કાશ્મીરમાં ચૂંટણી પ્રચારમાં રાહુલ ગાંધીએ જૂનો રાગ આલાપ્યો, અલગ રાજ્યનો દરજ્જો અને…
શ્રીનગરઃ લોકસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ જમ્મુમાં એક ચૂંટણી રેલીને સંબોધી હતી. આ દરમિયાન તેમણે જમ્મુ-કાશ્મીરને રાજ્યનો દરજ્જો, ટેક્સ અને જીએસટી જેવા મુદ્દાઓ પર વાત કરી. રાહુલ ગાંધીએ કહ્યું હતું કે ભારતના ઈતિહાસમાં ઘણા કેન્દ્રશાસિત પ્રદેશોને રાજ્ય બનાવવામાં આવ્યા છે, પરંતુ પ્રથમ વખત કોઈ રાજ્યને કેન્દ્રશાસિત પ્રદેશ બનાવવામાં આવ્યો છે, જમ્મુ-કાશ્મીર સાથે આવું થયું છે. આવું કરવું જમ્મુ-કાશ્મીરના લોકો સાથે અન્યાય છે, તમારા લોકતાંત્રિક અધિકારો છીનવી લેવામાં આવ્યા છે.”
રાહુલે વધુમાં કહ્યું કે,”અમે વિચાર્યું હતું કે ચૂંટણી પહેલા તમને રાજ્યનો દરજ્જો પાછો મળશે. તે જ સાચો રસ્તો હતો, પરંતુ હવે અમે ઈચ્છીએ છીએ કે તમને તમારા લોકતાંત્રિક અધિકારો શક્ય તેટલી વહેલી તકે પાછા મળે. ભારતના ઈતિહાસમાં આવું પહેલાં ક્યારેય બન્યું નથી, આવું કોઈની સાથે ન થવું જોઈએ. જમ્મુ-કાશ્મીરમાં અમારી સરકાર બનશે કે તરત જ અમે તમને રાજ્યનો દરજ્જો આપીશું.”
રાહુલ ગાંધીએ ભાજપની ટીકા કરતા કહ્યું, “જમ્મુ અહીંનું કેન્દ્રીય હબ છે, જે કાશ્મીરના વેપાર અને ઉત્પાદનને સમગ્ર દેશ સાથે જોડે છે, પરંતુ ભાજપ સરકારે આ કેન્દ્રીય હબની ભૂમિકાને નષ્ટ કરીને અહીં એમએસએમઇ અને ઉદ્યોગ સાહસિકોની કમર તોડી નાખી છે. જ્યાં સુધી જમ્મુ અને કાશ્મીરના એમએસએમઇ પોતાના પગ પર ઊભા નહીં થાય ત્યાં સુધી અહીં રોજગારીનું સર્જન નહીં થઇ શકે.
આજે દેશની સરકાર અદાણી અને અંબાણી જેવા અબજોપતિઓ માટે ચાલે છે. જીએસટી એક એવું શસ્ત્ર છે જેના વડે જમ્મુ-કાશ્મીરના નાના અને મધ્યમ ઉદ્યોગો પર હુમલો કરવામાં આવ્યો હતો. સત્ય એ છે કે નોટબંધી અને ખોટા જીએસટીને કારણે ભારતમાં લાખો વ્યવસાયો બંધ થઇ ગયા છે.