‘TV પર 24 કલાક PM Modiને બતાવવામાં આવે છે…’ રાહુલ ગાંધીએ મીડિયા પર સવાલ ઉઠાવ્યા
નાસિક: કોંગ્રેસની ભારત જોડો ન્યાય યાત્રા (Bharat Jodo Nyay Yatra) તેના અંતિમ ચરણમાં મહારાષ્ટ્ર પહોંચી ગઈ છે, નાસિક(Nashik)માં ખેડૂતોને સંબોધતા રાહુલ ગાંધી(Rahul Gandhi)એ કહ્યું કે મેં કન્યાકુમારીથી કાશ્મીર સુધી 4000 કિલોમીટર અને મણિપુરથી મહારાષ્ટ્ર સુધી 6000 કિલોમીટર મુસાફરી કરી છે. હું લાખો લોકોને મળ્યો છું અને હજારો લોકો સાથે વાત કરી છે. દેશમાં ઘણા મુદ્દા છે, સૌથી મોટો મુદ્દો બેરોજગારીનો છે. તે પછી મોંઘવારી અને ખેડૂતોની સમસ્યાઓ છે, ભારતની સંપત્તિ કોને મળી રહી છે, કયા વર્ગને મળી રહી છે, આ દેશના મુદ્દાઓ છે.
રાહુલ ગાંધીએ ફરી એકવાર કેન્દ્ર સરકાર અને વડા પ્રધાન મોદી પર નિશાન સાધ્યું હતું. તેમણે દેશની વાસ્તવિક સમસ્યાઓને કવર ન કરવા માટે મીડિયા પર પણ આક્ષેપ કર્યો હતો. રાહુલ ગાંધીએ કહ્યું કે જો તમે ટીવી જુઓ છો તો મીડિયામાં આ મુદ્દાઓ પર કોઈ ચર્ચા નથી થતી. ટીવી પર ફક્ત બોલિવૂડની જ વાત થાય છે, ટીવી પર 24 કલાક પીએમ મોદીને બતાવવામાં આવે છે.
તેમણે કહ્યું કે વડા પ્રધાન મોદી જયારે દરિયાની નીચે જાય છે ત્યારે તેની સાથે ટીવી કેમેરા પણ દરિયાની નીચે જાય છે. તેમને સમુદ્રની નીચે પૂજા કરતાં બતાવવામાં આવે છે. પીએમ મોદી સી પ્લેનથી ઉડાન ભરશે તો મીડિયા પણ તેમની સાથે જશે. જો મોદીજી ચીનની બોર્ડર પર જશે તો મીડિયા પણ ત્યાં પહોંચી જશે.
રાહુલે કહ્યું કે જ્યારે દેશમાં કોરોના આવ્યો ત્યારે વડા પ્રધાન મોદી થાળી વગાડવાનું કહે છે, બધાને સાથે નચાવે છે. દેશમાં કોવિડ ફેલાઈ રહ્યો હતો પરંતુ પીએમ ભારતના લોકોને કહી રહ્યા હતા કે બધા ભેગા થઈને થાળી વગાડો અને મીડિયા તેમને 24 કલાક બતાવે છે. આ રીતે મીડિયાનો ઉદ્દેશ્ય દેશના લોકોનું ધ્યાન હટાવવાનો છે.
નાસિકમાં યોજાયેલી ખેડૂતોની રેલીમાં શરદ પવાર સહિત ઘણા મોટા નેતાઓએ ભાગ લીધો હતો.