ગુમ થયેલા લોકોની સંખ્યા હજુ અસ્પષ્ટ
વાયનાડઃ કેરળના ભૂસ્ખલનગ્રસ્ત વાયનાડમાં ૩૦૦૦થી વધુ બચાવકર્મીઓની ટીમ સાથે મુંડાકાઇ ક્ષેત્રમાં વ્યાપક શોધ અભિયાન ચાલી રહ્યું હોવાથી અધિકારીઓ અને સ્થાનિકો હજુ પણ ગુમ થયેલા લોકોની ચોક્કસ સંખ્યા નક્કી કરવા માટે સંઘર્ષ કરી રહ્યા છે, જ્યારે ગુમ થયેલા સંખ્યા પણ અસ્પષ્ટ છે ત્યારે આજે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ વાયનાડ પહોંચીને પીડિતોની મુલાકાત લીધી હતી.
વાયનાડમાં પરિસ્થિતિની સમીક્ષા કરતી વખતે રાહુલ ગાંધીએ કહ્યું હતું કે 1991માં મેં મારા પિતા રાજીવ ગાંધીને જ્યારે ગુમાવ્યા ત્યારે જે દુઃખની લાગણી થઈ હતી એ અત્યારે અનુભવી રહ્યો છું. હાલ મને રાજકારણમાં નહીં, પણ વાયનાડના લોકોની હાલત જાણવામાં રસ છે. રાહુલ ગાંધી અને કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી પણ આજે વાયનાડમાં રોકાશે.
રાહુલ ગાંધીએ પ્રેસ કોન્ફરન્સ કરતા કહ્યું હતું કે વાયનાડમાં કુદરતી આફત એ રાજ્ય અને રાષ્ટ્ર માટે ભયાનક દુર્ઘટના છે.
અહીંની સ્થિતિ જોવા માટે આવ્યા છે કે અહીં લોકોએ પોતાના પરિવારના સભ્યો અને ઘરોને ગુમાવ્યા છે. અમે મદદ કરવા માટે કોશિશ કરીશું અને અસરગ્રસ્ત લોકોને તેમના અધિકારો મળે એનો પણ પ્રયાસ કરીશું. અહીંના ડોક્ટર, નર્સ, પ્રશાસન અને સ્વયંસેવકો સહિત તમામ લોકોનો આભાર માનું છું.
આ પણ વાંચો : Himachal Flood: હિમાચલમાં ત્રણ સ્થળોએ વાદળ ફાટતા ભારે નુકશાન, 35 લાપતા
રાજ્ય સરકારના જણાવ્યા અનુસાર મૃત્યુઆંકમાં વધારો થઇ રહ્યો છે, જેમાં મૃત્યુઆંકની સંખ્યા વધીને 256 થઈ છે, જ્યારે 200થી વધુ લોકો ગુમ હોવાનો અંદાજ છે. જો કે સત્તાવાર સૂત્રો અનુસાર વાસ્તવિક સંખ્યા ઘણી વધારે હોઇ શકે છે. બચાવ દળોને નાશ પામેલા ઘરો અને ઇમારતોમાં શોધખોળ દરમિયાન કાદવવાળી માટી અને વરસાદ જેવી પ્રતિકૂળ પરિસ્થિતિઓનો સામનો કરવો પડી રહ્યો છે.
આપત્તિગ્રસ્ત પ્રદેશમાં બચાવ પ્રયાસોનું સંકલન કરી રહેલા રાજ્યના મહેસૂલ પ્રધાન કે રાજને મીડિયાને જણાવ્યું હતું કે અધિકારીઓને હજુ સુધી ગુમ થયેલા લોકોની સંખ્યા નક્કી કરવાની બાકી છે.
રાજને કહ્યું કે શરૂઆતમાં અમે ગુમ થયેલા લોકોની ઓળખ માટે મતદાર યાદીનો ઉપયોગ કર્યો હતો. પરંતુ તેમાં બાળકોની વિગતો ન હોવાથી અમે હવે રેશનકાર્ડ અને અન્ય વિગતો પર આધાર રાખીએ છીએ. અમે રેશનકાર્ડની વિગતો ચકાસીને અને આશા વર્કર અને આંગણવાડી કાર્યકરોની મદદથી ગુમ થયેલા લોકોની ઓળખ કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ.
મહેસૂલ પ્રધાનના જણાવ્યા અનુસાર હાલમાં આર્મી, નેવી, એનડીઆરએફ, પોલીસ, ફાયર અને રેસ્ક્યુ સહિત ૧૬૦૦થી વધુ બચાવકર્મીઓ ભૂસ્ખલનગ્રસ્ત વિસ્તારમાં છે. તેમના સિવાય ત્યાં સમાન સંખ્યામાં વિસ્તારથી પરિચિત સ્થાનિકો અને અન્ય બચાવ કાર્યકરો છે જેઓ કામગીરીમાં મદદ કરી રહ્યા છે. કુલ ૩૦૦૦થી વધુ લોકો ગુમ થયેલા લોકોને શોધવા માટે અથાક મહેનત કરી રહ્યા છે.