રાહુલ ગાંધી વિરુદ્ધની અરજી પર આજે સુનાવણી, કૂતરાનું નૂરી નામ રાખવું પડ્યું મોઘું
પ્રયાગરાજ: પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ અને સાંસદ રાહુલ ગાંધી વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી ફરિયાદની સુનાવણી બુધવારે એટલે કે આજે પ્રયાગરાજના વિશેષ ન્યાયાધીશ નવનીત સિંહની કોર્ટમાં થશે. આજની સુનાવણીમાં ફરિયાદી મોહમ્મદ ફરહાનનું નિવેદન વિશેષ અદાલતમાં નોંધવામાં આવશે. AIMIMના રાજ્ય પ્રવક્તા મોહમ્મદ ફરહાને એવી ફરિયાદ કરી હતી કે રાહુલ ગાંધીએ તેમના કૂતરાનું નામ નૂરી રાખ્યું છે જે યોગ્ય નથી.
તમને કારણ આપતા એવો આરોપ લગાવ્યો હતો કે નૂરી નામ રાખવાથી મુસ્લિમ સમુદાયની ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચી છે. મોહમ્મદ ફરહાનનો આરોપ છે કે રાહુલ ગાંધીના આ કૃત્યથી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે મુસ્લિમ સમુદાયની ભાવનાઓને ઠેસ પહોંચી છે. તેમણે કહ્યું કે આ શબ્દ ખાસ કરીને મુસ્લિમ ધર્મ સાથે સંબંધિત છે. ઈસ્લામ ધર્મમાં નૂરી શબ્દનો સંબંધ પ્રોફેટ મોહમ્મદ સાથે છે. વિશેષ કોર્ટે તેમની ફરિયાદ સ્વીકારી અને તેની પર રાહુલ ગાંધી અને તેમના પરિવારને નોટીસ મોકલી હતી. જેના માટે આજે સુનાવણી માટે રાહુલ ગાંધીના પરિવારે કોર્ટમાં હાજર રહેવાનું છે.
ફરિયાદમાં ખાસ એ શબ્દોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે પવિત્ર કુરાનમાં નૂર શબ્દ 42 વખત આવ્યો છે અને નૂરનો પર્યાય નૂરી છે. પયગંબર મોહમ્મદ સાહેબને નૂરી બશર પણ કહેવામાં આવે છે. મુસ્લિમ સમાજની દીકરીઓનું નામ પણ નૂરી હોય છે. ઈસ્લામમાં નૂરી શબ્દને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. મુસ્લિમ ધર્મના ઘણા ઉલેમા હતા જેમના નામમાં નૂરીનો સમાવેશ કરવામાં આવ્યો છે. AIMIM નેતાએ લોકોની ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવા અને અપમાન કરવા બદલ રાહુલ ગાંધી વિરુદ્ધ કાર્યવાહી કરવાની માંગ કરી હતી.
મોહમ્મદ ફરહાને કહ્યું હતું કે તેણે રાહુલ ગાંધીને મુસ્લિમ સમુદાયની માફી માંગવી જોઇએ. પરંતુ માફા માંગવી તો ઠીક પરંતુ તેમણે પોતાની ભૂલ સ્વીકારી પણ નહોતી. અને તેથી જ અમારે કોર્ટમાં જવું પડ્યું હતું. મોહમ્મદ ફરહાને કોર્ટ પાસે આરોપ માટે રાહુલ ગાંધીને સજા કરવાની માંગ કરી છે. ફરિયાદીનું નિવેદન નોંધ્યા બાદ જો કોર્ટ આ મામલે આગળની કાર્યવાહી કરશે તો રાહુલ ગાંધી વિરુદ્ધ ધારા 295A હેઠળ ધાર્મિક લાગણી દુભાવાનો કેસ દાખલ કરવામાં આવશે. જેમાં ત્રણ વર્ષથી વધુની સજાની જોગવાઈ છે.