‘મોદીજીની દુનિયામાં સત્ય ભૂંસી શકાય છે…’ લોકસભા ભાષણનો ભાગ હટાવ્યા બાદ રાહુલ ગાંધીની પ્રતિક્રિયા

નવી દિલ્હી: વિપક્ષના નેતા રાહુલ ગાંધી(Rahul Gandhi)એ સોમવારે લોકસભામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી(PM Modi) અને ભાજપ પર પર આકરા પ્રહારો કર્યા હતા. સ્પીકરના આદેશ પર સંસદના રેકોર્ડમાંથી લઘુમતીઓ, NEET વિવાદ અને અગ્નિપથ યોજના પરના રાહુલ ગાંધીના ભાષણના કેટલાક ભાગોને હટાવવામાં આવ્યા છે. આજે મંગળવારે રાહુલ ગાંધીએ ફરી વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર આકરા પ્રહારો કર્યા હતા અને દાવો કર્યો હતો કે તેમણે લોકસભામાં જે કહ્યું હતું તે સાચું હતું.
સત્ર દરમિયાન લોકસભામાં હાજરી આપતા પેહલા રાહુલ ગાંધીએ પત્રકારો સાથે વાત કરતા જણાવ્યું હતું કે “મોદીજીની દુનિયામાં, સત્યને ભૂંસી શકાય છે. પરંતુ હકીકતમાં સત્યને ભૂંસી શકાતું નથી. મારે જે કહેવું હતું તે મેં કહ્યું, એ સત્ય છે. તેઓ ઇચ્છે તેટલું ભૂંસી શકે છે. સત્ય આખરે સત્ય છે.”
રાહુલ ગાંધીએ લોકસભા સ્પીકરને પત્ર લખ્યો
લોકસભા સ્પીકરને ઓમ બિરલાને લખેલા પત્રમાં રાહુલ ગાંધીએ કહ્યું કે લોકસભા કાર્યવાહીમાંથી મારા મંતવ્યો હટાવવા એ સંસદીય લોકશાહીની ભાવના વિરુદ્ધ છે. આવી સ્થિતિમાં મારી સ્પીચના ડિલીટ કરેલા ભાગોને ફરી સમાવવા જોઈએ.
બીજેપી સાંસદ અને પૂર્વ કેન્દ્રીય પ્રધાન અનુરાગ ઠાકુરનું ભાષણ પણ આરોપોથી ભરેલું હતું, પરંતુ તેમના ભાષણમાંથી માત્ર એક જ શબ્દ હટાવવામાં આવ્યો હતો. આ બાબતે કરવામાં આવેલો ભેદભાવ સમજની બહાર છે.
હિંદુ સમુદાય અંગેના રાહુલ ગાંધીના ભાષણને કારણે લોકસભામાં NDAના સાંસદોએ હોબાળો મચાવ્યો હતો, જેમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સમગ્ર હિન્દુ સમુદાયને હિંસક કહેવા માટે કોંગ્રેસના નેતાની નિંદા કરી હતી.
આ પન વાચો : શિવસેના અને એનસીપીના સાંસદો વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા
રાહુલ ગાંધીના ભાષણમાંથી આ શબ્દો હટાવવામાં આવ્યા:
રાહુલ ગાંધીના ભાષણમાંથી કાઢી નાખવામાં આવેલા ભાગોમાં તેમની હિંદુઓ અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી-ભાજપ-આરએસએસ, અન્યો પરની ટિપ્પણીઓનો સમાવેશ થાય છે. ઉદ્યોગપતિઓ અદાણી અને અંબાણી અને અગ્નિવીર યોજના પર કોંગ્રેસના સાંસદની ટિપ્પણીના ભાગ પણ કાઢી નાખવામાં આવ્યા હતા.
એક કલાક અને 40 મિનિટ સુધી ચાલેલા રાહુલ ગાંધીના સંબોધન દરમિયાન વડા પ્રધાન મોદીએ બે વાર દરમિયાનગીરી કરી હતી, ઉપરાંત પાંચથી વધુ કેબિનેટ પ્રધાનોએ પણ રાહુલ ગાંધીના ભાષણ દરમિયાન દરમિયાનગીરી કરી હતી, કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે રાહુલ ગાંધી માફી માગે એવી માંગ કરી હતી.
ભગવાન શિવ, ગુરુ નાનક અને જીસસ ક્રાઈસ્ટની તસવીરો પકડીને રાહુલ ગાંધીએ નિર્ભયતાના મહત્વને રેખાંકિત કરવા હિંદુ, ઈસ્લામ, શીખ ધર્મ, ઈસાઈ ધર્મ, બૌદ્ધ અને જૈન ધર્મનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે ભગવાન શિવના લક્ષણો અને ગુરુ નાનક, ઇસુ ખ્રિસ્ત, બુદ્ધ અને મહાવીરના ઉપદેશોને પણ ટાંકીને જણાવ્યું હતું કે દેશના તમામ ધર્મો અને મહાન લોકોએ કહ્યું છે કે “ડરો માત, ડરો મત.”
રાહુલ ગાંધીએ ભાજપ પર બંધારણ અને ભારતની મૂળભૂત વિભાવના પર પ્રહાર કરવાનો આરોપ મૂક્યો હતો, તેમણે કહ્યું કે લાખો લોકોએ શાસક પક્ષ દ્વારા પ્રસ્તાવિત વિચારોનો વિરોધ કર્યો છે.
તેમણે કહ્યું કે “વડાપ્રધાન મોદી અને સરકારના આદેશ પર મારા પર હુમલો કરવામાં આવ્યો. મારી વિરુદ્ધ 20 થી વધુ કેસ થયા, બે વર્ષની જેલની સજા થઈ, ઘર છીનવાઈ ગયું, ED દ્વારા 55 કલાકની પુછપરછ થઈ.”
રાહુલ ગાંધીએ ભગવાન શિવની તસવીર હાથ ધરતાં, સ્પીકર ઓમ બિરલાએ તેમને યાદ અપાવ્યું કે નિયમો મુજબ ગૃહમાં પ્લેકાર્ડ પ્રદર્શિત કરવાની મંજૂરી નથી.