હવે રાહુલ ગાંધીના સામે આ પગલું લેવા ભાજપે અપીલ કરી ચૂંટણી પંચને
ચૂંટણીના પ્રચાર દરમિયાન ભાજપના નિશાન પર કૉંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી રહ્યા છે. ખાસ કરીને ગાંધીની પનોતી વાળી ટીપ્પણી બાદ ભાજપ લાલચોળ થઈ હતી અને આ મામલે ચૂંટણી પંચને પણ રજૂઆત કરી છે. હવે ફરી ગાંધી સામે ભાજપ ચૂંટણી પંચમાં ગયું છે અને આ વખતે રાહુલનું ટ્વીટર (એક્સ) અકાઉન્ટ તેમના નિશાન પર છે. વાત એમ છે કે રાજસ્થાનમાં આજે વિધાનસભાની ચૂંટણીનું મતદાન છે. તે પહેલા સવારે રાહુલે એક પોસ્ટ તેના ટ્વીટર અકાઉન્ટ પર મૂકી છે. જેને લઈને ભાજપે ચૂંટણી પંચમાં ધા નાખી છે.
ભાજપએ ચૂંટણી પંચને પત્ર લખીને ફરિયાદ કરી છે કે કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ આચાર સંહિતાનું ઉલ્લંઘન કર્યું છે. ભાજપે આરોપ લગાવતા કહ્યું કે ટ્વીટર ના ઉપયોગ દ્વારા તેમણે આચાર સંહિતાનું ઉલ્લંઘન કર્યું છે. ભાજપે ચૂંટણી પંચને સોશિયલ મીડિયા કંપની પાસે રાહુલ ગાંધીના એકાઉન્ટને તાત્કાલિક સસ્પેન્ડ કરવા અપીલ કરી છે.
ભાજપે તેના પત્રમાં ચૂંટણી પંચને રાહુલ ગાંધી વિરુદ્ધ ફોજદારી ફરિયાદ દાખલ કરવા અને આ સંબંધમાં રાજસ્થાનના મુખ્ય ચૂંટણી અધિકારીને સૂચના આપવા માટે પણ અપીલ કરી છે.
ભાજપે તેની ફરિયાદમાં રાહુલ ગાંધીના ટ્વીટનો સ્ક્રીનશોટ પણ શેર કર્યો છે. ગાંધીએ આજે સવારે 8.40 વાગ્યે આ ટ્વીટ કર્યું હતું. આ ટ્વીટમાં તેમણે રાજસ્થાનમાં કોંગ્રેસની ચૂંટણી ગેરંટી વિશે જણાવ્યું હતું. ભાજપનો આરોપ છે કે, આચારસંહિતા હેઠળ મતદાનના 48 કલાક પહેલા કોઈ આ રીતે પ્રચાર કરી શકે નહીં.
ભાજપનું કહેવું છે કે રાહુલ ગાંધીએ આ ટ્વીટ કરીને પીપલ્સ એક્ટ 1951ની કલમ 126નું ઉલ્લંઘન કર્યું છે. આ મામલે હજુ કૉંગ્રેસે કોઈ પ્રતિક્રિયા આપી નથી.