Kolkata Doctor Case મામલે રાહુલ ગાંધીએ કર્યા ગંભીર સવાલો – ભાજપે સાધ્યું સરકાર પર નિશાન
કોલકાતા: કોલકાતાની આર. જી કર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં મહિલા ડૉક્ટર પર બળાત્કાર અને હત્યાથી ઘટનાના સમગ્ર દેશમાં પડઘા પડ્યા છે. આ મુદ્દે રાજકારણ પણ ગરમાયું છે અને આ ઘટના પર સત્તાધારી ભારતીય જનતા પાર્ટી સહિત વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ પણ સવાલો ઉઠાવ્યા છે. રાહુલ ગાંધીએ કહ્યું કે, કોલકાતામાં જુનિયર ડોક્ટર પર બળાત્કાર અને હત્યાની ઘૃણાસ્પદ ઘટનાથી સમગ્ર દેશ સ્તબ્ધ છે.
રાહુલ ગાંધીએ કહ્યું કે, ‘મહિલા ડોકટરની સાથે જે રીતે ક્રૂર અને અમાનવીય કૃત્યની એક પછી એક બાબતો બહાર આવી રહી છે, જેનાથી ડૉક્ટર સમુદાય અને મહિલાઓમાં અસુરક્ષાનો માહોલ છે. પીડિતાને ન્યાય આપવાને બદલે આરોપીઓને બચાવવાના પ્રયાસો થઈ રહ્યા છે. જેના કારણે હોસ્પિટલ અને સ્થાનિક વહીવટીતંત્ર પર ગંભીર સવાલો ઉભા થયા છે. રાહુલ ગાંધીએ કહ્યું કે ‘આ ઘટનાએ આપણને એ વિચારવા મજબૂર કરી દીધા છે કે જો મેડિકલ કોલેજ જેવી જગ્યાએ ડોક્ટરો સુરક્ષિત નથી તો કયા ભરોસે માતા-પિતાઓ પોતાની દીકરીઓને બહાર ભણવા માટે મોકલશે ? નિર્ભયા કાંડ બાદ બનેલા કડક કાયદા પણ આવા ગુનાઓને રોકવામાં કેમ નિષ્ફળ રહ્યા છે?
આ પણ વાંચો : કોલકાતા હાઇકોર્ટે મહિલા ડૉક્ટરના બળાત્કાર અને હત્યાનો કેસ CBIને સોંપ્યો
તેમણે વધુમાં કહ્યું કે, ‘હાથરસથી ઉન્નાવ અને કઠુઆથી કોલકાતા સુધી મહિલાઓ વિરુદ્ધ સતત વધી રહેલી ઘટનાઓ પર દરેક પક્ષ અને દરેક વર્ગને એકસાથે ગંભીર ચર્ચા કરીને નક્કર પગલાં લેવા પડશે. આ અસહ્ય દુઃખમાં હું પીડિત પરિવાર સાથે ઉભો છું. તેમને દરેક પરિસ્થિતિમાં ન્યાય મળવો જોઈએ અને ગુનેગારોને એવી સજા મળવી જોઈએ જે સમાજમાં એક દાખલો બેસે.
ભારતીય જનતા પાર્ટીએ કોલકાતાની મહિલા ડોક્ટરની હત્યા મામલે મમતા બેનર્જી સરકાર પર નિશાન સાધ્યું છે. પશ્ચિમ બંગાળના બીજેપી અધ્યક્ષ સુકાંત મજુમદારે કહ્યું કે એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવ્યા બાદ પણ ડોક્ટર્સનો વિરોધ ચાલુ છે. તેમણે વધુમાં કહ્યું કે, ‘વિરોધ કરી રહેલા ડોક્ટરો તપાસથી નિરાશ છે. જે રીતે આ મુદ્દાને દબાવવાના પ્રયાસો થઈ રહ્યા છે, તેનાથી સ્પષ્ટ થાય છે કે મમતા બેનર્જી સરકાર કોઈને બચાવવા માંગે છે. જે લોકોના ઘરે દીકરીઓ છે તે લોકો મહિલા મુખ્યમંત્રી મમતા બેનર્જીને સવાલ કરી રહ્યા છે.
સુકાંત મજમુદારે કહ્યું કે, ‘સરકારી મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતી એક છોકરી પર ફરજ પરના ડૉક્ટરે બળાત્કાર ગુજાર્યો હતો. છેલ્લા 10થી 15 વર્ષમાં આપણે કોઈ મેડિકલ કોલેજમાં કોઈ ડૉક્ટર પર બળાત્કાર થતો નથી જોયો. તેથી આ સરકાર સંપૂર્ણ નિષ્ફળ સાબિત થઈ છે અને મમતા બેનર્જીએ રાજીનામું આપવું જોઈએ. આ સાથે જ તેમણે કહ્યું હતું કે ડોકટરોએ બનાવેલ ગ્રૂપમાં ઘણી બાબતોનો ઘટસ્ફોટ થયો છે. અમુક સ્ક્રીનશોટ સામે આવ્યા છે કે જેમાં મમતા બેનર્જીના ભત્રીજા અને ટીએમસીના નેતાના નામ ખૂલ્યા છે.