Rahul Gandhi પર ભાજપનો એક વધુ વાર, ઈલ્હાન ઓમર સાથેની મુલાકાત ભાજપને ન ગમી
નવી દિલ્હી : કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને વિપક્ષના નેતા રાહુલ ગાંધી(Rahul Gandhi)ત્રણ દિવસીય અમેરિકાના પ્રવાસે છે. આ દરમિયાન રાહુલ ગાંધી અમેરિકન સાંસદોના એક પ્રતિનિધિમંડળને મળ્યા હતા. આ મીટિંગની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. જેના મામલે વિવાદ સર્જાયો છે. આ તસવીરોમાં રાહુલ ગાંધી સાથે ભારત વિરોધી ઇલ્હાન ઓમર જોવા મળે છે. હવે આ મામલે ભાજપે રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું છે.
કોંગ્રેસ હવે ખુલ્લેઆમ ભારત વિરુદ્ધ
ભારતીય જનતા પાર્ટીના આઈટી સેલના વડા અમિત માલવિયાએ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પર ઇલ્હાન ઓમરનો સાથ આપવાનો આરોપ મૂક્યો હતો. તેમણે આ મુલાકાતને પાકિસ્તાન પ્રાયોજિત ભારત વિરોધી અવાજ ગણાવ્યો હતો. તેમણે વધુમાં કહ્યું કે ઇલ્હાન ભારત વિરોધી, કટ્ટર ઇસ્લામિક અને આઝાદ કાશ્મીરની હિમાયતી છે. પાકિસ્તાનના નેતાઓ પણ આ બેઠકને લઈને સતર્ક રહેશે. કોંગ્રેસ હવે ખુલ્લેઆમ ભારત વિરુદ્ધ કામ કરી રહ્યું છે.
જ્યારે ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા સંજુ વર્માનું કહેવું છે કે રાહુલ ગાંધી સત્તામાં આવવા માટે વ્યાકુળ છે. આ ઉતાવળના કારણે જ તે કટ્ટરપંથી ઈસ્લામિક ઇલ્હાન ઓમરને મળી શકે છે.
ભાજપના નેતા નિશિકાંત દુબેએ કહ્યું આ મહિલા અમેરિકામાં ડેમોક્રેટિક પાર્ટીના નેતા ઇલ્હાન ઓમર છે. જે ખાલિસ્તાન અને કાશ્મીરને અલગ દેશ બનાવવાનું સતત સમર્થન કરે છે. અત્યારે રાહુલ ગાંધી અમેરિકામાં આ એજન્ડાના સમર્થન માટે મળ્યા હોય તેમ લાગે છે.
બેઠક વોશિંગ્ટન ડીસીમાં રેબર્ન હાઉસ ઓફિસ બિલ્ડિંગમાં થઈ
આ બેઠક વોશિંગ્ટન ડીસીમાં રેબર્ન હાઉસ ઓફિસ બિલ્ડિંગમાં થઈ હતી. આ બેઠક કોંગ્રેસમેન બ્રેડલી જેમ્સ શર્મને હોસ્ટ કરી હતી. ઇલ્હાન ઓમર ઉપરાંત આ પ્રતિનિધિમંડળમાં સેનેટર જોનાથન જેક્સન, સેનેટર રો ખન્ના, સેનેટર રાજા કૃષ્ણમૂર્તિ, સેનેટર બાર્બરા લી, સેનેટર શ્રી થાનેદાર, જીસસ જી. ગાર્સિયા, સેનેટર્સ હેન્ક જોહ્ન્સન અને જૈન સ્કાકોવસ્કી સામેલ હતા.