માયાવતી રાહુલ ગાંધી પર કેમ થયા લાલઘૂમ, જાણો શું આપી સલાહ?
ઉત્તર પ્રદેશમાં બસપા અને કૉંગ્રેસના નેતાઓમાં શાબ્દિક યુદ્ધ વકર્યું

નવી દિલ્હીઃ દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં (delhi assembly elections results) હાર બાદ બહુજન સમાજવાદી પાર્ટી (બસપા) અને કૉંગ્રેસ (congress) વચ્ચે શાબ્દિક યુદ્ધ છેડાયું છે. કૉંગ્રેસ નેતા ઉદિત રાજ અને હવે રાહુલ ગાંધીના(rahul gandhi) એક નિવેદન પર બંને પક્ષો સામ સામે આવી ગયા છે. બંને પક્ષો એકબીજાને ભાજપની (ભારતીય જનતા પાર્ટી)ની બી-ટીમ ગણાવી રહ્યા છે. જોકે, હવે આમાં પાર્ટીના ટોચના નેતાઓ પણ કૂદી પડ્યાં છે.
ઉત્તર પ્રદેશમાં બસપા અને કૉંગ્રેસની લડાઈ વર્ષો જૂની છે. 2022માં ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી સમયે પ્રિયંકા ગાંધી અને બસપાનાં વડા માયાવતી વચ્ચે નિવેદનબાજી થઈ હતી. માયાવતીએ કૉંગ્રેસને મત કાપતો પક્ષ ગણાવ્યો હતો. તેમણે કૉંગ્રેસનાં સીએમ ચહેરા પર સવાલ ઉઠાવ્યા હતા અને પ્રિયંકા ગાંધી પર પ્રહાર કર્યો હતો. ચૂંટણી પૂરી થતાં જ બધું શાંત થઈ ગયું હતું.
કૉંગ્રેસ નેતા ઉદિત રાજે માયાવતીને ગળું દબાવનાર ગણાવ્યાં હતાં. એટલું જ નહીં, તેમણે કહ્યું હતું કે માયાવતીએ ‘દલિત આંદોલન’નું ગળું દબાવ્યું હતું, પરંતુ હવે તેનું જ ગળું દબાવી દેવાનો સમય આવી ગયો છે. જોકે તેણે કહ્યું, આને કૉંગ્રેસનું નિવેદન ન માનવું જોઈએ. તેમણે લખનઉમાં આ વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. આ પછી બસપાએ કૉંગ્રેસ પર પ્રહાર કરતાં ઉત્તર પ્રદેશ સરકારને ઉદિત રાજની તાત્કાલિક ધરપકડની માંગ કરી હતી.
ઉદિત રાજે આપેલા નિવેદનનો મામલો શાંત નહોતો પડ્યો ત્યારે કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ તેમના સંસદીય મત વિસ્તાર રાયબરેલીમાં પણ વિવાદાસ્પદ નિવેદન કર્યું હતું. રાયબરેલીમાં તેમણે દલિત યુવાનો સાથે સંવાદ કર્યો હતો. જેમાં તેમને માયાવતી અને બસપા અંગે સવાલ પૂછવામાં આવ્યો હતો કે માયાવતી હવે યોગ્ય રીતે ચૂંટણી કેમ નથી લડી રહ્યા. કૉંગ્રેસ નેતાએ તેના જવાબમાં કહ્યું હતું કે પહેલા અમારી જેમ ભાજપના વિરોધમાં ચૂંટણી લડતા હતા, પરંતુ હવે તેઓ ભાજપની ‘બી ટીમ’ તરીકે ચૂંટણી લડે છે, ત્યાર બાદ તેમણે કહ્યું હતું કે સપા, બસપા અને કૉંગ્રેસ મળીને ભાજપ સામે ચૂંટણી લડે તો તેને હરાવી શકાય છે.
આ પણ વાંચો :માંગરોળમાં માયાવતીની પાર્ટી કિંગમેકરની ભૂમિકામાં, ભાજપ-કૉંગ્રેસમાં ટાઇ
1. कांग्रेस ने दिल्ली विधानसभा आमचुनाव में इस बार बीजेपी की B टीम बनकर चुनाव लड़ा, यह आम चर्चा है, जिसके कारण यहाँ बीजेपी सत्ता में आ गई है। वरना इस चुनाव में कांग्रेस का इतना बुरा हाल नहीं होता कि यह पार्टी अपने ज्यादातर उम्मीदवारों की जमानत भी न बचा पाए। 1/3
— Mayawati (@Mayawati) February 21, 2025
માયાવતીએ રાહુલ ગાંધીને આપી શીખામણ
બસપાને ભાજપની બી ટીમ ગણાવતાં માયાવતી લાલઘૂમ થઈ ગયા હતા. તેમણે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને કૉંગ્રેસ પર જ ભાજપની બી ટીમ હોવાનો આરોપ લગાવ્યો. માયાવતીએ કહ્યું, કૉંગ્રેસે દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં આ વખતે ભાજપની બી ટીમ બનીને ચૂંટણી લડી. આ કારણે ભાજપે સત્તા મેળવી. રાહુલ ગાંધીએ બીએસપી પર આંગળી ઉઠાવતાં પહેલા તેમના ભૂતકાળ તરફ જોવું જોઈએ. આ ઉપરાંત માયાવતીએ એવો પણ આરોપ લગાવ્યો કે, કૉંગ્રેસ જે રાજ્યોમાં મજબૂત છે અથવા તેમની જ્યાં સરકાર છે ત્યાં બીએસપી અને તેના સમર્થકો સામે દ્વેષ અને જાતિવાદી વલણ અપનાવે છે. ઉત્તર પ્રદેશ જેવા રાજ્યમાં કૉંગ્રેસ નબળી છે ત્યાં બીએસપી સાથે ગઠબંધનની વાતો કરવી તે પાર્ટીનું બેવડું વલણ દર્શાવે છે.