હવે ‘ટ્રેડ ડીલ’ મુદ્દે રાહુલ ગાંધીએ ઊઠાવ્યા સવાલ, કહ્યું પીએમ મોદી પર અમેરિકાનું દબાણ…

નવી દિલ્હી: લોકસભામાં ડોકલામ મુદ્દે કોંગ્રેસ સાંસદ અને વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ ઉગ્ર રજૂઆત કરી હતી, જેને પગલે ગૃહમાં હંગામો થયો હતો અને કાર્યવાહી સ્થગિત કરવાની ફરજ પડી હતી. ગૃહની બહાર મીડિયા સાથે વાત કરતા રાહુલ ગાંધીએ પીએમ મોદી પર આકરા પ્રહાર કરતા કહ્યું હતું કે, વડા પ્રધાન મોદી અત્યારે ભારે દબાણ હેઠળ છે. તેમણે આરોપ લગાવ્યો કે જે ટ્રેડ ડીલ છેલ્લા ચાર મહિનાથી અટકેલી હતી, તેના પર વડા પ્રધાને ગઈકાલે સાંજે સહી કરી દીધી છે. રાહુલ ગાંધીના મતે, વડા પ્રધાન પર કોઈ મોટું દબાણ છે જે તેઓ પોતે અને મોદીજી બંને જાણે છે.
રાહુલ ગાંધીએ અમેરિકા સાથેની ટ્રેડ ડીલ પર સવાલ ઉઠાવતા કહ્યું હતું કે, ઇતિહાસમાં પહેલીવાર વિપક્ષના નેતાને રાષ્ટ્રપતિના અભિભાષણ પર બોલવા દેવામાં આવ્યા નથી. તેમણે ગંભીર આરોપ લગાવ્યો કે મોદીજીએ અમેરિકા સાથેના સોદામાં ભારતના ખેડૂતોની મહેનત અને લોહી-પરસેવાને વેચી દીધો છે. તેમણે વધુમાં ઉમેર્યું કે, આ સોદો માત્ર ખેડૂતોનો જ નહીં પણ દેશનો સોદો છે. મોદીજી ડરેલા છે કારણ કે જે લોકોએ હજારો કરોડ રૂપિયા ખર્ચીને તેમની ઈમેજનો ફુગ્ગો બનાવ્યો હતો, જે ફૂટી શકે છે.
આ પણ વાંચો…જ્યાંથી ‘સસ્તું’ તેલ મળશે ત્યાંથી ‘ખરીદશું’: ટ્રમ્પના દાવા પર ભારત સરકારની નવી સ્પષ્ટતા
વડા પ્રધાન પરના દબાણના કારણો ગણાવતા રાહુલ ગાંધીએ અદાણી અને એપસ્ટીન ફાઇલ્સનો ખાસ ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે, અમેરિકામાં અદાણી સામે જે કેસ ચાલી રહ્યો છે તે સીધો વડા પ્રધાનના ફાઈનાન્શિયલ સ્ટ્રક્ચર પર નિશાન સાધે છે. રાહુલ ગાંધીના મતે અદાણી પરનો કેસ વાસ્તવમાં મોદીજી પરનો જ કેસ છે. તેમણે જણાવ્યું કે અદાણી કેસ અને એપસ્ટીન ફાઇલ્સ – આ બે એવા પ્રેશર પોઈન્ટ્સ છે જેના કારણે વડા પ્રધાન દબાણમાં આવીને દેશના હિતો સાથે સમાધાન કરી રહ્યા છે.
વડા પ્રધાનના સમાધાન પર પ્રહાર અંતમાં રાહુલ ગાંધીએ દાવો કર્યો હતો કે હવે આખો દેશ સમજી રહ્યો છે કે વડા પ્રધાને સત્તા ટકાવી રાખવા માટે સમજૂતીઓ કરી છે. તેમણે કહ્યું કે વડા પ્રધાનની છબિ બચાવવા માટે દેશના સંસાધનો અને ખેડૂતોના અધિકારોનો ભોગ લેવામાં આવી રહ્યો છે.



