રાહુલ ગાંધી અને ઓવૈસી બિશ્નોઈના આગામી ટાર્ગેટ હોઈ શકે છે! આ એક્ટરની પોસ્ટ કરી વિવાદ જગાવ્યો

ભુવનેશ્વર: મુંબઈમાં નેશનાલીસ્ટ કોંગ્રેસ પાર્ટી (અજીત પવાર)ના નેતા બાબા સિદ્દીકીની જાહેરમાં હત્યા કર્યા બાદ લોરેન્સ બિશ્નોઈ(Lawrence Bishnoi) ચર્ચાના કેન્દ્રમાં છે. ત્યાર બાદ લોરેન્સ બિશ્નોઈએ સલમાન ખાનને પણ ધમકી આપી છે. એવામાં ઓડિયા ફિલ્મ એક્ટર બુદ્ધાદિત્ય મોહંતી (Buddhaditya Mohanty) મોટો દાવો કર્યો હતો. તેની તાજેતરની સોશિયલ મીડિયા પોસ્ટથી રાજકીય વિવાદ ઉભો કર્યો. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં, મોહંતીએ કહ્યું કે બિશ્નોઈના આગામી ટાર્ગેટ રાહુલ ગાંધી અને AIMIMના વડા અસદુદ્દીન ઓવૈસી હોઈ શકે છે.
બુદ્ધાદિત્ય મોહંતી સોશિયલ મીડિયા પર લખ્યું, “જર્મની પાસે ગેસ્ટાપો છે… ઈઝરાયેલ પાસે મોસાદ છે… યુએસએ પાસે સીઆઈએ છે… ભારતમાં લોરેન્સ બિશ્નોઈ છે… લીસ્ટમાં આગળ ઓવૈસી અને રાહુલ ગાંધીના નામ હોઈ શકે છે.”
મોહંતીની આ પોસ્ટને કારણે ભારે વિવાદ ઉભો થયો છે. કોંગ્રેસ પાર્ટીની વિદ્યાર્થી પાંખ નેશનલ સ્ટુડન્ટ્સ યુનિયન ઓફ ઈન્ડિયા (NSUI)એ મોહંતી સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. રાજ્ય NSUI પ્રમુખ ઉદિત પ્રધાને શુક્રવારે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી, મોહંતી સામે આ પોસ્ટ માટે કાર્યવાહીની માંગણી કરી છે. જો કે આ પોસ્ટ હવે ડિલીટ કરી દેવામાં આવી છે.
ઉદિત પ્રધાને કહ્યું કે “સોશિયલ મીડિયા પોસ્ટમાં, મોહંતીએ કહ્યું કે NCP નેતા બાબા સિદ્દીકની હત્યા કર્યા પછી, ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈનું આગામી લક્ષ્ય કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી હોઈ શકે છે. અમે અમારા નેતા વિરુદ્ધ આવી ટિપ્પણીને સહન કરી શકીએ નહીં.”
એનએસયુઆઈએ ફરિયાદ સાથે સોશિયલ મીડિયા પોસ્ટનો સ્ક્રીનશોટ પણ સબમિટ કર્યો હતો. હાલ પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. જોકે મોહંતીએ સોશિયલ મીડિયા પર જાહેરમાં માફી માગી લીધી છે, તેમણે કહ્યું કે તેમનો ઈરાદો કોઈ પણ રીતે રાહુલ ગાંધીને બદનામ કરવાનો ન હતો.