પૂર્વ બ્રિગેડિયરે રાહુલ ગાંધીને રોકડું પરખાવ્યું: PM મોદીએ કહ્યું હતું કે જે જરૂરી હોય તે કરો…

નવી દિલ્હી: પૂર્વ સેના પ્રમુખ જનરલ એમ.એમ. નરવણેના અપ્રકાશિત પુસ્તકના અંશોને ટાંકીને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યું હતું. રાહુલ ગાંધીએ દાવો કર્યો હતો કે ભારત-ચીન સરહદ વિવાદ દરમિયાન વડાપ્રધાન તરફથી સેનાને કોઈ સ્પષ્ટ નિર્દેશો આપવામાં આવ્યા નહોતા. જોકે, હવે આ આરોપો સામે નિવૃત્ત સેના અધિકારી અને સુરક્ષા વિશ્લેષક બ્રિગેડિયર અનિલ ગુપ્તાએ સખત વાંધો ઉઠાવ્યો છે. તેમણે રાહુલ ગાંધીના દાવાઓને પાયાવિહોણા ગણાવતા કહ્યું છે કે વડાપ્રધાનનો નિર્દેશ એકદમ સ્પષ્ટ હતો કે ‘જે જરૂરી હોય તે કરો’, અને સેનાનું કાર્ય પણ આ જ છે.
બ્રિગેડિયર ગુપ્તાએ રાહુલ ગાંધીની સમજણ પર સવાલ ઉઠાવતા પૂછ્યું હતું કે, શું કોઈ ગંભીરતાથી એવું માની શકે કે LAC પર તૈનાત સૈનિકોને યુદ્ધ જેવી સ્થિતિમાં ડગલે ને પગલે રાજકીય નિર્દેશોની જરૂર હોય? તેમણે આરોપ લગાવ્યો કે વિરોધ પક્ષના નેતા માત્ર રાજકીય માલ ખવાય તે માટે રાષ્ટ્રીય સુરક્ષા જેવા સંવેદનશીલ મુદ્દાઓનું રાજનીતિકરણ કરી રહ્યા છે. તેમણે ઉમેર્યું કે એક કમિશન્ડ ઓફિસર પાસે પડકારજનક સ્થિતિમાં નિર્ણય લેવાની અપાર સત્તા હોય છે અને જો ઉપરી અધિકારી એમ કહે કે ‘જે યોગ્ય લાગે તે કરો’, તો તે સૈન્ય તાલીમ અને આત્મવિશ્વાસનું પ્રતીક છે.

પોતાના તર્કને મજબૂત કરવા માટે બ્રિગેડિયર ગુપ્તાએ ભૂતકાળના અનેક સૈન્ય ઓપરેશનના ઉદાહરણો આપ્યા હતા. તેમણે ૧૯૯૨માં કારગિલ સેક્ટરમાં દુશ્મનના બંકરો તોડી પાડવાની ઘટના હોય કે ૧૯૯૫માં પાકિસ્તાની હેલિકોપ્ટરને તોડી પાડવાની વાત હોય, આ તમામ નિર્ણયો ક્ષેત્રીય કમાન્ડરો દ્વારા લેવામાં આવ્યા હતા, તેના માટે વડાપ્રધાનની પરવાનગીની રાહ જોવામાં આવી નહોતી. તેમણે ૧૯૬૭માં નાથુ લા ખાતે ચીની સેનાનો સામનો કરનાર લેફ્ટનન્ટ જનરલ સગત સિંહના ઉદાહરણ દ્વારા સમજાવ્યું કે સેના ઘણીવાર રાષ્ટ્રીય હિતમાં પીછેહઠના આદેશોને પણ ફગાવી દેતી હોય છે.
આ પણ વાંચો…ઈન્દિરા ગાંધીએ ક્યારેય નિર્ણયો લેવામાં પીછેહઠ કરી નહોતી: મોદી સરકાર પર પ્રિયંકાનો પ્રહાર…
અંતમાં બ્રિગેડિયર ગુપ્તાએ કોંગ્રેસના ઈતિહાસ પર પ્રહાર કરતા પૂર્વ વડાપ્રધાન જવાહરલાલ નેહરુના અક્સાઈ ચીન અંગેના નિવેદનની યાદ અપાવી હતી. તેમણે કહ્યું કે જેમણે અક્સાઈ ચીન વિશે એમ કહ્યું હતું કે ‘ત્યાં ઘાસનું તણખલું પણ ઉગતું નથી’, તે પક્ષે રાષ્ટ્રીય સુરક્ષા પર બોલવું શોભા દેતું નથી. તેમણે રાહુલ ગાંધીને ‘ચીપ ડિસરપ્ટર’ ગણાવતા કહ્યું કે નિવૃત્તિ પછી સૈન્ય નિર્ણયો પર ટિપ્પણી કરવી એ નિરર્થક છે, ખાસ કરીને જ્યારે તેનો ઉપયોગ રાજકીય લાભ ખાટવા માટે કરવામાં આવતો હોય. હાલમાં LAC પર સેનાની સજ્જતા વચ્ચે સરકાર અને વિપક્ષ વચ્ચે આ શાબ્દિક યુદ્ધ તેજ બન્યું છે.



